મારા સાયબર વિશ્વમાં આપનું હાર્દિક સ્વાગત છે.........

પ્રિય મિત્રો,
આપ સૌ મારા બ્લોગ પર અવારનવાર પધારો છો તે મારા માટે ખૂબ જ આનંદની વાત છે. પણ ઘણા મિત્રો તેમના અભિપ્રાય આપ્યા વગર જ જતા રહે છે, જે મને થોડું અધુરૂં લાગે છે. આપ સૌના અભિપ્રાય મારા માટે ઘણાં જ અગત્યના છે અને તે મને કંઈક વધુ સારું કરવાની પ્રેરણા અને ઉત્સાહ આપતા રહે છે. તો મિત્રો આપ જ્યારે-જ્યારે મારા બ્લોગની મુલાકાત લો ત્યારે આપના અમૂલ્ય અભિપ્રાય આપતા રહો તેવી અપેક્ષા.

સૌ મિત્રોને નમ્ર વિનંતિ કે અહીં મુકેલી રચનાઓ માત્ર સાંભળવા માટે જ છે, આથી મહેરબાની કરી ડાઉનલોડ માટે પૂછવું નહીં. આભાર.
મારા સંગ્રહમાંથી કેટલાંક આલ્બમના મુખપૃષ્ઠો:સોમવાર, 26 જાન્યુઆરી, 2009

ઊંબાડિયું - દક્ષિણ ગુજરાતની લોકપ્રિય વાનગી

આજે સંગીતના બ્લોગ પર વાનગીની વિડીયો ફિલ્મ મુકું છું. દરગુજર કરશો. મારી સ્વાદપ્રિયતાને વશ થઇ વિશ્વને એક ખાસ પરંતુ દક્ષિણ ગુજરાતની બહાર ખૂબ ઓછી જાણીતી એવી આ વાનગીથી આપ સૌને પરિચિત કરાવવાનો મારો આ પ્રયાસ છે.

વંદે માતરમ્


આજે પ્રજાસત્તાક દિન નિમિત્તે આપ સૌને મારા તરફથી હાર્દિક શુભેચ્છાઓ.
આ સાથે એક ગંભીર વાત તરફ ધ્યાન દોરવાની ઇચ્છા થાય છે કે આજ-કાલ દેશભક્તિનો કહેવાતો દેખાડો કરવાની જાણે ફેશન થઇ ગઇ છે. કારગીલ યુધ્ધ હોય કે મુંબઇ પરનો આતંકવાદી હુમલો, થોડા દિવસની બૂમરાણ અને દેખાવો કર્યા પછી આપણે સૌ તે ઘટનાને ભૂલી જઇએ છીએ અને ફરી પાછા જૈસે થે. આવું ક્યાં સુધી ચાલ્યા કરશે અને તેનો અંત ક્યારે અને કેવો હશે.........વાત ને અધ્યાહાર છોડી દેવી પડે છે. મારી પાસે જવાબ નથી.
અને બીજું કે નવું વર્ષ, વેલેન્ટાઇન ડે, દિવાળી, ઇદ જેવા તહેવારોમાં કે ક્રિકેટમાં જીત મળે ત્યારે આપણે સૌ (મારા સહિત - હું સ્વીકારું છું) પરસ્પર ફોન, એસ એમ એસ વગેરેનો એકબીજા પર રીતસરનો મારો ચલાવી શુભકામનાઓનો જાણે વરસાદ વરસાવી દઇએ છીએ પણ રાષ્ટ્રીય તહેવારોમાં આ ઉત્સાહ જાણે ક્યાં ઠંડો પડી જાય છે તે સમજાતું નથી.
આત્મચિંતનની જરૂર છે.

શનિવાર, 24 જાન્યુઆરી, 2009

ચાલ્યા જ કરું છું- -મુકેશ

સ્વર : મુકેશ
સંગીતકાર : કલ્યાણજીભાઇ

ચાલ્યા જ કરું છું, ચાલ્યા જ કરું છું,
આ જગત જન્મ્યું જ્યારથી, ચાલ્યા જ કરું છું … ચાલ્યા જ કરું છું

સંસારની પગથારને કોઈ ઘર નથી,
મારા જ ઘરમાં ક્યાં જવું એ મુજને ખબર નથી,
શ્રધ્ધાનો દીવો દિલમાં પ્રગટાવ્યાં કરું છું …ચાલ્યા જ કરું છું

હસ્તી નથી એની જ હસ્તી ધારી લઇને,
બુધ્ધિ કરે જો પ્રશ્ન એને મારી લઇને,
મંદિરમાં જઈ ઘંટને બજાવ્યા કરું છું … ચાલ્યા જ કરું છું


નયનને બંધ રાખીને

સ્વર :મનહર ઉધાસ
શબ્દ :બરકત વિરાણી 'બેફામ'

અશ્રુ વિરહની રાત ના ખાળી શક્યો નહીં
પાછા નયન ના નુર ને વાળી શક્યો નહીં
હું જેને કાજ અંધ થયો રોઇ રોઇ ને

તે આવ્યા ત્યારે એને નિહાળી શક્યો નહીં


નયનને બંધ રાખીને મે જયારે તમને જોયા છે
તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે

ઋતુ એકજ હતી પણ રંગ નો'તો આપણો એક જ
મને સહેરા એ જોયો છે બહારે તમને જોયા છે

પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઇ
નહીં તો મેં ઘણી વેળા સવારે તમને જોયા છે

હકીકતમાં જુઓ તો એય એક સપનું હતું મારુ,
ખુલી આખે મે મારા ઘરના દ્વારે તમને જોયા છે

નહીંતર આવી રીતે તો તરે નહિ લાશ દરિયામાં
મને લાગે છે કે એણે કિનારે તમને જોયા છે

ગણી તમને જ મંઝિલ એટલા માટે તો ભટકું છું,
હું થાક્યો છું તો એક એક ઉતારે તમને જોયા છે.

નિવારણ છો કે કારણ ના પડી એની ખબર કંઈએ,
ખબર છે એ જ કે મનના મુઝારે તમને જોયા છે.

નથી મસ્તી મહોબ્બત એવું કંઈ કહેતો હતો ‘બેફામ’
એ સાચું છે અમે એના મઝારે તમને જોયા છે.

કમાલ કરે છે

શબ્દ: સુરેશ દલાલ
આલ્બમ: હસ્તાક્ષર
સંગીત: શ્યામલ-સૌમિલ
સ્વર: નીરજ પાઠક,બાલી બ્રહ્મભટ્ટ.

કમાલ કરે છે, કમાલ કરે છે,
એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે.

ડોસો જાગે ત્યારે ચશ્માં આપે
અને બ્રશ ઉપર પેસ્ટને લગાડે,
લોકોનું કહેવું છે ડોસી તો આમ કરી
ડોસાને શાને બગાડે ?
મસાલા ચા અને ગરમ ગરમ નાસ્તો
ડોસી ડોસાનો કેવો ખ્યાલ કરે છે?

નિયમ પ્રમાણે દવા આપે છે રોજ
અને રાખે છે ઝીણું ઝીણું ધ્યાન,
બન્નેનો સંબંધ તો એવો રહ્યો છે
જાણે તલવાર અને મ્યાન.
દરમ્યાનમાં બન્ને જણ મૂંગાં મૂંગાં
એકમેકને એવાં તો ન્યાલ કરે છે

પગમાં આવેજો ક્યાંક એકાદ પગથિયું
તો ડોસો ડોસીનો પકડી લે હાથ
ડોસો તો બેસે છે છાપાંના છાપરે
ને ડોશીને હોય છે રસોડાંનો સાથ
આઠ દસ દિવસ પણ છુટ્ટાં પડે તો
બંને જણ ફોન પર બરાડ કરે છે

કાનમાં આપે છે એવાં ઈન્જેકશન
કે સિગરેટ શરાબ હવે છોડો,
ડોસો તો પોતાના તાનમાં જીવે
કયારેક વહેલો આવે કે ક્યારેક મોડો.
બન્નેની વચ્ચે વહે આછું સંગીત
પણ બહારથી ધાંધલ-ધમાલ કરે છે

ડોસી તો સાંજે મંદિરમાં જાય અને
ડોસો તો જાય છે બારમાં
બંનેના રસ્તા લાગે છે જુદાં પણ
અંતે તો એક છે સવારમાં
ડોસો ને ડોસી જાગીને જુએ
તો પ્હાડ જેવા કાળને કંગાલ કરે છે

ડોસો વાંચે અને ડોસીને મોતિયો
બન્ને જણ વચ્ચે આવો છે પ્રેમ,
લડે છે, ઝગડે છે, હસે છે, રડે છે,
જીવન તો જળની જેમ વહેતું જાય એમ.
દોસ્ત જેવી દીકરીની હાજરીમાં બન્ને જણ
ઘરની દિવાલને ગુલાલ કરે છે …
નીરજ પાઠક

બાલી બ્રહ્મભટ્ટ

ગુરુવાર, 22 જાન્યુઆરી, 2009

તારી વાંસળી વાગી જમુનાને કાંઠે આજ શ્યામ હો

સ્વર - અચલ મહેતા

તારી વાંસળી વાગી જમુનાને કાંઠે આજ શ્યામ હો
વાંસળીના સૂર સુણી ગોપીઓ રાસ રમે આજ હો

વાંસળી વાગી આજ વનમાં હો
મોરલો નાચે મારા તનમાં હો
હે મારું મનડું નાચે તનડું નાચે
નાચે અંગ-અંગ કે
શ્યામ સંગ રાસ રમું આજ રે

વાંસળી વાગી ગગનમાં હો
મન રહે ના આજ તનમાં હો
હે મારું મનડું નાચે તનડું નાચે
નાચે અંગ-અંગ કે
શ્યામ સંગ રાસ રમું આજ રે

હે મુને એકલી મૂકીને રમે રાસ


સ્વર - અચલ મહેતા

હે મુને એકલી મૂકીને રમે રાસ
રંગીલા રાજા હવે નહી આવું તારી પાસ.

મનની માનેલી તને, મેલું શું એકલી
વા’લી લાગે છે મુને, રાધા રુઠેલી
હે મારા તનમનમાં તારો રે અવાજ
રંગીલા રાજા હવે નહી આવું તારી પાસ …
હે મુને એકલી....

અરે નંદનો કિશોર, આ તો નિકળ્યો રે ચોર
મેં તો માન્યો તો મોર, આ તો હરાયો ઢોર
હે મારે નથી જાવું એની ઓર
રંગીલા રાજા હવે નહી આવું તારી પાસ …
હે મુને એકલી....

બુધવાર, 21 જાન્યુઆરી, 2009

અરમાન લઇને દુનિયાની

શબ્દ : યુસુફ બુક્વાલા
સ્વર : મનહર ઉધાસ
આલ્બમ : અવસર

મેં નદી પાસે માંગી હતી નિર્મળતા; મળી
ફૂલ પાસેથી ચાહી હતી કોમળતા; મળી
માત્ર હમદર્દીનો યાચક થયો માનવ પાસેથી;
શું એ કહેવાની જરૂરત છે કે નિષ્ફળતા મળી?

અરમાન લઇને દુનિયાની ચૌખટમાં જવાને નીકળ્યો તો’
કંઇ હું ય બનું કંઇ હું ય કરું કંઇ એવું થવાને નીકળ્યો તો'

એક ફૂલ હતો એક ફૂલ સમો ખૂશ્બુનો ફૂવારો ઊડતો તો’
ખોટું તો ઘડીમાં લાગી જતું, છોભીલો ઘડીમાં પડતો તો’
કોઇ વાતમાં અમથો હસતો તો’ કોઇ વાતમાં અમથો રડતો તો’
દુનિયાની સરણે એવી રીતે જીવનનો મારગ ઘડતો તો’
ભાંગેલા જીગરને પૂછું છું, જીવવાને શાને નીકળ્યો તો’

અપમાન સહન કરવાની આદતસી પડીગઇતી’ મુજને
નિષ્ફળતા નિરાશા રોજની બાબતસી બની ગઇતી’ મુજને
મયખાને જઇને શું કરવું તૃષ્ણા જ મરી ગઇતી’ મુજને
લાગ્યું’તું મરણ તો મળશે પણ એ આશ ઠગી ગઇતી’ મુજને
કઇ રાહ હતી કઇ રાહ મળી, કઇ રાહ જવાને નીકળ્યો તો’

દિલવાળા સાથે દુનિયાને કોઇ યોગ નથી સંયોગ નથી
આંસુને વહાવી શું કરવું રડવાનો કોઇ ઉપયોગ નથી
મજબૂર થઇને હસવું એ કંઇ શોખ નથી, ઉપભોગ નથી
જીવવુંતો પડે છે કારણકે મૃત્યુનો કોઇ સંજોગ નથી
આવ્યો છું ફરી એ મહેફિલમાં, જે છોડી જવાને નીકળ્યો તો’

મંગળવાર, 20 જાન્યુઆરી, 2009

શુક્રવાર, 16 જાન્યુઆરી, 2009

તમે અહીંયા રહો તો મને સારું રહે

શબ્દ : ભાગ્યેશ ઝા
સ્વર : સોલી કાપડીયા

તમે અહીંયા રહો તો મને સારું રહે
આ જળને વહેવાનું કંઇ કારણ રહે

તમે આંખોથી આંસુ નીચોવી લીધું
આ વાદળને રડવાનું કાનમાં કીધું
તમે આવજો કહીને પછી આવશો નહીં
તમે ભૂલવાની ભ્રમણામાં ફાવશો નહીં

આ શબ્દોને ઉંડું એક વળગણ રહે
આ જળને વહેવાનું કંઇ કારણ રહે

હવે સૂરજ આથમશે તો ગમશે નહીં
આ સપનાનો પગરવ વર્તાશે નહીં
રાતે તારાને દર્પણમાં ઝીલશું નહીં
અને આભ સાથે કોઇ’દિ બોલશું નહીં

મારા દર્દોનું એક મને મારણ રહે
આ જળને વહેવાનું કંઇ કારણ રહે

એક પંખી સૂરજ સામે સળગી જશે
એના સપનાઓ વીજળીમાં ઓગળી જશે
તમે ચીરી આકાશ ક્યાંય ઊડતા નહીં
આ ખારા સાગરને ખૂંદતા નહીં

અહીં વરસાદે વરસાદે ભીનું રહે
આ જળને વહેવાનું કંઇ કારણ રહે

અહીં ઉપવનમાં આંસુના ઉગશે બે ફૂલ
આંખ રડશે કે તડકામાં સળગી’તી ભૂલ
તમે આશાની આશામાં રડશો નહીં
તમે હસવામાં હસવાનું ભરવાનું નહીં

અહીં વૃક્ષોનું ડોલવાનું કાયમ રહે
આ જળને વહેવાનું કંઇ કારણ રહે

ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી

શબ્દ : બરકત વિરાણી 'બેફામ'
સ્વર : મનહર ઉધાસ
આલ્બમ : અવસર

કેવી રીતે વિતે છે વખત, શું ખબર તને ?
તેં તો કદીયે કોઇની પ્રતિક્ષા નથી કરી.
એ શું કે રોજ તું જ કરે મારું પારખું,
મેં તો કદીયે તારી પરીક્ષા નથી કરી.

ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી,
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી.

જગતમાં સર્વને કહેતા નહીં ફરો કે દુઆ કરજો,
ઘણાં એવાય છે જેની દુઆ સારી નથી હોતી.

ખુબી તો એ કે ડુબી જાવ તો લઇ જાય છે કાંઠે,
તરો ત્યારે જ સાગરની હવા સારી નથી હોતી.

કબરમાં જઇને રહેશો તો ફરિશ્તાઓ ઊભા કરશે,
અહીં ‘બેફામ’ કોઇ પણ જગા સારી નથી હોતી.

મંગળવાર, 13 જાન્યુઆરી, 2009

તારી બાંકી રે પાઘલડી નું ફૂમતુ રે

ગીત : અવિનાશ વ્યાસ
સંગીત : વેલજીભાઇ ગજ્જર
સ્વર : આશા ભોંસલે,વેલજીભાઇ ગજ્જર, આરતી મુન્શી
ફિલ્મ : હોથલ પદમણી (1947)

હે… શ્રાવણે સારા, શરદ ધારા, કૈંક તારા કામની…
પહેરી પટોળા, રંગ ઢોળા, ભમે ટોળા ભામિની…
શણગાર સજીયે, રૂપ રજીએ, ભૂલ ત્યજીએ, ભાન ને…
ભરપૂર જોબનમાંયે ભામન કહે રાધા કાનને…
જી કહે રાધા કાન ને… જી કહે રાધા કાનને…

તારી બાંકી રે પાઘલડી નું ફૂમતુ રે, મને ગમતું રે,
આ તો કહું છું રે કાનુડા તને અમથું ! ….. તારી બાંકી રે…..

તારા પગનું પગરખું ચમચમતું રે
અને અંગનું અંગરખુ તસતસતું રે , મને ગમતું રે,
આતો કહું છું રે પાતળીયા, તને અમથું !….. તારી બાંકી રે…..

પારકો જાણીને તને ઝાઝું શું બોલવુ ?
ને અણજાણ્યો જાણી તને મન શું ખોલવું ?
તને છેટો રે ભાળીને મને ગમતું રે !
આ તો કહું છું રે પાતળીયા, તને અમથું !….. તારી બાંકી રે…..

હાથમાં ઝાલી ડાંગ કડિયાળી, હરિયાળો ડુંગરો આવતો રે હાલી;
લીંબુની ફાડ જેવી આંખડીયું ભાળી, શરમ મૂકીને તોયે થાઉં શરમાળી.
તારા રૂપનું તે ફૂલ મધમધતું રે, મને ગમતું રે,
આ તો કહું છું રે પાતળિયા તને અમથું !….. તારી બાંકી રે…..

કોણ જાણે કેમ મારા મનની ભીતરમાં એવું તે ભરાયું શું
એક મને ગમતો આભનો ચાંદલોને ને બીજો ગમતો તું !
ઘરમાં, ખેતરમાં કે ધરતી ના થરમાં
તારા સપનનમાં મન મારું રમતું રે , મને ગમતું રે,
આ તો કહું છું રે ગોરાંદે તને અમથું !….. તારી બાંકી રે…..

આશા ભોંસલે
આરતી મુન્શી
રીમીક્સ

સોમવાર, 12 જાન્યુઆરી, 2009

દુહાની રમઝટ - 1

રિધ્ધિ દે સિધ્ધિ દે, અષ્ટ નવ નિધિ દે
વન્શમે વ્રુધ્ધિ દે બાકબાની

હ્રદય મે ગ્યાન દે, ચિત્ત મે ધ્યાન દે
અભય વરદાન દે શમ્ભુરાની

દુઃખ કો દૂર કર, સુખ ભરપુર કર
આશા સમ્પુર્ણ કર દાસ જાની

સજ્જન સે હિત દે, કુટુમ્બ સે પ્રીત દે
જન્ગમે જીત દે મા ભવાની!

દુહાની રમઝટ-2

સ્વરઃ આશીત દેસાઈ

હે…. કો’ક દિ’ કાઠિયાવાડમાં પણ ભૂલને ભગવાન..રે..
અરે થાને મારો મહેમાન તો તને સ્વર્ગ ભુલાવું શામળા..

શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત,
ચોમાસે વાગડ ભલો, કચ્છડો બારે માસ..!

એ એક રે તંબુરાનો તાર ને બીજી તાતી તલવાર રે..
એક જ વજ્રમાંથી બે ઉપજ્યાં હે તો’ય ક્યાંય ના મેળ મળે લગાર..!

હે..સાચી પ્રીત શેવાળની કે જળ સૂકે સૂકાય..રે.
પણ આ માંયલો હંસલો સ્વાર્થી કે આ જળ સૂકે ઊડી જાય..!

કસુંબીનો રંગ

શબ્દ : ઝવેરચંદ મેઘાણી
ગાયક : ચેતન ગઢવી
સંગીત : સંજય ધકાણ
આલ્બમ : લોકસાગરના મોતી - 2

રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ !

જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ;
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ. - રાજ..

બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ;
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ. - રાજ..

દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ;
સાગરને પાળે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ. - રાજ..

ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ;
વહાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ - રાજ..

નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ;
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગ. - રાજ…

પિડિતની આંસુડાધારે - હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ;
શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે સળગ્યો કસુંબીનો રંગ. - રાજ

ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ;
બિસ્મિલ બેટાઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ. - રાજ…

ઘોળી ઘોળી પ્યાલા ભરિયા : રંગીલા હો ! પીજો કસુંબીનો રંગ;
દોરંગાં દેખીને ડરિયાં : ટેકીલા તમે! હોંશિલા તમે ! રંગીલા તમે લેજો કસુંબીનો રંગ!

રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ -
લાગ્યો કસુંબીનો રંગ !

ગુરુવાર, 8 જાન્યુઆરી, 2009

તમે મારાં દેવનાં દીધેલ છો

સ્વર : હંસા દવે

તમે મારાં દેવનાં દીધેલ છો, તમે મારાં માગી લીધેલ છો,
આવ્યાં ત્યારે અમર થઇને રો’ !

મા’દેવ જાઉં ઉતાવળી ને જઇ ચડાવું ફૂલ ;
મા’દેવજી પરસન થિયા ત્યારે આવ્યાં તમે અણમૂલ !

તમે મારું નગદ નાણું છો, તમે મારું ફૂલ વસાણું છો,
આવ્યાં ત્યારે અમર થઇને રો’ !

મા’દેવ જાઉં ઉતાવળી ને જઇ ચડાવું ફૂલ,
પારવતી પરસન થિયાં ત્યારે આપ્યો હૈયાનો હાર.

હડમાન જાઉં ઉતાવળી ને જઇ ચડાવું તેલ,
હડમાનજી પરસન થિયા ત્યારે ઘોડિયાં બાંધ્યાં ઘેર.

ચીચણ પાસે પાલડી ને ત્યાં તમારી ફૈ ;
પાનસોપારી ખાઇ ગઇ, કંકોતરીમાંથી રૈ.

ભાવનગર ને વરતેજ વચ્ચે રે’ બાળુડાની ફૈ ;
બાળુડો જ્યારે જનમિયો ત્યારે ઝબલા ટોપીમાંથી ગૈ
બાળુડો જ્યારે પરણશે ત્યારે નોતરામાંથી રૈ.

છાનું રે છપનું

સંગીત- અવિનાશ વ્યાસ
સ્વર- આશા ભોંસલે

છાનું રે છપનું કંઇ થાય નહીં
ઝમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય
એક ઘાયલ ને પાયલ બે છૂપ્યા છૂપાય નહીં
ઝાંઝરને સંતાડી રાખ્યું રખાય નહીં

આંખ્યો બચાવી ને આંખના રતનને
પરદામાં રાખીને સાસુ નણંદને
ચંપાતા ચરણો એ મળ્યુ મળાય નહીં

નણદી ને નેપૂર બે એવા અનાડી
વ્હાલા પણ વેરી થઇ ખાય મારી ચાડી
આવેલા સપનાનો લ્હાવો લેવાય નહીં

ધમ ધમક ધમ ધમ ધમ…. સાંબેલું

સ્વર: આશા ભોંસલે

ધમ ધમક ધમ ધમ ધમ…. સાંબેલું…
અલક મકલનું અલબેલું…. સાંબેલું…
જનમ જનમથી વહુને માથે ભાંગેલું..
સાંબેલું..

જેવી ઘઉંમાં કાંકરી, નણંદ મારી આકરી
હાલે ના પેટનુ પાણી, એવી મારી દેરાણી..
સાંબેલું..

જેવી ફૂટે ધાણી, એવી મારી જેઠાણી
જેવો કુવો ઊંડો, જેઠ એવો ભૂંડોં…
સાંબેલું..

હોય છો ને બટકો, દિયર વટનો કટકો
લીલી લીલી વાડીઓ, ને સસરો એમાં ચાડિયો..
સાંબેલું..

એવો બાંધો સાસુ તણો, પાણીમાં જેમ ફૂલે ચણો
મીઠો મગનો શીરો, એવો નણંદનો વીરો..
સાંબેલું..

મારા ભોળા દિલ નો

શબ્દ:રમેશ ગુપ્તા
સ્વર:મુકેશ

મારા ભોળા દિલ નો હાય રે શિકાર કરી ને
ચાલ્યા ગયા આખોંથી આખોં ચાર કરીને
બિમાર કરી ને.મારા ભોળા દિલનો…

મે વીનવ્યુ વારંવાર કે દિલ સાફ કરી દો
કાઈ ભુલ હો મારી તો મને માફ કરી દો
ના ના કહી, ના હા કહી મુખ મૌન ધરી ને
ચાલ્યા ગયા આખોંથી આખોં ચાર કરીને
બિમાર કરી ને.મારા ભોળા દિલનો…

એક બોલ પર એના મે મારી જીંદગી વારી
એ બેકદરને ક્યાથી કદર હોય અમારી
આ જોઈને ને રોઈને દિલ મારુ કહે છે
શુ પામ્યુ કહો જીદગી ભર આહ ભરીને
ચાલ્યા ગયા આખોંથી આખોં ચાર કરીને
બિમાર કરી ને.મારા ભોળા દિલનો…

છોને થઈ તકરાર હજુ પ્યાર બાકી છે
બંને દિલોમાં પ્રેમની ઝંકાર બાકી છે
સંસારના વહેવારનો વેપાર બાકી છે
બંને દિલોના મળવા હજુ તાર બાકી છે
અભિમાનમાં ફૂલાઈ ગયા જોયુ ન ફરીને
ચાલ્યા ગયા આખોંથી આખોં ચાર કરીને
બિમાર કરી ને.મારા ભોળા દિલનો…

મૂઆ મુરલીનાં સૂર ફરી વાગ્યા

સંગીત: રિષભ મહેતા
સ્વર: રિષભ મહેતા, ગાયત્રી દવે અને વૃંદ

હાં રે મૂઆ મુરલીનાં સૂર ફરી વાગ્યા…
હાં રે મૂઆ મુરલીનાં સૂર ફરી વાગ્યા.

હાં રે ફરી હાથમાંથી ભાન-સાન ભાગ્યા..ભાગ્યા…
મુરલીનાં સૂર ફરી વાગ્યા…
હાં રે મૂઆ મુરલીનાં…

તમે એવા તે કેવા અમને બાંધ્યા…
હાં રે તમે એવા તે કેવા અમને બાંધ્યા…
હાં રે અમે પોતાને પારકા લાગ્યા.. લાગ્યા…
મુરલીનાં સૂર ફરી વાગ્યા…
હાં રે મૂઆ મુરલીનાં…

તમે ભવભવથી પોતાના લાગ્યા…
હાં રે તમે ભવભવથી પોતાના લાગ્યા…
હાં રે તમને અમથા અમથા જ નથી માંગ્યા.. માંગ્યા…
મુરલીનાં સૂર ફરી વાગ્યા…
હાં રે મૂઆ મુરલીનાં…

અમે ના ના કહીને બહુ થાક્યા…
હાં રે અમે નાનાના કહીને બહુ થાક્યા…
હાં રે તમે માન્યા માન્યા ને નહીં માન્યા… માન્યા…
મુરલીનાં સૂર ફરી વાગ્યા…
હાં રે મૂઆ મુરલીનાં…

મંગળવાર, 6 જાન્યુઆરી, 2009

આંખડી હો તારી આંખડી

શબ્દ: રમણભાઇ પટેલ
સ્વર: સાધના સરગમ

આંખડી હો તારી આંખડી,
તારી આંખડી ઝબકી જાય,
સખી રંગભરી તારી આંખડી.

વિજ સમી ઝબકી, હૈયામાં ઉતરી,
જાતાં દઝાડી ગઈ એકદમ ચમકી;
લજવાતી લહેરી જાય..
સખી રંગભરી તારી આંખડી..


હૈયું ઝબકાવતી, નૈના તલસાવતી,
હૈયાનાં અમૃતને હેતે છલકાવતી;
મારા હૈયાને ભીંજવતી જાય..
સખી રંગભરી તારી આંખડી..

ઝબકી ઝબકાવતી, પલકારા મારતી,
મીઠા મધુર કોડ હૈયે રેલાવતી,
સુના સપના સંકોરતી જાય..
સખી રંગભરી તારી આંખડી..

શુક્રવાર, 2 જાન્યુઆરી, 2009

મારો સાહ્યબો અષાઢીલો મેઘ

શબ્દ : તુષાર શુક્લ
સ્વર : ગાર્ગી વોરા
સંગીત : ડો. ભરત પટેલ

મારો સાહ્યબો અષાઢીલો મેઘ છે સખી,
એને વરસંતા લાગે છે વાર…
પણ, વરસે ત્યારે અનરાધાર!

મળવા આવે ત્યારે બોલે ના કાંઇ,
એના શ્વાસોમાં વાગે શરણાઇ,
આઘે રહીને વ્હાલ વરસાવે વ્હાલમાં,
લાગે કે નખશિખ ભીંજાઇ!

મારો પીયુજી હૈયાનો હાર,
એને વરસંતા લાગે છો વાર…
પણ, વરસે ત્યારે અનરાધાર!

મારો સાહ્યબો અષાઢીલો મેઘ…

ઉપરથી લાગે છે કોરોધાકોર,
એની ભીતર ઘેરાતું આકાશ,
આષાઢી અણસારો ઓળખતા આવડે તો,
ચોમાસુ છલકે ચોપાસ!

ગમે એના વિના ના લગાર,
એને વરસંતા લાગે છો વાર…
પણ, વરસે ત્યારે અનરાધાર!

મારો સાહ્યબો અષાઢીલો મેઘ…

સુરતનું ગીત

શબ્દ: મુકુલ ચોક્સી
સ્વર-સંગીત: મેહુલ સુરતી
સુરત… સુરત… સુરત… સુરત…
આ સુરત… આ સુરત… આ સુરત છે,
જ્યાં મોજમજાનાં જલ્સાની એક જન્નત છે.
આ સુરત…
અહીં ખવાય ઉંધિયા-ઘારી ને પોંકની ભવ્ય સવારી,
ને ફાફડા-ભજીયા સાથે છે ચટણીની બલિહારી;
અહીં દુકાન ઓછી ચાલે ચાલે છે બહુ લારી,
અહીં આવે જો મહમારી એ ભાગી જાય બિચારી,
અહીં ગાળ દેવાની સૌને મીઠ્ઠી આદત છે…
આ સુરત…
અહીં હીરાનું અજવાળું કાપડ ઉદ્યોગનું જાળું,
સંચાઓમાંથી પ્રગટે રેશમનું પોત નિરાળું;
સુરત ને વરાછા વચ્ચે છે એક નાનું ગરનાળું,
અહીં છે દિલ છે અમારા ઉજળા છે નાણું એટલું કાળું,
અહીં સુરતમાં વસેલું આખું ભારત છે…
આ સુરત…
આ સુરત.. આ સુરત… આ સુરત છે…
જ્યાં મોજમજાનાં જલ્સાની એક જન્નત છે…
આ સુરત.. આ સુરત… આ સુરત છે…

કલરવો

શબ્દ: સુરેન ઠક્કર 'મેહુલ'
સંગીત : ચન્દુ મટ્ટાણી
આલ્બમ : મા ભોમ ગુર્જરી


સ્વર : આશિત દેસાઇ

કલરવોના ઘર સમું કલબલતું આંગણ સાંભરે ;
સાવ લીલુંછમ્મ હજી આજે ય બચપણ સાંભરે.
કલરવોના ઘર સમું....

આયખા આડે જો ધુમ્મસ હોય તો પણ સાંભરે ;
ક્યાંક બિંબાયો હતો એ મન દર્પણ સાંભરે.
કલરવોના ઘર સમું....

ગહેક પીધીને રગેરગથી કસુંબલ થઇ ગયો ;
આયખે અનહદ ભર્યો કે ટહુકે સાજણ સાંભરે.
કલરવોના ઘર સમું....

કો'ક દિ' એવું બને કે આંખમાં આંધિ ચડે;
કો'ક દિ' એવું બને કે વાત બે-ત્રણ સાંભરે.
કલરવોના ઘર સમું....

આ ગઝલનાં કેટલાંક અન્ય શેર કે જે અહીં ગવાયા નથી-

જીવ માફક જાળવ્યાં ભવનાં એ ભારણ સાંભરે,
વ્હાલસોયાં થઇને સોંસરવાં સર્યા-જણ સાંભરે.

સાવ અણધાર્યા સમયના ઘૂંટ ઘેરાતા ગયા,
કેટલી અણગત છતાં તરસી એ પાંપણ સાંભરે.

બંધ મુઠ્ઠીમાં હતી આકાશની ગેબી અસર,
એટલે કૈં કેટલાં કોડીલા સગપણ સાંભરે.

સાવ ધુમ્મસીયા ચહેરાઓ હવે વાંચી શકું,
સાવ આભાસી સંબંધોનાંય પગરણ સાંભરે.

એમ પૂછીને થાય નહીં પ્રેમ

શબ્દ:તુષાર શુક્લ
સ્વર:શ્યામલ મુન્શી
આલ્બમ:હસ્તાક્ષર

દરિયાના મોજાં કંઇ રેતીને પૂછે, ‘તને ભીંજાવું ગમશે કે કેમ ?’;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.

ચાહવા ને ચૂમવામાં ઘટનાનો ભેદ નથી, એકનો પર્યાય થાય બીજું;
આંખોનો આવકારો વાંચી લેવાનો, ભલે હોઠોથી બોલે કે, ખીજું ?
ચાહે તે નામ તેને દઇ દો તમે રે ભાઇ અંતે તો હેમનું હેમ;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.

ડગલે ને પગલે જો પૂછ્યા કરો તો પછી કાયમના રહેશો પ્રવાસી;
મન મૂકી મ્હોરશો તો મળશે મુકામ એનું સરનામું, સામી અગાશી .
મનગમતો મોગરો મળશે, વટાવશો વાંધાની વાડ જેમજેમ;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.

પંખીઓએ કલશોર કર્યો

રચયિતાઃ- નિનુ મઝુમદાર
ગાયકઃ - મન્ના ડે, પ્રફુલ્લ દવે

પંખીઓએ કલશોર કર્યો, ભાઇ ! ધરતીને સૂરજ ચૂમ્યો,
કૂથલી લઇને સાંજનો સમીર આજ વનેવન ઘૂમ્યો, વનેવન ઘૂમ્યો..

ખુલ્લી પડેલી પ્રીતનો અરથ કળી કળીએ જાણ્યો,
શરમની મારી ધરણીએ કાળી રાતનો ઘૂમટો તાણ્યો, ઘૂમટો તાણ્યો..

પ્રગટ્યા દીવા કૈંક ચપોચપ ઊઘડી ગગન બારી,
નીરખે આભની આતુર આંખો દોડી આવી દિગનારી, આવી દિગનારી..

તાળી દઇ કરે ઠેકડી તીડો, તમરાં સિસોટી મારે,
જોવા તમાશો આગિયા ચાલ્યા બત્તી લઇ દ્વારે દ્વારે, ફરી દ્વારે દ્વારે..

રાતડીના અંધકારની ઓથે નીંદરે અંતર ખોલ્યાં,
કૂંચી લઇ અભિલાષની સોનલ હૈયે શમણાં ઢોલ્યાં, શમણાં ઢોલ્યાં..

મન્ના ડે

પ્રફુલ્લ દવે

કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે

ગીતકાર: રઈશ મનીઆર
સ્વર: શૌનક પંડ્યા,ધ્વનિત જોષી

કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે,
અલગતા આપણી એમ જ સ્મરણને જીવતું રાખે.

તળાવો મૃગજળોના જેમ રણને જીવતું રાખે,
બસ એમ જ સ્વપ્ન તારું એક જણને જીવતું રાખે.

સમયના સૂર્યનું ચાલે તો સળગાવી મૂકે સઘળું,
વ્યથાના વાદળો વાતાવરણને જીવતું રાખે.

કહો, એવી હયાતીને કોઈ તકલીફ શું આપે?
જે અંદરથી મરી જઈ આવરણને જીવતું રાખે.

અનાયાસે તો જીવનમાં બધું ભૂલી જ જઈએ, પણ -
પ્રયાસો વિસ્મરણના ખુદ સ્મરણને જીવતું રાખે.

‘રઈશ’ આ દોસ્તો તારા અધૂરા છે શિકારીઓ,
ખૂંપાવી તીર જે અડધું, હરણને જીવતું રાખે!


ધ્વનિત જોષી

શૌનક પંડ્યા

આ શું પ્રગટ્યું છે મારામાં

શબ્દ: દિલીપ રાવલ
સ્વર: રૂપકુમાર રાઠોડ

આ શું પ્રગટ્યું છે મારામાં કે યાદ કરું છું ગોકુળને,
છે મન ગમતીલી દ્વિધામાં કે યાદ કરું છું ગોકુળને.

તન તેલ સુગંધી દ્રવ્યો ને રત્નોમાં જઈને અટવાયું,
મન માખણ મિસરી ખાવામાં કે યાદ કરું છું ગોકુળને.

આ સિંહાસન ને તાજ હવે બહુ ભારે ભારે લાગે છે,
એવું તે હતું શું પીંછામાં કે યાદ કરું છું ગોકુળને.

આ રેશમ રૂની ગાદીમાં પણ ઊંઘ હવે ક્યાં આવે છે!
નક્કી જ હતું કંઈ રાધામાં કે યાદ કરું છું ગોકુળને.

એક છોકરીના હાથથી રૂમાલ પડે

આલ્બમ: હસ્તાક્ષર
સંગીત: શ્યામલ-સૌમિલ
સ્વર: શંકર મહાદેવન
ગીત: રમેશ પારેખ

એક છોકરીના હાથથી રૂમાલ પડે
એ લેવા આખુંય ગામ વળે નીચે
જુવાન આંખ ફાડે, બુઢ્ઢાઓ આંખ મીચે.

નામ કોનું રૂમાલમાં આ છોકરીએ ભર્યું છે,
એ બાબત પર ઠેર ઠેર ગરમી.
પડ્યા ગામના બગીચાઓ ખાલી કુંજાર
અને નાસ્તિકો થઇ ગયા ધરમી.

કારણ કે મંદિરે જાય છોકરી તો
લોક શું કરવા ટળવળે બગીચે ?

ગંધ છોકરીની આવી જે જીવને તે જીવની
ગંભીરતામાં પડી ગયો ગોબો.
સહુ છોકરાને અરીસાઓ ઠપકો આપે
કે જરા મોઢાઓ માંજો ને શોભો.

કારણ કે ફળિયાના હીંચકે આ છોકરી
એકલી બેસીને રોજ હીંચે.

માડી તારું કંકુ ખર્યુ ને સુરજ ઊગ્યો

ગીત - અવિનાશ વ્યાસ
સ્વર - હેમા દેસાઇ

હે મા,
મને તું જ આપે છે ઉત્તમ વિચારો,
બધા કહે છે, હું છું કવિ કેવો સારો.
શશી તારો ચહેરો છે, બુદ્ધિ સૂરજ છે,
શ્વસે તો બને તું હવાનો ઉતારો.
તું ચાલે તો લાગે ગતિ જન્મી હમણાં,
તું બેસે તો અટકે સમય એકધારો.
(પ્રસ્તાવના-શોભિત દેસાઇ)

હે મા…
માડી તારું કંકુ ખર્યુ ને સુરજ ઊગ્યો,
જગ માથે જાણે પ્રભુતાએ પગ મુક્યો,
કંકુ ખર્યુ ને સુરજ ઊગ્યો…
માડી તારું કંકુ ખર્યુ ને સુરજ ઊગ્યો.
મંદિર સર્જાયુ ને ઘંટારવ ગાજ્યો,
નભનો ચંદરવો માએ આંખ્યુંમાં આંજ્યો,
દિવો થાવા મંદિરનો ચાંદો આવી પૂગ્યો,
કંકુ ખર્યુ ને સુરજ ઊગ્યો…
માડી તારું કંકુ ખર્યુ ને સુરજ ઊગ્યો.
માવડીની કોટમાં તારાના મોતી,
જનનીની આંખ્યુમાં પૂનમની જ્યોતિ,
છડી રે પોકારી માનો મોરલો ટહુક્યો,
કંકુ ખર્યુ ને સુરજ ઊગ્યો…
માડી તારું કંકુ ખર્યુ ને સુરજ ઊગ્યો.
માવડીના રથના ઘૂઘરા રે બોલ્યા,
અજવાળી રાતે માએ અમરત ઢોળ્યાં,
ગગનનો ગરબો માના ચરણોમાં ઝુક્યો,
કંકુ ખર્યુ ને સુરજ ઊગ્યો…
માડી તારું કંકુ ખર્યુ ને સુરજ ઊગ્યો.

આ ગીત આશા ભોંસલેના કંઠે

હવે સાંભળો રાસબિહારી અને વિભા દેસાઇના સ્વરમાં

પંખીડાને આ પીંજરુ

સ્વર : મુકેશ,સોલી કાપડીયા
શબ્દ-સંગીત : અવિનાશ વ્યાસ

પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું લાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે

ઉમટ્યો અજંપો એને, પંડના રે પ્રાણનો
અણધાર્યો કર્યો મનોરથ દૂરના પ્રયાણનો
અણદીઠેલ દેશ જાવા, લગન એને લાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે

સોને મઢેલ બાજઠિયોને, સોને મઢેલ ઝૂલો
હીરે જડેલ વિંઝણો મોતીનો મોંઘો અણમોલો
પાગલના થઇએ ભેરુ, કોઇના રંગ લાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે

મુકેશ

સોલી કાપડીયા

ગુરુવાર, 1 જાન્યુઆરી, 2009

ઓ નીલ ગગનના પંખેરુ

ગીત : અવિનાશ વ્યાસ
સ્વર : મુકેશ, સોલી કાપડિયા

ઓ નીલ ગગનના પંખેરુ તું કાં નવ પાછો આવે
મને તારી યાદ સતાવે…

સાથે રમતાં, સાથે ફરતાં, સાથે નાવલડીમાં તરતાં
એક દરિયાનું મોજું આવ્યું વાર ન લાગી તુજને સરતાં
આજ લગી તારી વાટ જોઉં છું તારો કોઇ સંદેશો લાવે
મને તારી યાદ સતાવે…

તારા વિના ઓ જીવનસાથી જીવન સુનું સુનું ભાસે
પાંખો પામી ઉડી ગયો તું, જઈ બેઠો ઉંચે આકાશે
કેમ કરી હું આવું તારી પાસે મને કોઈ નવ માર્ગ બતાવે
મને તારી યાદ સતાવે…

મોરલા સમ વાટલડી જોઉં ઓરે મેહુલા તારી
વિનવું વારંવાર હું તુજને સાંભળ રે વિનંતી મારી
તારી પાસ છે સાધન સૌએ તું કાં નવ મને બોલાવે
મને તારી યાદ સતાવે…


આ જ ગીત સોલી કાપડિયાના અવાજમાં

છેલાજી રે


ગીત : અવિનાશ વ્યાસ (ફિલ્મ: સોન કંસારી - 1977)
સ્વર : સોનાલી બાજપાઇ
આલ્બમ : તારી આંખનો અફીણી

છેલાજી રે…..
મારે હાટુ પાટણથી પટોળાં મોંઘાં લાવજો ;
એમાં રૂડાં રે મોરલિયા ચિતરાવજો
પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે…..

રંગ રતુંબલ કોર કસુંબલ,
પાલવ પ્રાણ બિછાવજો રે
પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે…..

ઓલ્યા પાટણ શે’રની રે, મારે થાવું પદમણી નાર,
ઓઢી અંગ પટોળું રે, એની રેલાવું રંગધાર;
હીરે મઢેલા ચૂડલાની જોડ મોંઘી મઢાવજો રે,
પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે…..

ઓલી રંગ નીતરતી રે, મને પામરી ગમતી રે,
એને પહેરતાં પગમાં રે, પાયલ છમછમતી રે;
નથણી લવિંગિયાં ને ઝૂમખાંમાં મોંઘાં મોતી મઢાવજો રે,
પાટણથી પટોળાં મોંઘાં લાવજો….. છેલાજી રે….

પાંદડું લીલું ને રંગ રાતો

ફિલ્મઃ મહેંદી રંગ લાગ્યો (૧૯૬૦)
ગીતકારઃ અવિનાશ વ્યાસ
સંગીતકારઃ અવિનાશ વ્યાસ
સ્વરઃ લતા મંગેશકર ,મહેન્દ્ર કપૂર

પાંદડું લીલું ને રંગ રાતો
મારી મેંદીનો રંગ મદમાતો.

ભૂલી રે પડી હું તો રંગ ના બજારમાં
લાગ્યો મને રંગ કેરો છાંટો.. પાંદડું..

રેશમની કાયા તારી જાણે લજામણી
લટકંતી લટ તો જાણે ભૂલ રે ભૂલામણી,
રૂપને ઘેરીને બેઠો ઘૂંઘટનો છેડલો.
વાયરાની લ્હેરમાં લ્હેરાતો..પાંદડું..

રંગરસિયા,જરા આટલેથી અટકો,
દિલને લોભાવે તારા લોચનનો લટકો;
વારી વારી થાકી તોયે છેલ રે છબીલા
તું તો અણજાણે આંખમાં છુપાતો..પાંદડું..

છૂપી છૂપી કોણે મારું દિલડું દઝાડ્યું?
છૂપી છૂપી કોણે મને ઘેલું રે લગાડ્યું?
ક્યાં રે છુપાવું મારા દાઝેલા દિલને?
હાય! કાળજાની કોરે વાગ્યો કાંટો.. પાંદડું..

વેણુ વગાડતો

સ્વર: અચલ મહેતા

વેણુ વગાડતો … વેણુ વગાડતો
વેણુ વગાડતો, ગાયો હંકારતો
આયો જશોદાનો કાનડો …
વેણુ વગાડતો

માથે છે મોરપિચ્છ, કેડે કંદોરો
હળવેથી હળવેથી કાનુડો આવતો
પનઘટની કેડીએ મારગડો રોકતો …
વેણુ વગાડતો

સહિયર સૌ કાનને હેતે રમાડ્યા
મટકીથી મટકીથી મહીડા ચુરાવ્યા
મહીડા ચુરાવીને દલડા ચુરાવતો …
વેણુ વગાડતો