મારા સાયબર વિશ્વમાં આપનું હાર્દિક સ્વાગત છે.........

પ્રિય મિત્રો,
આપ સૌ મારા બ્લોગ પર અવારનવાર પધારો છો તે મારા માટે ખૂબ જ આનંદની વાત છે. પણ ઘણા મિત્રો તેમના અભિપ્રાય આપ્યા વગર જ જતા રહે છે, જે મને થોડું અધુરૂં લાગે છે. આપ સૌના અભિપ્રાય મારા માટે ઘણાં જ અગત્યના છે અને તે મને કંઈક વધુ સારું કરવાની પ્રેરણા અને ઉત્સાહ આપતા રહે છે. તો મિત્રો આપ જ્યારે-જ્યારે મારા બ્લોગની મુલાકાત લો ત્યારે આપના અમૂલ્ય અભિપ્રાય આપતા રહો તેવી અપેક્ષા.
મારા સંગ્રહમાંથી કેટલાંક આલ્બમના મુખપૃષ્ઠો:



રવિવાર, 8 નવેમ્બર, 2009

અમે દરિયો જોયો ને તમે યાદ આવ્યા

શબ્દ: ભાગ્યેશ જહા
સ્વર: સોલી કાપડિયા
આલ્બમ: આપણા સંબંધ

અમે દરિયો જોયો ને તમે યાદ આવ્યાં
અમે દરિયો ખોયો ને તમે યાદ આવ્યાં

અમે દરિયાને તીર એક રેતીનો ઢગલો
તમે રેતીમાં સળવળતું પાણી

તમે દરિયાને વળગેલી ખારી ભીનાશ
અમે માછલીના સ્પર્શની વાણી

અમે રેતી જોઇ ને તમે યાદ આવ્યાં
અમે વાણી ખોઇ ને તમે યાદ આવ્યાં

અમે દરિયામાં ડૂબેલી નદીઓનાં નામ
તમે નદીઓના ડૂબેલાં ગાન

અમે ડૂબવાની ઘટનાનું ભુરું આકાશ
તમે વાદળમાં સાગરનું ભાન

નામ ડૂબતું જોયું ને તમે યાદ આવ્યાં
આભ ઊગતું જોયું ને તમે યાદ આવ્યાં

શનિવાર, 7 નવેમ્બર, 2009

પવનથી પાતળી ક્ષણમાં


સંગીત: મેહુલ સુરતી
શબ્દ: પ્રજ્ઞા વશી
સ્વર: રત્ના જાદવાણી
આલ્બમ: સાતત્ય

પવનથી પાતળી ક્ષણમાં ખૂંપીને ઘર બનાવ્યું છે
જીવનની આગવી ક્ષણને ટૂંપીને ઘર બનાવ્યું છે

ગઝલની રાજસી ક્ષણને સીંચીને ઘર બનાવ્યું છે
સફર સંવેદનાની કંઇ ખૂંદીને ઘર બનાવ્યું છે

ખબર છે કે ગમે ત્યારે પડે પથ્થર હવામાંથી
ને પાયામાં જ પથ્થરને મૂકીને ઘર બનાવ્યું છે

બુધવાર, 4 નવેમ્બર, 2009

ઘૂંઘટે ઢાંક્યુ રે એક કોડિયું

ફિલ્મ: મહેંદી રંગ લાગ્યો (૧૯૬૦)
સ્વર: લતા મંગેશકર
ગીત: ચતુર્ભુજ દોશી
સંગીતઃ અવિનાશ વ્યાસ

ઘૂંઘટે ઢાંક્યુ રે એક કોડિયું
એ… હું તો નીસરી ભરબજાર જી
ઘૂંઘટે ઢાંક્યુ રે એક કોડિયું

એ… લાજી રે મરું મારો સાહ્યબો ખોવાણો
કોને કહું આવી વાત જી રે
ઘૂંઘટે ઢાંક્યુ રે એક કોડિયું

ટોડલે ટોડલે મેં તો તોરણ બાંધ્યા
મારી મેડીયું ઝાકઝમાળ જી
એ… જોબન ઝરુખે રૂડી ઝાલર્યું વાગે
ઝાંઝર ઘૂંઘરમાળ જી
ઘૂંઘટે ઢાંક્યુ રે એક કોડિયું

રાત ઢળીને ઘેરા ઘડિયાળાં વાગ્યા
અને પ્રાગડના ફૂટ્યા દોર જી
એ… તો ય ન આવ્યો મારો સાહ્યબો સલૂણો
જાગી આઠે પહોર જી

ઘૂંઘટે ઢાંક્યુ રે એક કોડિયું

શુક્રવાર, 30 ઑક્ટ્બર, 2009

હું હાથને મારા ફેલાવું


શબ્દ : નાઝિર દેખૈયા
સ્વર : મનહર ઉધાસ
આલ્બમ : અસ્મિતા

હું હાથને મારા ફેલાવું, તો તારી ખુદાઇ દુર નથી,
હું માંગુ ને તું આપી દે, એ વાત મને મંજુર નથી.

શા હાલ થયા છે પ્રેમીના, કહેવાની કશીય જરૂર નથી,
આ હાલ તમારા કહી દેશે, કાં સેંથીમાં સિંદુર નથી?

આ આંખ ઉધાડી હોય છતાં, પામે જ નહીં દર્શન તારા,
એ હોય ન હોય બરાબર છે, બેનૂર છે એમાં નૂર નથી.

જે દિલમાં દયાને સ્થાન નથી, ત્યાં વાત ન કર દિલ ખોલીને,
એ પાણી વિનાના સાગરની, ‘નાઝીર’ને કશી ય જરૂર નથી.

સોમવાર, 26 ઑક્ટ્બર, 2009

સૈયર તારા કિયા છુંદણે

શબ્દ: માધવ રામાનુજ
આલ્બમ: હસ્તાક્ષર
સંગીત: શ્યામલ-સૌમિલ મુન્શી
સ્વર: દિપાલી સોમૈયા, સાધના સરગમ

સૈયર, તારા કિયા છુંદણે, મોહ્યો તારો છેલ, કહેને?
સૈયર, તારા કિયા ફૂલની લૂમીઝૂમી વેલ, કહેને?

કિયા વરતમાં પાંચ આંગળે કિયો પીપળો પૂજ્યો સૈયર?
મન ભરીને મોહે એવો કિયો ટુચકો સૂઝ્યો સૈયર?
સૈયર, તું તે કિયા મલકની છલક છલકતી હેલ, કહેને?

કૂવાને કાંઠે કઈ ઘડીએ રહી ગઈ વાત અધૂરી?
સૈયર, તારા ઉજાગરાની કિયા તારલે સાખું પૂરી?
સૈયર, તું તે કઈ સુવાસે મહેકે રેલમછેલ, કહેને?

ગુરુવાર, 15 ઑક્ટ્બર, 2009

દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ