મારા સાયબર વિશ્વમાં આપનું હાર્દિક સ્વાગત છે.........

પ્રિય મિત્રો,
આપ સૌ મારા બ્લોગ પર અવારનવાર પધારો છો તે મારા માટે ખૂબ જ આનંદની વાત છે. પણ ઘણા મિત્રો તેમના અભિપ્રાય આપ્યા વગર જ જતા રહે છે, જે મને થોડું અધુરૂં લાગે છે. આપ સૌના અભિપ્રાય મારા માટે ઘણાં જ અગત્યના છે અને તે મને કંઈક વધુ સારું કરવાની પ્રેરણા અને ઉત્સાહ આપતા રહે છે. તો મિત્રો આપ જ્યારે-જ્યારે મારા બ્લોગની મુલાકાત લો ત્યારે આપના અમૂલ્ય અભિપ્રાય આપતા રહો તેવી અપેક્ષા.

સૌ મિત્રોને નમ્ર વિનંતિ કે અહીં મુકેલી રચનાઓ માત્ર સાંભળવા માટે જ છે, આથી મહેરબાની કરી ડાઉનલોડ માટે પૂછવું નહીં. આભાર.
મારા સંગ્રહમાંથી કેટલાંક આલ્બમના મુખપૃષ્ઠો:સોમવાર, 16 નવેમ્બર, 2009

ઓછાં રે પડ્યાં


સ્વર: વિરાજ-બિજલ ઉપાધ્યાય
શબ્દ-સંગીત: અવિનાશ વ્યાસ

લાખ કરે ચાંદલિયો તોયે પ્રગટે ના પરભાત
અને મથી મથી થાકે સૂરજ તોયે ઊગી ન ઊગે પૂનમ રાત

ઓછાં રે પડ્યાં.. ઓછાં રે પડ્યાં…
પૂનમ તારાં અજવાળાં ઓછાં રે પડ્યાં.
ભાંગેલા કાળજાની કોર કેરા કટકા
ગોતી ગોતી થાક્યા તો યે કયાંય ના જડ્યા … પૂનમ તારાં

કોઇ થાતું રાજી ને કોઇ જાતું દાઝી
આવી તે હોય શું તારી આતશબાજી
લાગી રે લગન કેરી અગન ને ટાળવા
કે લોચન ને મન મારાં જોને ઝગડ્યાં … પૂનમ તારાં

સ્નેહ કેરી સોયમાં પોર્યો ના પોરાય મારા દલડાનો દોરો
વરસે ચોમેર તારું અજવાળુ તોય મારા અંતરનો બાગ રહ્યો કોરો ને કોરો
ધનતાને લૂંટતાં ખુદ રે લૂંટાયા
કે જાવું’તુ ક્યાં ને ક્યાં આવી રે ચડ્યા … પૂનમ તારાં

અણગમતી તોય મુને ગમતી અમાસ
સપનાઓ આવે મારી પાંપણની પાસ
અંતરનો ચાંદ મારો રહ્યો રે અધૂરો
કે હસતાં નયણાં એ જોને મોતીડાં મઢ્યા … પૂનમ તારાં

મંગળવાર, 10 નવેમ્બર, 2009

એમનો ચહેરો અરે!

શબ્દ: કૈલાસ પંડિત
સ્વર: મનહર ઉધાસ
આલ્બમ: અસ્મિતા


એમનો ચહેરો અરે!
ફૂલ ત્યાં પાણી ભરે!

યાદ છે ત્યાં ખેતરે
એ પ્રસંગો સાંભરે
ફૂલ ત્યાં પાણી ભરે!
એમનો ચહેરો....

સ્વપ્ન છે કે શું અરે!
આજ એ મારા ઘરે
ફૂલ ત્યાં પાણી ભરે!
એમનો ચહેરો....

દ્રશ્ય ભીની ને સભર
ક્યાં ગઇ એ સાંજ રે
ફૂલ ત્યાં પાણી ભરે!
એમનો ચહેરો....

રવિવાર, 8 નવેમ્બર, 2009

અમે દરિયો જોયો ને તમે યાદ આવ્યા

શબ્દ: ભાગ્યેશ જહા
સ્વર: સોલી કાપડિયા
આલ્બમ: આપણા સંબંધ

અમે દરિયો જોયો ને તમે યાદ આવ્યાં
અમે દરિયો ખોયો ને તમે યાદ આવ્યાં

અમે દરિયાને તીર એક રેતીનો ઢગલો
તમે રેતીમાં સળવળતું પાણી

તમે દરિયાને વળગેલી ખારી ભીનાશ
અમે માછલીના સ્પર્શની વાણી

અમે રેતી જોઇ ને તમે યાદ આવ્યાં
અમે વાણી ખોઇ ને તમે યાદ આવ્યાં

અમે દરિયામાં ડૂબેલી નદીઓનાં નામ
તમે નદીઓના ડૂબેલાં ગાન

અમે ડૂબવાની ઘટનાનું ભુરું આકાશ
તમે વાદળમાં સાગરનું ભાન

નામ ડૂબતું જોયું ને તમે યાદ આવ્યાં
આભ ઊગતું જોયું ને તમે યાદ આવ્યાં

શનિવાર, 7 નવેમ્બર, 2009

પવનથી પાતળી ક્ષણમાં


સંગીત: મેહુલ સુરતી
શબ્દ: પ્રજ્ઞા વશી
સ્વર: રત્ના જાદવાણી
આલ્બમ: સાતત્ય

પવનથી પાતળી ક્ષણમાં ખૂંપીને ઘર બનાવ્યું છે
જીવનની આગવી ક્ષણને ટૂંપીને ઘર બનાવ્યું છે

ગઝલની રાજસી ક્ષણને સીંચીને ઘર બનાવ્યું છે
સફર સંવેદનાની કંઇ ખૂંદીને ઘર બનાવ્યું છે

ખબર છે કે ગમે ત્યારે પડે પથ્થર હવામાંથી
ને પાયામાં જ પથ્થરને મૂકીને ઘર બનાવ્યું છે

બુધવાર, 4 નવેમ્બર, 2009

ઘૂંઘટે ઢાંક્યુ રે એક કોડિયું

ફિલ્મ: મહેંદી રંગ લાગ્યો (૧૯૬૦)
સ્વર: લતા મંગેશકર
ગીત: ચતુર્ભુજ દોશી
સંગીતઃ અવિનાશ વ્યાસ

ઘૂંઘટે ઢાંક્યુ રે એક કોડિયું
એ… હું તો નીસરી ભરબજાર જી
ઘૂંઘટે ઢાંક્યુ રે એક કોડિયું

એ… લાજી રે મરું મારો સાહ્યબો ખોવાણો
કોને કહું આવી વાત જી રે
ઘૂંઘટે ઢાંક્યુ રે એક કોડિયું

ટોડલે ટોડલે મેં તો તોરણ બાંધ્યા
મારી મેડીયું ઝાકઝમાળ જી
એ… જોબન ઝરુખે રૂડી ઝાલર્યું વાગે
ઝાંઝર ઘૂંઘરમાળ જી
ઘૂંઘટે ઢાંક્યુ રે એક કોડિયું

રાત ઢળીને ઘેરા ઘડિયાળાં વાગ્યા
અને પ્રાગડના ફૂટ્યા દોર જી
એ… તો ય ન આવ્યો મારો સાહ્યબો સલૂણો
જાગી આઠે પહોર જી

ઘૂંઘટે ઢાંક્યુ રે એક કોડિયું

શુક્રવાર, 30 ઑક્ટોબર, 2009

હું હાથને મારા ફેલાવું


શબ્દ : નાઝિર દેખૈયા
સ્વર : મનહર ઉધાસ
આલ્બમ : અસ્મિતા

હું હાથને મારા ફેલાવું, તો તારી ખુદાઇ દુર નથી,
હું માંગુ ને તું આપી દે, એ વાત મને મંજુર નથી.

શા હાલ થયા છે પ્રેમીના, કહેવાની કશીય જરૂર નથી,
આ હાલ તમારા કહી દેશે, કાં સેંથીમાં સિંદુર નથી?

આ આંખ ઉધાડી હોય છતાં, પામે જ નહીં દર્શન તારા,
એ હોય ન હોય બરાબર છે, બેનૂર છે એમાં નૂર નથી.

જે દિલમાં દયાને સ્થાન નથી, ત્યાં વાત ન કર દિલ ખોલીને,
એ પાણી વિનાના સાગરની, ‘નાઝીર’ને કશી ય જરૂર નથી.

સોમવાર, 26 ઑક્ટોબર, 2009

સૈયર તારા કિયા છુંદણે

શબ્દ: માધવ રામાનુજ
આલ્બમ: હસ્તાક્ષર
સંગીત: શ્યામલ-સૌમિલ મુન્શી
સ્વર: દિપાલી સોમૈયા, સાધના સરગમ

સૈયર, તારા કિયા છુંદણે, મોહ્યો તારો છેલ, કહેને?
સૈયર, તારા કિયા ફૂલની લૂમીઝૂમી વેલ, કહેને?

કિયા વરતમાં પાંચ આંગળે કિયો પીપળો પૂજ્યો સૈયર?
મન ભરીને મોહે એવો કિયો ટુચકો સૂઝ્યો સૈયર?
સૈયર, તું તે કિયા મલકની છલક છલકતી હેલ, કહેને?

કૂવાને કાંઠે કઈ ઘડીએ રહી ગઈ વાત અધૂરી?
સૈયર, તારા ઉજાગરાની કિયા તારલે સાખું પૂરી?
સૈયર, તું તે કઈ સુવાસે મહેકે રેલમછેલ, કહેને?

મંગળવાર, 13 ઑક્ટોબર, 2009

તારાપણાના શહેરમાં


શબ્દ : જવાહર બક્ષી
સ્વર : આશિત દેસાઇ

તારાપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?
આમ આયનાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

શાશ્વત મિલનથી… તે સનાતન દૂરતાના સંભવોનું આંધળું આકાશ છું
નિશ્ચિતપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

હું તો હવાના ગર્ભમાં લજ્જામણી જેવા સુકોમળ શ્વાસનું હોવાપણું
નખ-ટેરવાંના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

ભાંગ્યો-તૂટ્યો અક્ષર છું, સહુ સંકેતના ચહેરા ઉપર હું ઝીણું ઝીણું ઝળહળું
શબ્દાંધતાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

જળ છું બરફ છું ભેજ છું ઝાકળ છું વાદળ છું સતત મૃગજળ સુધી ભીનો જ છું
તરસ્યા વિનાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

અસ્તિત્વના ચારે તરફ ધસમસ થતાં આ પૂર વચ્ચે એક અવિચળ સ્તંભ છું.
માટીપગાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ?

સોમવાર, 12 ઑક્ટોબર, 2009

એકલો જાને રે


શબ્દ : રવિન્દ્રનાથ ટાગોર (અનુવાદ : મહાદેવભાઇ દેસાઇ)
સ્વર - સંગીત : ભાઈલાલભાઈ શાહ

તારી જો હાક સુણી કોઇ ના આવે, તો તું એકલો જાને રે!
એકલો જાને, એકલો જાને, એકલો જાને રે! – તારી જો …

જો સૌનાં મોં સિવાય
ઓરે ઓરે ઓ અભાગી ! સૌનાં મોં સિવાય;
જયારે સૌએ બેસે મોં ફેરવી, સૌએ ડરી જાય;
ત્યારે હૈયું ખોલી, અરે તું મન મૂકી,
તારાં મનનું ગાણું એકલો ગાને રે ! – તારી જો …

જો સૌએ પાછાં જાય,
ઓરે ઓરે ઓ અભાગી ! સૌએ પાછાં જાય;
જ્યારે રણ-વગડે નીસરવા ટાણે સૌ ખૂણે સંતાય
ત્યારે કાંટા રાને તારે લોહી નીગળતે ચરણે
ભાઇ એકલો જા ને રે ! – તારી જો …

જયારે દીવો ન ધરે કોઇ,
ઓરે ઓરે ઓ અભાગી ! દીવો ન ધરે કોઇ,
જયારે ઘનઘોરી તોફાની રાતે, બાર વાગે તને જોઇ;
ત્યારે આભની વીજે, તું સળગી જઇને
સૌનો દીવો એકલો થાને રે ! – તારી જો …

શુક્રવાર, 9 ઑક્ટોબર, 2009

તમારી આંખડી કાજલ તણો


શબ્દ : અમર પાલનપુરી

તમારી આંખડી કાજલ તણો શણગાર માંગે છે
આ કેવી રોશની છે કે જે સદા અંધકાર માંગે છે

બતાવો પ્રેમપૂર્વક જર્જરીત મારી કબર એને
જ્યારે જાલિમ જમાનો જીંદગીનો સાર માંગે છે

છે સામે રૂપ કિંતુ આંખ ઊંચી થઇ નથી શકતી
વિજયની છે સરસ બાજી ને હૈયું હાર માંગે છે

'અમર'નું મોત ચાહનારા લઇ લો હૂંફમાં એને
મરી જાશે એ મરવાને તમારો પ્યાર માંગે છે

બુધવાર, 7 ઑક્ટોબર, 2009

કે મને ઝાકળ જેવું તો કંઈક આપો!


શબ્દ : વીરુ પુરોહિત
સ્વર : હેમા દેસાઇ
સંગીત : આશિત દેસાઇ

કે મને ઝાકળ જેવું તો કંઈક આપો!
દરિયાની કામનાને વાચા ફૂટે તો કહે,
વાદળ જેવું તો કંઈક આપો.

આરપાર દ્રુષ્ટિના ઉતરે જળકાફલા,
એવી છે ખીણ મારી આંખમાં,
ઈચ્છાના પંખી લઈ ઊડ્યા આકાશ,
મારી છાતી ધબક્યાની રાત પાંખમાં.

કોણ જાણે કેવી છે પવનોની વાત,
મને અટકળ જેવું તો કંઈક આપો.

જંગલ એવું છું કે આસપાસ ઘુમરાતા
ટહુકાઓ જીરવ્યા જીરવાય નહીં,
સૂરજ ઊગે ને રોજ થઈ જાઉં વેરાન,
મારા પડછાયા ઝાલ્યા ઝલાય નહીં.

મારી એકાદી આંગળીને કાપી કરું કલમ,
કાગળ જેવું તો કંઈક આપો.

મંગળવાર, 6 ઑક્ટોબર, 2009

ઝરમર ઝરમર ક્યાંથી વરસ્યાં

સ્વર : રીંકિ શેઠ, રાસબિહારી દેસાઇ
સંગીત : જયદેવ ભોજક, રાસબિહારી દેસાઇ
શબ્દ : દિનેશ શાહ

ઝરમર ઝરમર ક્યાંથી વરસ્યાં શ્રાવણનાં આ પાણી;
વહેતી નદીયું શોધે તારી કોઇ એક એંધાણી.
વરસ્યા શ્રાવણનાં પાણી…

કાંઠા જોયાં, કંકર જોયાં, ગાગર ને પનિહારી;
જંગલ જોયાં, ખેતર જોયાં, દોડી જોજન ભારી;
તો યે ના દેખાણી તારી કોઇ એક એંધાણી.
વરસ્યા શ્રાવણનાં પાણી…

નાવિક જોયાં, યાત્રિક જોયાં, અમીર ને ભિખારી;
સાધુ જોયાં, સંતો જોયાં, મંદિરની ભીડ ભારી;
તો યે ના દેખાણી તારી કોઇ એક એંધાણી.
વરસ્યા શ્રાવણનાં પાણી…

ચાલી આગળ, મળતી સાગર, ગાજે ખારા પાણી;
વાદળ થઇને ઉપર જાતાં, નદીયુંના આ પાણી;
મીઠાં જળ બિંદુ થઇ પડતાં, જોઇ તુજ એંધાણી.
વરસ્યા શ્રાવણનાં પાણી…

એક નહીં પણ અનેક રૂપમાં જીવન સરિતા વહી જાતી;
અનંત છે એનો પ્રવાહ, ભલે દિશાઓ બદલાતી;
એંધાણી એની સૌ શોધે, તોય યુગ-યુગથી અણજાણી.
વરસ્યા શ્રાવણનાં પાણી…

રીંકિ શેઠ

રાસબિહારી દેસાઇ

શુક્રવાર, 2 ઑક્ટોબર, 2009

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા

શબ્દઃ હરીન્દ્ર દવે
આલ્બમ : તારી આંખનો અફીણી (સંગીતઃ સોલી કાપડિયા), ગુલમહોર (સંગીતઃ પુરુષોત્તમ ઉપાધ્યાય)
સ્વર : સોનાલી વાજપાઇ, હંસા દવે

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં
જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં

ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ
એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં

જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં
જાણે કાંઠા તોડે છે કોઇ મહેરામણ હો રામ
સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં

કોઇ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં
જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ
કોઇ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં

કોઇ આંગણે અટક્યું ને તમે યાદ આવ્યાં
જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ
એક પગલું ઉપડ્યું ને તમે યાદ આવ્યાં

સોનાલી બાજપાઈ

હંસા દવે

મંગળવાર, 29 સપ્ટેમ્બર, 2009

છલકતી જોઇને મોસમ


સ્વર : મનહર ઉધાસ
શબ્દ : વિનય ઘાસવાલા
આલ્બમઃ અસ્મિતા

છલકતી જોઇને મોસમ તમારી યાદ આવી ગઇ.
હતી આંસુથી આંખો નમ, તમારી યાદ આવી ગઈ.

પ્રણયના કોલ દીધા‘તા તમે પૂનમની એક રાતે,
ફરીથી આવી એ પૂનમ, તમારી યાદ આવી ગઇ.

નિહાળ્યો જ્યાં કોઇ દુલ્હનનો મેં મહેંદી ભરેલો હાથ,
બસ એ ઘડીએ, તમારા સમ, તમારી યાદ આવી ગઇ.

અધૂરી આ ગઝલ પૂરી કરી લઉં , એવા આશયથી,
ઊઠાવી જ્યાં કલમ પ્રિતમ, તમારી યાદ આવી ગઇ.

સોમવાર, 28 સપ્ટેમ્બર, 2009

નવરાત્રિ સ્પેશિયલ ૧૨ - મારો સોનાનો ઘડુલો રે

સ્વરઃ પ્રફુલ્લ દવે, હર્ષિદા રાવલ

મારો સોનાનો, ઘડુલો રે;
હા, પાણીડાં છલકે છે હા,પાણીડાં છલકે છે!

હે ઘૂંઘટની ઓરકોર હે પાલવની ઓરકોર;
ગોરું મુખલડું મલકે છે હા, પાણીડાં છલકે છે!

હે પચરંગી પાઘડી વા'લાને બહુ સોહે રાજ;
હે નવરંગી ચૂંદડી ચટકે ને મન મોહે રાજ.
હે ઘૂંઘટની ઓરકોર .......

હે અંગે અંગરખું વા'લાને બહુ સોહે રાજ;
હે કમખે તે આભલા ચટકે ને મન મોહે રાજ.
હે ઘૂંઘટની ઓરકોર ........

રેશમી ચોરણો વા'લાને બહુ સોહે રાજ;
હે મશરૂનો ચણિયો ચટકે ને મન મોહે રાજ.
હે ઘૂંઘટની ઓરકોર ........

હે માથડિયે ઝૂલફાં વા'લાને બહુ શોભે રાજ;
હે અંબોડે ફૂલડાં ચટકે ને મન મોહે રાજ.
હે ઘૂંઘટની ઓરકોર ........

દલડાંની ડેલીએ વા'લાનું રૂપ બહુ સોહે રાજ;
અંબોડે ફૂલ એક ચટકે ને મન મોહે રાજ.
હે ઘૂંઘટની ઓરકોર ........

રવિવાર, 27 સપ્ટેમ્બર, 2009

નવરાત્રિ સ્પેશિયલ ૧૧ - કાનજી ક્યાં રમી આવ્યા રાસ

સ્વરઃ આશા ભોંસલે, નરેશ કનોડિયા
રૂપલ દોશી (આલ્બમઃ ઢોલના ધબકારે)

આયો રે આયો રે આયો, છેલ રે છબીલો આયો;
આયો મનમોહન આયો રે; હો છેલ આયો રે!
મોરપિચ્છ લહેરાતું જાય, રાધા ઘેલી-ઘેલી થાય;
ભાયો રે ભાયો રે મન ભાયો રે; હો છેલ આયો રે!

ક્યાં રમી આવ્યા રાસ? ક્યાં રમી આવ્યા રાસ?
કાનજી ક્યાં રમી આવ્યા રાસ?
હે ઘેલી રાધાનું, હે ભોળી રાઘાનું દલડું ઉદાસ.
ક્યાં રમી આવ્યા રાસ?

અમે ગયાં'તાં ગોરી, સોનીડાના દેશમાં;
સોનામાં ભાન અમે ભૂલ્યાં.
અમે ધાર્યું કે તમે સોનારણ કેરાં,
ચમકંતા રૂપમાં ડોલ્યાં!
હવે બુઝાવો અંતરની પ્યાસ.
ક્યાં રમી આવ્યા રાસ?કાનજી........

અમે ગયા'તા ગોરી, રાજાના બાગમાં;
ફૂલોમાં ભાન અમે ભૂલ્યાં.
અમે ધાર્યું કે તમે કપટી માલણના,
મહેકંતા રૂપમાં ડોલ્યાં!
તમે આવ્યાં ને લાવ્યાં ઉલ્લાસ.
ક્યાં રમી આવ્યા રાસ? કાનજી.......

અમે ગયાં'તાં ગોરી, તમારા ગામમાં;
મારગમાં ભાન અમે ભૂલ્યાં.
અમે ધાર્યું કે તમે ગોરી ગોવાલણના,
સોરઠીયા રૂપમાં ડોલ્યાં!
આજ આંગણિયે ઊતર્યો ઉજાસ.
ક્યાં રમી આવ્યા રાસ? કાનજી.......

આશા ભોંસલે, નરેશ કનોડિયા

રૂપલ દોશી (આલ્બમઃ ઢોલના ધબકારે)

શનિવાર, 26 સપ્ટેમ્બર, 2009

નવરાત્રિ સ્પેશિયલ ૧૦ - ચરર ચરર મારું ચકડોળ ચાલે


શબ્દઃ અવિનાશ વ્યાસ
સ્વરઃ વિનોદ રાઠોડ
સંગીતઃ અવિનાશ વ્યાસ
ફિલ્મઃ મળેલા જીવ (૧૯૫૬) [મૂળ ગાયકઃ મન્ના ડે]

ચરર ચરર મારું ચકડોળ ચાલે
ચાકડચૂં ચીં ચીં ચાકડચૂં ચીં ચીં તાલે
આજે રોકડા ને ઉધાર કાલે

ઓ લાલ ફેંટાવાળા, ઓ સોમાભાઇના સાળા;
ઓ કરસન કાકા કાળા, ઓ ભૂરી બંડી વાળા.
મારું ચકડોળ ચાલે,
ચાકડચૂં ચીં ચીં ચાકડચૂં ચીં ચીં તાલે.

અધ્ધર પધ્ધર, હવામાં સધ્ધર, એનો હિંચકો હાલે;
નાના-મોટા, સારા-ખોટા, બેસી અંદર મ્હાલે.
અરે બે પૈસામાં બાબલો, જોને આસમાન ભાળે.
મારું ચકડોળ ચાલે,
ચાકડચૂં ચીં ચીં ચાકડચૂં ચીં ચીં તાલે.

ચકડોળ ચડે ઊચે-નીચે, જીવતર એવું ચડતું પડતું;
ઘડીમાં ઊપર, ઘડીમાં નીચે, ભાગ્ય એવું સૌનું ફરતું.
દુઃખ ભૂલીને સુખથી ઝૂલો, નસીબની ઘટમાળે.
મારું ચકડોળ ચાલે,
ચાકડચૂં ચીં ચીં ચાકડચૂં ચીં ચીં તાલે.

શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2009

નવરાત્રિ સ્પેશિયલ ૯ - હાં હાં રે ઘડુલિયો

સ્વરઃ દિવાળીબેન ભીલ, પ્રફુલ્લ દવે

હાં હાં રે ઘડુલિયો ચડાવો રે હો ગિરીધારી;
ઘેર વાટ્યું જુએ છે મા મોરી.
કે બેડલું ચડાવો રે હો ગિરીધારી.

તારા માથાનો અંબોડો રે હો ગિરીધારી
જાણે છૂટ્યો છે .......
કે બેડલું ચડાવો રે હો ગિરીધારી.

તારા હાથની કલાયું રે હો ગિરીધારી;
જાણે સોનાની શરણાયું.
કે બેડલું ચડાવો રે હો ગિરીધારી.

તારા હાથની આંગળિયું રે હો ગિરીધારી;
કે જાણે ચોળા-મગની શિંગું.
કે બેડલું ચડાવો રે હો ગિરીધારી.

તારા પેટલિયાનો ફાંદો રે;
જાણે પૂનમ કેરો ચાંદો.
કે બેડલું ચડાવો રે હો ગિરીધારી.

ના ના રે ઘડુલિયો નહીં રે ચડાવું હો રૂપરાણી;
મને તારાથી પ્રીત બંધાણી.
ઘડુલિયો નહીં રે ચડાવું હો રૂપરાણી.

તારી આંખડી અણિયાળી રે હો રૂપરાણી;
હો મેં તો પીધા કસુંબલ પાણી.
ઘડુલિયો નહીં રે ચડાવું હો રૂપરાણી.

તારી આંખ્યુંનો ઊલાળો રે હો ગિરીધારી;
જાણે દરિયાનો હિલોળો
કે બેડલું ચડાવો રે હો ગિરીધારી.

તારું મહેકંતુ જોબનિયું રે હો રૂપરાણી;
હે મારે આજે લેવું છે માણી.
ઘડુલિયો નહીં રે ચડાવું હો રૂપરાણી.

ગુરુવાર, 24 સપ્ટેમ્બર, 2009

નવરાત્રિ સ્પેશિયલ ૮ - તારા વિના શ્યામ

સ્વરઃ મુસા પાઇક, અચલ મહેતા (રિષભ ગૃપ)
સંગીતઃ મુસા-શેખર, વિનોદ ઐયંગર (રિષભ ગૃપ)


શ્યામ… શ્યામ… શ્યામ… શ્યામ…

તારા વિના શ્યામ મને એકલડું લાગે, રાસ રમવાને વહેલો આવજે,
તારા વિના શ્યામ મને એકલડું લાગે, રાસ રમવાને વહેલો આવજે…


શરદપૂનમની રાતડી, હો હો… ચાંદની ખીલી છે ભલીભાતની;
તું ન આવે તો શ્યામ, રાસ જામે ન શ્યામ,
રાસ રમવાને વહેલો આવ… આવ… આવ શ્યામ
તારા વિના શ્યામ…


ગરબે ધુમતી ગોપીઓ, હો હો… સુની છે ગોકુળની શેરીઓ;
સુની સુની શેરીઓમાં, ગોકુળની ગલીઓમાં,
રાસ રમવાને વહેલો આવ… આવ… આવ શ્યામ.
તારા વિના શ્યામ…


અંગ અંગ રંગ છે અનંગનો / આનંદનો, હો હો… રંગ કેમ જાય તારા સંગનો;
પાયલ ઝણકાર સુણી, રુદિયાનો નાદ સુણી,
રાસ રમવાને વહેલો આવ… આવ… આવ શ્યામ.
તારા વિના શ્યામ…


શ્યામ… શ્યામ… શ્યામ… શ્યામ…


મુસા પાઇક

રિષભ ગૃપ

બુધવાર, 23 સપ્ટેમ્બર, 2009

નવરાત્રિ સ્પેશિયલ ૭ - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા


વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા,
વિદ્યાધરી વદનમાં વસજો વિધાતા;
દુર્બુદ્ધિ દૂર કરીને સદબુદ્ધિ આપો
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.

ભૂલો પડી ભવરણે ભટકું ભવાનિ,
સુઝે નહિ લગીર કોઇ દિશા જવાની;
ભાસે ભયંકર વળી મનના ઉતાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.

આ રંકને ઉગરવા નથી કોઇ આરો,
જન્માંધ છું જનની હું ગ્રહી બાંહ્ય તારો,
ના શું સુણો ભગવતી શિશુના વિલાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.

મા કર્મ જન્મ કથની કરતાં વિચારું,
આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઇ મારું,
કોને કહું કઠિન યુગ તણો બળાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.

હું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો,
આડંબરે અતિ ઘણો મદથી બકેલો,
દોષો થકી દુષિતના કરી માફ પાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.

ના શાશ્ત્રના શ્રવણનું પયપાન પીધું,
હા મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઇ કીધું,
શ્રદ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.

રે રે ભવાનિ બહુ ભૂલ થઇ જ મારી,
આ જિંદગી થઇ મને અતિશે અકારી,
દોષો પ્રજાળી સઘળાં તવ છાપ છાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.

ખાલી ન કાંઇ સ્થળ છે વિણ આપ ધારો,
બ્રહ્માંડમાં અણું અણું મહીં વાસ તારો,
શક્તિ ન માપ ગણવા અગણિત માપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.

પાપે પ્રપંચ કરવા બધી વાતે પૂરો,
ખોટો ખરો ભગવતી પણ હું તમારો,
જાડ્યાંધકાર કરી દૂર સુબુદ્ધિ આપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.

શીખ સુણે રસિક છંદ જ એક ચિત્તે,
તેને થકી ત્રિવિધ તાપ ટળે ખચિત્તે,
વાઘે વિશેષ વળી અંબ તણા પ્રતાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.

શ્રી સદગુરુ શરણમાં રહીને યજું છું,
રાત્રિદિને ભગવતી તુજને ભજું છું,
સદભક્ત સેવકતણા પરિતાપ ચાંપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.

અંતર વિષે અધિક ઉર્મિ થતાં ભવાનિ,
ગાઉં સ્તુતિ તવ બળે નમીને મૃડાણી,
સંસારના સકળ રોગ સમૂળ કાપો,
મામ્ પાહિ ઓ ભગવતી ! ભવ દુઃખ કાપો.


મંગળવાર, 22 સપ્ટેમ્બર, 2009

નવરાત્રિ સ્પેશિયલ ૬ - જય આદ્ય શક્તિઃ આરતી


જય આદ્ય શક્તિ મા જય આદ્ય શક્તિ
અખંડ બ્રહ્માંડ દીપાવ્યા, પડવે પ્રકટ્યા મા … ઓમ

દ્વિતીયા બે સ્વરૂપ, શિવ શક્તિ જાણું
બ્રહ્મા ગણપતિ ગાવે, હર ગાયે હર માં … ઓમ

તૃતિયા ત્રણ સ્વરૂપ, ત્રિભુવનમાં બેઠા
ત્રયા થકી તરવેણી તું તરવેણી માં … ઓમ

ચોથે ચતુરા મહાલક્ષ્મી મા, સચરાચર વ્યાપ્યા
ચાર ભૂજા ચૌ દિશા, પ્રકટ્યા દક્ષિણમાં … ઓમ

પંચમે પંચ ઋષિ, પંચમી ગુણ પદ્મા
પંચ તત્વ ત્યાં સોહીએ, પંચે તત્વોમાં … ઓમ

ષષ્ઠી તું નારાયણી, મહિસાસુર માર્યો
નર નારીના રૂપે, વ્યાપ્યા સર્વે મા … ઓમ

સપ્તમી સપ્ત પાતાળ, સાવિત્રી સંધ્યા
ગૌ ગંગા ગાયત્રી, ગૌરી ગીતા મા … ઓમ

અષ્ટમી અષ્ટ ભૂજા, આઈ આનંદા
સુરિ નર મુ્નિવર જનમ્યા, દેવ દૈત્યોમાં … ઓમ

નવમી નવકુળ નાગ, સેવે નવદુર્ગા
નવરાત્રીના પૂજન,
શિવરાત્રીના અર્ચન, કીધા હર બ્રહ્મા … ઓમ

દશમી દશ અવતાર, જય વિજયા દશમી
રામે રામ રમાડ્યા, રાવણ રોળ્યો મા … ઓમ

એકાદશી અગિયારસ, કાત્યાયની કામા
કામદુર્ગા કાલિકા, શ્યામા ને રામા … ઓમ

બારસે બાળા રૂપ, બહુચરી અંબા મા
બટુક ભૈરવ સોહીએ,
કાળ ભૈરવ સોહીએ, તારા છે તુજ મા … ઓમ

તેરસે તુળજા રૂપ, તમે તારુણી માતા
બ્રહ્મા વિષ્ણુ સદાશીવ, ગુણ તારા ગાતાં … ઓમ

ચૌદશે ચૌદ સ્વરૂપ, ચંડી ચામુંડા
ભાવ ભક્તિ કંઇ આપો,
ચતુરાઇ કંઇ આપો, સિંહવાહીની મા … ઓમ

પૂનમે કુંભ ભર્યો, સાંભળજો કરુણા
વશિષ્ઠ દેવે વખાણ્યા,
માર્કંડ દેવે વખાણ્યા, ગાઇએ શુભ કવિતા … ઓમ

સંવત સોળ સત્તાવન, સોળસે બાવીસમાં
સંવત સોળે પ્રગટ્યા,
રેવાને તીરે, મા ગંગાને તીરે … ઓમ

ત્રંબાવટી નગરી, મા રૂપાવતી નગરી
મા મંછાવતી નગરી,
સોળ સહસ્ત્ર ત્યાં સોહીએ, ક્ષમા કરો ગૌરી … ઓમ

શિવશક્તિની આરતી જે કોઇ ગાશે
ભણે શિવાનંદ સ્વામી, સુખ સંપત્તિ થાશે,
હર કૈલાસે જાશે, મા અંબા દુઃખ હરશે … ઓમ

ભાવ ન જાણું, ભક્તિ ન જાણું, નવ જાણું સેવા
વલ્લભ ભટ્ટને આપી, ચરણોની સેવા … ઓમ

એ બે એક સ્વરૂપ, અંતર નવ ગણશો
ભોળા ભવાનીને ભજતાં, ભવસાગર તરશો … ઓમ

મહેન્દ્ર કપૂર

અચલ મહેતા

સોમવાર, 21 સપ્ટેમ્બર, 2009

નવરાત્રિ સ્પેશિયલ ૫ - બોલાવે રાધા રાસ રમવાને


બોલાવે રાધા રાસ રમવાને શ્યામને..
ગોકુળિયું સુનુ સુનુ લાગે મારા વ્હાલા રે,
હૈયામાં તીર શીદ લાગે મારા વ્હાલા રે..

પાંપણની ડેલીમાં, આંખની હવેલીમાં રાધાના સપનાં ઉગ્યાં
ઉરના ઉપવનમાં હેતના સુમન જેવા પ્રીતના સુગંધ છોડ ફુટ્યાં

પ્રેમ ના ચકોર કરે, મન પંખી શોર કરે.
અંતરમાં મોરલા ટહુક્યાં મારા વ્હાલા રે..

શ્યામરંગી આંગળીઓ, ભીની-ભીની લાગણીઓ, આવાની ચેતના જગાડે,
હાથમાં બે દાંડિયા લઇ રાધા આજ બાવરી થઇ, પાદરિયે એક મીટ માંડે.
પ્રેમની કસોટી કરી અમને રાહ જોતી કરી, માધવ તુ શાને રડાવે મારા વ્હાલા રે…

રવિવાર, 20 સપ્ટેમ્બર, 2009

નવરાત્રિ સ્પેશિયલ ૪ - સાથિયા પૂરાવો દ્વારે

સ્વરઃ ?
સંગીતઃ દિલીપ ધોળકિયા
ફિલ્મઃ મેના ગુર્જરી (૧૯૭૫)

સાથિયા પૂરાવો દ્વારે, દિવાડા પ્રગટાવો રાજ…
આજ મારે આંગણે પધારશે માં પાવાવાળી..

વાંઝિયાનું મહેણું ટાળી રમવા રાજકુમાર દે માં, ખોળાનો ખુંદનાર દે
કુંવારી કન્યાને માડી મનગમતો ભરથાર દે માં, પ્રિતમજીનો પ્યાર દે

નિર્ધનને ધનધાન આપે, રાખે માડી સૌની લાજ
આજ મારે આંગણે પધારશે માં પાવાવાળી..

કુમકુમ પગલા ભરશે માડી સાતે પેઢી તરશે
આદ્યશક્તિ માં પાવાવાળી પીડા જનમ જનમની હરશે

દૈ દૈ તાળી ગાઓ આજ વાજિંત્રો વગડાવો રાજ
આજ મારે આંગણે પધારશે માં પાવાવાળી..

શનિવાર, 19 સપ્ટેમ્બર, 2009

નવરાત્રિ સ્પેશિયલ ૩ - ચોખલિયાળી ચૂંદડીમાં

શબ્દઃ મહેશ સોલંકી
સ્વર : ગાર્ગી વોરા, નિગમ ઉપાધ્યાય
સંગીત : ડો. ભરત પટેલ

ચોખલિયાળી ચુંદડીમાં ચમકે છે આભલા ને
આભલામાં ઘૂમે આખું આભ રે
ગબ્બરમાં ઘૂમે મોરી માત રે
આભલામાં ઘૂમે આખું આભ રે

એક એક ગરબામાં એક એક દીવડો
તાળી તણા તાલ સંગ રમતો લાગે ઘણો
ઘાઘરાના ઘેરમહીં ઘમકે છે ઘૂઘરી ને
ઘૂઘરીમાં ઘૂમે રૂડી ભાત રે

ગબ્બરમાં ઘૂમે મોરી માત રે
આભલામાં ઘૂમે આખું આભ રે

સેંથીએ ઉષાના રંગ છલકે ઉમંગ અંગ
કોકિલમા કંઠ મહીં સરતો મીઠો તરંગ
કંકણના રણકારે રણકે છે રાગિણી ને
રાગણીમાં ઘૂમે આખી રાત રે

ગબ્બરમાં ઘૂમે મોરી માત રે
આભલામાં ઘૂમે આખું આભ રે

શુક્રવાર, 18 સપ્ટેમ્બર, 2009

નવરાત્રિ સ્પેશિયલ ૨ - સનેડો ૨

સ્વરઃ મણિરાજ બારોટ

કળિયુગ આવ્યો અલ્યા કારમો, અને સહુ કળિયુગથી ડરે;
વહુને કઢાવે સાસુ લાંબા-લાંબા ઘૂમટા, પોતે મેક્સી પહેરી ફરે! લાલ સનેડો
સનેડો સનેડો ........

મોટી ઉંમરે લગન થયાં અને દહેજમાં સાસુ આવી;
છાશવારે સાસુ માંદી પડે, કમાણી દવામાં સમાણી! લાલ સનેડો
સનેડો સનેડો ........

હેરસ્ટાઇલ અને મેક-અપનું આજે બહુ ફાલ્યું છે બજાર;
ફેશન પાછળ બાયડી વાપરે, એના ધણીનો આખો પગાર! લાલ સનેડો
સનેડો સનેડો ........

વરણાગીયો જુવાન જોઇને એની મીઠી વાતે મોહ્યાં;
સૌની ઉપરવટ થઇને ભાગી ગયાં, અને પછી પોકે-પોકે રોયાં! લાલ સનેડો
સનેડો સનેડો ........

ડોશો ફાકે અલ્યા દાળિયા, અને ડોશી ........ તાણે;
વહુ પાડોશણમાં વાતું કરે, ઘડ્યા રોટલા કૂતરા તાણે! અલ્યા સનેડો
સનેડો સનેડો ........

પરોઢે ઊઠી પૂજા કરે, અને પીપળે રેડે પાણી;
સાસુ બિચારી ઘરમાં ઢસરડા કરે, એ તો ભક્તાણી થઇ ફરે! લાલ સનેડો
સનેડો સનેડો ........

ગુરુવાર, 17 સપ્ટેમ્બર, 2009

નવરાત્રિ સ્પેશિયલ ૧ - સનેડો ૧

સ્વરઃ મણિરાજ બારોટ

સનેડો ગુજરાતી લોકસંગીત નો એક ભાગ છે. સનેડો નૃત્ય કરતાં કરતાં ડાકલીના તાલે ગવાય છે. આ નૃત્ય સામાન્ય રીતે ઉત્તર ગુજરાતમાં પરંપરાગત પ્રચલિત છે. સને ૨૦૦૪-૨૦૦૫ની સાલમાં મણીરાજ બારોટ નામના કલાકાર થકી સનેડો આખા ગુજરાતમાં અત્યંત લોકપ્રિય થયો. ગુજરાતની જનતા વરઘોડો, ગરબા જેવા પ્રસંગોમાં સનેડાના તાલે નાચી ધૂમ મચાવતા જોવા મળે છે.

હો.......સનેડો રે સનેડો......
વાહ! સનેડા વાહ!
હમજીને હોંભળજો લાલ સનેડો.

સનેડો રે સનેડો, લાલ-લાલ સનેડો
જી હો લાલ સનેડો, હાંભળો ઓલ્યા સનેડો

અરરર માડી રે મને ખેલવા રે મોકલ 'લ્યા ઓ સનેડો
સનેડો રે સનેડો......

સનેડો સનેડો લાલ-લાલ સનેડો;
હમજીને હોંભળજો લાલ સનેડો.
હમજાય તમે હમજો લાલ સનેડો;
હમજી હકાય તો હમજો લાલ સનેડો.

હે..... દિલ વેચાતા અલ્યા ના મળે; અને પ્રીત્યું પરાણે નો થાય!
જેને વળગી એની વાસના; એની મતિ મારી જાય! લાલ સનેડો.
સનેડો સનેડો......

હે.... ગાડી હોય તો કો'ક 'દિ પંચર પડે; એને વેચી ના દેવાય!
બાયડી હોય તો કો'ક 'દિ વિફરે; એને કાઢી ના મેલાય! સનેડો.
સનેડો સનેડો.......

હે...... ભમરા ઊડે અલ્યા બાગમાં; અને વાડે ઊડે તીડ!
કૉલેજ ના ઝાંપે ઝાંપે જામતી; ઓલ્યા રોમિયાઓની ભીડ! લાલ સનેડો.
સનેડો સનેડો.......

હે...... ડિગ્રી વિનાનો ડોકટો; અને દવાખાનું ખોલી બેઠો!
શરદી થઇ ને ઘેરે બોલાવિયો; મૂઓ કેન્સર થઇને બેઠો! ઓલ્યા સનેડો.
સનેડો સનેડો......

બુધવાર, 16 સપ્ટેમ્બર, 2009

બાઇ હું તો કટકે ને કટકે કપાઉં

શબ્દ : સુરેન ઠક્કર ‘મેહુલ’
સ્વર : નિશા ઉપાધ્યાય
સંગીત : દક્ષેશ ધ્રુવ

બાઇ હું તો કટકે ને કટકે કપાઉં,
મોરારીના મનમાં કેમે ના સમાઉં.

દેહ્યુંમાં જાગી દુજા ભવની બળતરા
લખ રે ચોર્યાશી ફેરા નથી મારે ફરવા
બાઇ હું તો નમતું જોખું ને ના તોળાવું
મોરારીના મનમાં કેમે ના સમાઉં.

બાઇ મીરા કહે મારા ઘટમાં ગોઝારો
ઘુમ્યો રે વંઠે મારા મનનો મુંઝારો

બાઇ હું તો ઘણું રે લખું ને ના વંચાવું
મોરારીના મનમાં કેમે ના સમાઉં.

મંગળવાર, 15 સપ્ટેમ્બર, 2009

હશે મારી દશા કેવી

શબ્દઃ 'મરીઝ''
સ્વરઃ મનહર ઉધાસ
આલ્બમઃ અવસર

"સુરા રાતે તો શું, વહેલી સવારે પી ગયો છું હું,
સમય સંજોગના ગેબી ઈશારે પી ગયો છું હું.
કોઈ વેળા જરા ઓછી મળે એની શિકાયત શું?
કોઈ વેળા ગજાથી પણ વધારે પી ગયો છું હું.”


હશે મારી દશા કેવી તને સમજાય છે સાકી?
હવે પીધા પછી પણ મારું દિલ ગભરાય છે સાકી.

સુરા પીતાં જે મારાથી કંઈક ઢોળાય છે સાકી,
મને એમાં હજારોની તરસ દેખાય છે સાકી.

અસર આવી નથી જોઈ મેં વરસોની ઇબાદતમાં,
ફકત બે જામમાં તરત જ જીવન બદલાય છે સાકી.

સુરાની વાત કેવી, ઝેર પણ પી લે અગર કોઈ,
તો દુનિયામાં એ ચર્ચાનો વિષય થઈ જાય છે સાકી.

‘મરીઝ’ આવા નશામાં પણ ઉઘાડી આંખ રાખે છે,
ખબર કોને કે એની આંખ ક્યાં મીંચાય છે સાકી.

રવિવાર, 13 સપ્ટેમ્બર, 2009

હવે પહેલો વરસાદ બીજો વરસાદ

શબ્દઃ ભગવતીકુમાર શર્મા
સ્વરઃ સોલી કાપડીયા
આલ્બમઃ પ્રેમ એટલે કે

હવે પહેલો વરસાદ બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
એવું કાંઇ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ,
એવું કાંઇ નહીં !

સાવ કોરુંકટાક આભ, કોરોકટાક મોભ, કોરાંકટાક બધાં નળિયાં,
સાવ કોરી અગાસી અને તેય બારમાસી, હવે જળમાં ગણો
તો ઝળઝળિયાં !
ઝીણી ઝરમરનું ઝાડ, પછી ઊજળો ઉધાડ પછી ફરફરતી યાદ,
એવું કાંઇ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ,
એવું કાંઇ નહીં !

કાળું ભમ્મર આકાશ મને ઘેઘૂર બોલાશ સંભળાવે નહીં;
મોર આઘે મોભારે ક્યાંક ટહૂકે તે મારે ઘેર આવે નહીં.
આછા ઘેરા ઝબકારા, દૂર સીમે હલકારા લઇને આવે ઉન્માદ,
એવું કાંઇ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ,
એવું કાંઇ નહીં !

કોઇ ઝૂકી ઝરુખે સાવ કજળેલા મુખે વાટ જોતું નથી;
કોઇ ભીની હવાથી શ્વાસ ઘૂંટીને સાનભાન ખોતું નથી.
કોઇના પાલવની ઝૂલ, ભીની ભીની થાય ભૂલ, રોમ રોમે સંવાદ
એવું કાંઇ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ,
એવું કાંઇ નહીં !

શનિવાર, 12 સપ્ટેમ્બર, 2009

અણગમતું આયખું

શબ્દઃ જગદીશ જોષી
સ્વરઃ હેમા દેસાઇ

અણગમતું આયખું લઈ લ્યોને, નાથ !
મને મનગમતી સાંજ એક આપો :
કે ક્યારનો મૃગજળમાં ઝૂરતો તરાપો…

ખરી પડ્યાં પાંદડાંને હાથમાં લઈને
મેં આંખોમાં રોપ્યું એક ઝાડ :
પંખીનાં લાડ કદી નીરખ્યાં નથી
કે નથી સાંભળ્યો મેં નભમાં ઉઘાડ.
થીજેલાં જળમાં આ સૂતેલી માછલીને
અર્જુનનો મત્સ્યવેધ આપો.

મને આપો એક સાંજ, મને આપો એક રાત
મને આપો એક એવો આશ્લેષ -
ફરફરવા લાગે આ સાતસાત જન્મોના
તાણીને બાંધેલા કેશ !
મારાથી સાવ મને અળગી કરીને નાથ,
કાયમની કેદ મને આપો !

શુક્રવાર, 11 સપ્ટેમ્બર, 2009

અડઘી રમતથી

શબ્દઃ વિવેક ટેલર
સ્વરઃ અમન લેખડિયા
સંગીતઃ મેહુલ સુરતી

અડધી રમત થી ઊઠવાની છૂટ છે તને,
તારી શરત થી જીતવાની છૂટ છે તને.

વાતો જો થઈ શકે તો દિલે બોજ ના રહે,
સીવેલાં હોઠ લઈ જવાની છૂટ છે તને.

ખાલી જગા સમાન આ જીવન હવે થયું,
પૂરી શકે એ પૂરવાની છૂટ છે તને.

મરજી થી તારી ગઈ છે તું, મનફાવે ત્યારે, યાર!
ખૂલ્લાં છે દ્વાર, આવવાની છૂટ છે તને.

નિશ્ચય છે મારો, હું તને પામું આ જન્મ માં,
ચોર્યાસી લાખ વેઠવાની છૂટ છે તને.

આ આંગળીનાં શ્વાસ માં થઈ શબ્દ ની હવા,
આશ્રિત ને પ્રાણ બક્ષવાની છૂટ છે તને.

હાથમાં કારોબાર રાખ્યો તેં

શબ્દઃ મનોજ ખંડેરિયા
સ્વરઃ રવિન નાયક, શ્યામલ મુન્શી

હાથમાં કારોબાર રાખ્યો તેં,
ને મને બારોબાર રાખ્યો તેં.

એક ડગ છૂટથી ભરી ન શકું,
ખીણની ધારોધાર રાખ્યો તેં.

આંખમાં દઇ નિરાંતનું સપનું,
દોડતો મારોમાર રાખ્યો તેં.

કોણ છું કોઇ દિ’ કળી ન શકું,
ભેદ પણ ભારોભાર રાખ્યો તેં.

શ્વાસ સાથે જ ઉચ્છવાસ દીધા,
મોતની હારોહાર રાખ્યો તેં.

રવિન નાયક

શ્યામલ મુન્શી
આ રેકોર્ડિંગ શ્યામલભાઇના એક લાઇવ કાર્યક્રમમાંથી છે, તેમાં વચ્ચે મુકુલ ચોક્સીની ટિપ્પણી પણ મજાની છે

બુધવાર, 9 સપ્ટેમ્બર, 2009

નૈનની સાથે તમે મળ્યા ને

શબ્દઃ ભૂપેન્દ્ર વકીલ
સ્વરઃ ખુશ્બૂ પટેલ
સંગીતઃ સુનિલ રેવાર

નેનની સાથે તમે મળ્યાં ને
ઉરમાં ગુંજ્યાં ગાન!

ધીર મઘુરા રવથી એણે
ગાતો કર્યો મુજ પ્રાણ!

જગતે ભૂલી એક જ દયાને
ભજી રહ્યો હું પ્રિય નામ

વ્હાલો માન્યો મેં એકતારાને
વીણા થકી આ જગધામ

પ્રાણથી પ્યારું જાળવી રાખું
પ્રાણના ભોગે હે રામ!

મુજ ગરીબની મિરાત મોંઘી
એનાં ગણવા મારે શા દામ?

નેનની સાથે નેન મળ્યાં ને
ઉરમાં ગુંજ્યાં ગાન!

મંગળવાર, 8 સપ્ટેમ્બર, 2009

રંગ ભર સાવન

સ્વરઃ આશા ભોંસલે

રંગ ભર સાવન, રંગભર વૃંદાવન;
રંગ ભર બાંસુરીઓ છેડે મનભાવન.

રંગ ભર વાલમ,નયન નચાવન;
રંગ ભર બાંસુરીઓ છેડે મનભાવન.


મોરમુકુટ શિર, પીળું પીતાંબર,
કેડે ઝુનઝુન ઘૂઘરી બોલે;
ધાત્રક ધાત્રક ધિન ..... બોલે,
નાચત નાચત ગ્વાલન ડોલે.

અંગ-અંગ રંગ બરસે, જોબન ફાગન
રંગ ભર સાવન......

શ્રી કનૈયા લાલ કી જય
રણછોડરાય કી જય
દ્વારિકાધીશ કી જય

સોમવાર, 7 સપ્ટેમ્બર, 2009

પ્રણયની પારખુ દ્રષ્ટિ અગર

શબ્દઃ આસિમ રાંદેરી
સ્વરઃ મનહર ઉધાસ
આલ્બમઃ અસ્મિતા

પ્રણયની પારખુ દ્રષ્ટિ અગર તમને મળી હોતે;
તમે મારી છબી ભીંતે નહીં દિલમાં જડી હોતે.

જવાબ એના રૂપાળા આવશે જો ખાતરી હોતે;
તો મેં પણ કંઇક દિલની વાત ગઝલોમાં કહી હોતે.

મુહોબ્બત આંધળી છે એ કહેવત સાવ ખોટી છે;
તમારા દ્વાર પર ના હોત જો એ આંધળી હોતે.

ઘણા પ્રેમી દિલોનું થાત સર્જન એની માટીથી;
તમે આંસુથી જો મારી કબરને ભીંજવી હોતે.

રવિવાર, 6 સપ્ટેમ્બર, 2009

તમારા વગર એ કુંવારી જ રહેશે

શબ્દઃ રમેશ પારેખ
સ્વરઃ પંકજ ઉધાસ
સંગીતઃ શ્યામલ-સૌમિલ મુન્શી
આલ્બમઃ હસ્તાક્ષર

તમારા વગર એ કુંવારી જ રહેશે
તમારી કબર તો તમારી જ રહેશે

તમે ઘર કે શેરી બદલશો પરંતુ
ભીંતોની વફા એકધારી જ રહેશે

ન ફળદ્રુપ થઇ કોઇની પણ હથેળી
કે ખારી જમીનો તો ખારી જ રહેશે

પગેરૂં હયાતીનું જોયું છે કોણે
કે એ તો ફરારી ફરારી જ રહેશે

ગુરુવાર, 3 સપ્ટેમ્બર, 2009

આજ ભીંજાવું શું છે જાણ્યું

શબ્દઃ ડૉ. નિલેશ રાણા
સ્વરઃ નિશા ઉપાધ્યાય (કાપડિયા)

આજ ભીંજાવું શું છે જાણ્યું
વર્ષાએ કરી કમાલ,
મારે આંગણ સાગર વરસે
લઈંને નદીઓનું વહાલ.

સોળ વરસની વર્ષા નાચે
બાંધી મસ્ત પવનના ઝાંઝર,
ઉમંગોની લચકાતી કમર પર
પીડાની છલકે છે ગાગર,
વાત ચઢી વંટોળે, હું થઈ ગઈ માલામાલ,
જડ્યું અચાનક ગોપિત ઝરણું, વર્ષાએ કરી કમાલ.

આભઅરીસે મીટ જો માંડી
કાયા થઈ ગઈ કંકુવરણી,
ફોરા અડે, મહેક્યા સંદેશા
ગોકુળ બનતી મનની ધરણી,
ભીતર કનડે ભીના રાગો, સાતે સૂરો કરે ધમાલ,
ગમ્યું અચાનક ખુદને મળવું, વર્ષાએ કરી કમાલ.

મંગળવાર, 1 સપ્ટેમ્બર, 2009

જાનો જીગરનો મીઠો પ્યાર

સ્વરઃ મુકેશ

જાનો જીગરનો મીઠો પ્યાર, જીગર થરકે સાથે જાન;
હસી રહે જીવન, નાચી રહે મન, ખૂલે જન્નતના દ્વાર.
છે ગુલઝાર પ્યાર, ગુલશનનો મીઠો બહાર;
તન-મનનો સુખ-કરાર, જીવનનો સંગાથ.

વફાનું કૌન ખુદાને (.......) , બોલું મંઝૂર સદા દિલદાર;
સુખ-દુઃખે સાથે, પ્રીતની સંગાથે, (..........................).
છે ગુલઝાર પ્યાર.......

નયનો પ્રીતનો કરે એકરાર, હોઠો મિલનનો ઇંતઝાર;
(.......................),મોહક અદા, માહતાબ સમ દીદાર.
છે ગુલઝાર પ્યાર......

તપે સૂરજ, ગગન (.........), ખીલે (........................)
નૂરી સિતારા ઝગમગે ન્યારા (...............................)
છે ગુલઝાર પ્યાર......

આ ગીતના શબ્દો મેં સાંભળીને લખવાની કોશિશ કરી છે, પરંતુ ઘણી જગ્યાએ કંઇ જ સમજાતું નથી. આપની પાસે આ ગીતનાં શબ્દો હોય તો મને મોકલવા મહેરબાની.

સોમવાર, 31 ઑગસ્ટ, 2009

હું તો ગઇ'તી મેળે

સ્વરઃ નિશા કાપડિયા
આલ્બમઃ નજરને કહી દો કે

હું તો ગઇ’તી મેળે
મન મળી ગયું એની મેળામાં

હૈયું હણાઇ ને ગયું તણાઇ
જોબન ના રેલામાં, મેળામાં… મેળામાં…

મેળે મેળાવનાર મેળો
રંગ રેલાવનાર મેળો
મૂલે મુલાવનાર મેળો
ભૂલે ભુલાવનાર મેળો

ચિતડું ચકડોળ મારું આમ-તેમ ઘૂમતું
ને આંખ લડી ગઇ અલબેલામાં

મેળામાં આંખના ઉલાળા
મેળામાં પાયલ ઝણકાર
કોઇના જાણે ક્યારે વાગે
કાળજડે આંખ્યું ના માર

..... હતા ...... મેળે ખોવાઇ જાય
રેલાતા રંગે રેલામાં
હૈયું હણાઇ ને ગયું તણાઇ
જોબન ના રેલામાં, મેળામાં… મેળામાં…

રવિવાર, 30 ઑગસ્ટ, 2009

આંખ સામે આંખને જોવું પડ્યું

શબ્દઃ ભૂપેન્દ્ર વકીલ
સ્વરઃ શૌનક પંડ્યા, ?ફોરમ સંઘવી
સંગીતઃ સુનિલ રેવર
આલ્બમઃ ઊરમાં ગુંજારવ

આંખ સામે આંખને જોવું પડ્યું,
દિલ લેતાં દિલને ખોવું પડ્યું.

ખેલ કરતાં ખેલ નિજનો થઇ ગયો,
દુઃખ દેતાં દુઃખને સહેવું પડ્યું!

ભૂલ કરતાં ભૂલ તો મોટી કરી,
ભૂલ સાથે સર્વને ભૂલવું પડ્યું.

રંક હો કે રાખ પણ માનવ બધાં,
રામ નામે સર્વને જીવવું પડ્યું.

બાજ ઊંચે આભમાં ઊડતું ઘણું,
ધરતી પર તો છેવટે પડવું પડ્યું!

શુક્રવાર, 28 ઑગસ્ટ, 2009

દુનિયાથી બગાવત કરવી છે

શબ્દ : કૈલાસ પંડિત
સ્વર : આશિત દેસાઇ
સંગીત : તલત અઝીઝ
આલ્બમ : લાગણી

દુનિયાથી બગાવત કરવી છે, સબ લોકોથી ઝઘડા લેવા છે;
એક જામની ઇજ્જત સાચવવા કઇ જામને ફોડી દેવા છે.
દુનિયાથી બગાવત કરવી છે.....

હું મારી મહોબતની મિલકત પામ્યો છું વફાના બદલામાં;
મોકા દે નયનના મોતીને ગીતોમાં પરોવી લેવા છે.
દુનિયાથી બગાવત કરવી છે......

તોબા નો નથી ઇનકાર મને, ધારું તો બધું હું છોડી દઉં;
મોંઘા છે અનુભવ કિન્તુ, એ લેવાય તો લેવા જેવા છે.
દુનિયાથી બગાવત કરવી છે......

ગુરુવાર, 27 ઑગસ્ટ, 2009

રહે મારું જીવન

શબ્દઃ ગની દહીંવાલા
સંગીત-સ્વર: મનહર ઉધાસ
આલ્બમ: અવસર

રહે મારું જીવન જો એક જ દશામાં, હવેથી ચમનમાં બહારો ન આવે,
વિખૂટી પડે રાત દિવસની જોડે, કદી સાંજ પાછળ સવારો ન આવે.

ઘડીભર પ્રકાશી પડ્યો જે ધરા પર, ગગનમાં ફરી એ સિતારો ન આવે,
બને તો તમે પણ મને જાવ ભૂલી, મને પણ તમારા વિચારો ન આવે.

મળ્યું છે જીવન આજ તોફાન ખોળે, ચહું છું દુ:ખદ અંત મારો ન આવે,
ઓ મોજાંઓ દોડો જરા જઈને રોકો, ધસે કંઈ વમળમાં કિનારો ન આવે.

મોહબ્બત પ્રથમ ધર્મ છે જિન્દગીનો, મોહબ્બત વિના કોઈ આરો ન આવે,
સતત ચાલવું જોઈએ એ દિશામાં, જો થાકી ગયા તો ઊતારો ન આવે.

હતું કોણ સાથે અને ક્યાં હતો હું- ન કહેજે કોઈને ભલી ચાંદની તું !
સિતારા કરે વાત ગઈ રાતની તો કહેજે કે ઉલ્લેખ મારો ન આવે.

મંગળવાર, 25 ઑગસ્ટ, 2009

અમે ગીત ગગનનાં ગાશું

શબ્દઃ ઉમાશંકર જોશી
સ્વરઃ સાધના સરગમ
સંગીતઃ શ્યામલ-સૌમિલ મુ્ન્શી
આલ્બમઃ હસ્તાક્ષર

અમે ગીત ગગનનાં ગાશું રે,
અમે ગીત મગનમાં ગાશું,
કલ-કલ પૂજન સુણી પૂછશો તમે,
અરે છે આ શું?
અમે ગીત ગગનનાં ગાશું રે..

સૂર્ય ચંદ્ર ને દીયો ઓલવી,
ઠારો નવલખ તારા,
હથેળી આડી રાખી રોકો,
વરસંતી જલધારા,
અમે સૂર સરિતમાં ન્હાશું રે..

પંખી માત્રને મુનિવ્રત આપો,
ચૂપ કરી દો ઝરણા,
પૂરો બેડીમાં હૃદય હૃદય પર,
નરતંતા પ્રભુ ચરણા,
પૂર મૂકી મોકળાં ગાશું રે..

બાળક હાલરડા માગે ને,
યૌવન રસભર પ્યાલા,
પ્રૌઢ ભજન ભણકાર ચહે,
આપે કોઈ મતવાલા,
અમે દિલ દિલ ને કંઈ પાશું રે..

રવિવાર, 23 ઑગસ્ટ, 2009

ગણેશ આરતી - મરાઠી

આજે ગણેશ-ચતુર્થી નિમિત્તે બાપ્પાની આરતી મરાઠીમાં
સ્વરઃ લતા મંગેશકર

શુક્રવાર, 21 ઑગસ્ટ, 2009

પ્રેમમાં ચાલને ચકચૂર થઇ

શબ્દઃ હરીન્દ્ર દવે
સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય, હંસા દવે
સંગીતઃ પુરુષોત્તમ ઉપાધ્યાય
આલ્બમઃ ગુલમહોર

પ્રેમમાં ચાલને ચકચૂર થૈ ચાલ્યા કરીએ,
સૂર્યની આંખે અજબ નૂર થૈ ચાલ્યા કરીએ.

એને બદનામી કહે છે આ જગતના લોકો,
ચાલને, આપણે મશહૂર થૈ ચાલ્યા કરીએ.

એના ધસમસતા પ્રવાહે બધું આવી મળશે,
પ્રેમનું કોઈ અજબ પૂર થૈ ચાલ્યા કરીએ.

પ્રેમના ગર્વથી વધતો નથી સંસારનો ગર્વ,
ચાલ, ભગવાનને મંજૂર થૈ ચાલ્યા કરીએ.

ગુરુવાર, 20 ઑગસ્ટ, 2009

શાને ગુમાન કરતો

(તલત મહેમૂદ)

શબ્દઃ રમેશ ગુપ્તા
સ્વરઃ તલત મહેમૂદ
સંગીત: કેરસી મિસ્ત્રી

અરે ઓ બેવફા સાંભળ,તને દિલથી દુવા મારી,
બરબાદ ભલે ને થાતો હું,આબાદ રહે દુનિયા તારી.

શાને ગુમાન કરતો,ફાની છે જિન્દગાની,
આ રૂપ ને જવાની,એક દિન ફના થવાની.
શાને ગુમાન કરતો…

રડતાઓને હસાવે,હસતાઓને રડાવે,
કુદરતની એક ઠોકર,ગર્વિષ્ઠને નમાવે.
દુનિયામા સિકંદરની પણ ના રહી નિશાની,
શાને ગુમાન કરતો…

પછડાયે જલદી નીચે,જે ખાય છે ઉછાળો,
કુદરતે પણ ચંદ્રમાં પર મુક્યો છે ડાઘ કાળો,
સમજું છતા ન સમજે જે વાત મૂર્ખતાની,
શાને ગુમાન કરતો…

આ જીંદગીનો દીવો પળમાં બૂઝાઈ જાશે,
ચંદન સમી આ કાયા ધરણીની ધૂળ થાશે,
માટે વિનય કરું છું બનતો ન તું ગુમાની,
શાને ગુમાન કરતો…

મંગળવાર, 18 ઑગસ્ટ, 2009

આખું જીવન અમે ધીરે ધીરે લખ્યું

શબ્દઃ રઇશ મનીઆર
સ્વરઃ સત્યેન જગીવાલા
સંગીતઃ મેહુલ સુરતી

આખું જીવન અમે ધીરે ધીરે લખ્યું,
રેત પર જેમ પાગલ સમીરે લખ્યું.

કોરા કાગળ ઉપર બસ 'સખી રે!' લખ્યું,
એથી આગળ નથી મેં લગીરે લખ્યું.

મજનૂ ફરહાદ મહિવાલ હીરે લખ્યું,
લીરે-લીરે ને આખા શરીરે લખ્યું.

રોજ માણસ ઘવાતો રહ્યો ચૂપચાપ,
જે લખ્યું તે નીતરતા ઝમીરે લખ્યું.

આપણે ક્યાં કદી કંઈ લખ્યું છે ‘રઈશ’!
એક મીરાંએ લખ્યું એક કબીરે લખ્યું.
(image: urmisaagar.com)

સોમવાર, 17 ઑગસ્ટ, 2009

મિલનનાં દિપક

શબ્દઃ બરકત વિરાણી 'બેફામ'
સ્વરઃ મનહર ઉધાસ
આલ્બમઃ અક્ષર

મિલનનાં દિપક સૌ બુઝાઇ ગયાં છે, વિરહનાં તિમિર પણ ગહન થઇ ગયાં છે;
અભાગી નયન વાટ કોની જુએ છે, હતાં સત્ય જે એ સ્વપન થઇ ગયાં છે.
મિલનનાં દિપક સૌ.....

અમારા સ્વપનનું એ સદભાગ્ય ક્યાંથી, સ્વપનમાં રહેલાં સુખો થાય સાચા;
કે આ વાસ્તવિક જગનાં સાચા સુખો પણ, અમારા નસીબે સ્વપન થઇ ગયાં છે.
મિલનનાં દિપક સૌ.....

ઘણાંયે દુઃખો એ રીતે પણ મળ્યાં છે, કે જેને કદી જોઇ પણ ના શક્યો હું;
ઘણીયે વખત નીંદમાં સૂઇ રહયો છું, અને બંધ આંખે રૂદન થઇ ગયાં છે.
મિલનનાં દિપક સૌ.....

નથી મેળવાતી ખુશી સંપત્તિથી, આ મોજાં રડીને કહે છે જગત ને;
ભીતરમાં જ મોતી ભર્યાં છે છતાંયે, સમુદ્રોનાં ખારાં જીવન થઇ ગયાં છે.
મિલનનાં દિપક સૌ.....

પ્રણયમાં મેં પકડ્યા'તા તમારા જે પાલવ, પ્રણયની પછી પણ મને કામ આવ્યા;
પ્રસંગો ઉપરનાં એ પરદા બન્યાં છે, ઉમંગો ઉપરનાં કફન થઇ ગયાં છે.
મિલનનાં દિપક સૌ.....

કવિ-દિલ વિના પ્રકૃતિના સિતમને, બીજું કોણ 'બેફામ' સુંદર બનાવે;
મળ્યા દર્દ અમને જે એના તરફથી, અમારા તરફથી કવન થઇ ગયાં છે.
મિલનનાં દિપક સૌ.....

શનિવાર, 15 ઑગસ્ટ, 2009

જીવન

સ્વરચિત કાવ્ય

શૂન્ય મનસ્ક થઇ જગત ઊભું છે;
લાગણી-શૂન્ય થઇ ગયેલાં લોકથી.

કેટલાંયે મુખમાંથી "કેમ છો" સુણ્યું;
જાણે પ્રશ્ન છે, એને મારી હયાતીથી!

"આવજો" તો સૌ કહે છૂટાં પડે ત્યારે;
જઇ ચડો જો દ્વારે, મૂંઝાઇ જાય ક્ષોભથી!

વેદના-સંવેદનાથી પર થઇ ગયો તું "પ્રીત";
જીવતર વીતી જાય, રેતી થઇ હાથથી!

શુક્રવાર, 14 ઑગસ્ટ, 2009

તારા તે કાનુડાને તું નહીં જાણે રે

શબ્દઃ ભૂપેન્દ્ર વકીલ
સ્વરઃ ફોરમ સંઘવી
સંગીતઃ સુનિલ રેવર
આલ્બમઃ ઊરમાં ગુંજારવ

તારા તે કાનુડાને તું નહીં જાણે રે, જાણું હું જેટલો જશોદા!
ગોકુળના મારગડે રોકીને રાધિકા, કરતો રે દિલ કેરા સોદા!
તારા તે કાનુડાને....

આકાશે ઊડતાં પંખીને વીંધીને, પાડે છે પળમાં નીચે;
નમણી નાજુક ગોપીને બાથ ભરી, કદંબની ડાળ પર હીંચે.
તારા તે કાનુડાને....

જમનાનાં જળ મહીં મારીને ભૂસકા, ખેલે છે પ્રીતીના ખેલ;
ડૂબકી લગાવતાં લગાવતાં રાધાની, ડૂબાડે મોંઘેરી હેલ
તારા તે કાનુડાને....
(આ ગીત અને તેના લિરિક્સ મોકલવા બદલ સુનિલ રેવરનો હું આભાર માનું છું)
મારો કાનુડો તેની યશોદા સાથે............