મારા સાયબર વિશ્વમાં આપનું હાર્દિક સ્વાગત છે.........

પ્રિય મિત્રો,
આપ સૌ મારા બ્લોગ પર અવારનવાર પધારો છો તે મારા માટે ખૂબ જ આનંદની વાત છે. પણ ઘણા મિત્રો તેમના અભિપ્રાય આપ્યા વગર જ જતા રહે છે, જે મને થોડું અધુરૂં લાગે છે. આપ સૌના અભિપ્રાય મારા માટે ઘણાં જ અગત્યના છે અને તે મને કંઈક વધુ સારું કરવાની પ્રેરણા અને ઉત્સાહ આપતા રહે છે. તો મિત્રો આપ જ્યારે-જ્યારે મારા બ્લોગની મુલાકાત લો ત્યારે આપના અમૂલ્ય અભિપ્રાય આપતા રહો તેવી અપેક્ષા.

સૌ મિત્રોને નમ્ર વિનંતિ કે અહીં મુકેલી રચનાઓ માત્ર સાંભળવા માટે જ છે, આથી મહેરબાની કરી ડાઉનલોડ માટે પૂછવું નહીં. આભાર.
મારા સંગ્રહમાંથી કેટલાંક આલ્બમના મુખપૃષ્ઠો:ગુરુવાર, 30 એપ્રિલ, 2009

પૂછો ના અમને પ્યારમાં

શબ્દ: ‘અમર’ પાલનપુરી
સ્વર: હરીશ સોની
આલ્બમ: ઉઝરડા

પૂછો ના અમને પ્યારમાં, શું શું થયું નથી;
સોગંદ તમારા, કાંઇ પણ બાકી રહ્યું નથી.
પૂછો ના અમને.....

નફરત કરી રહ્યા છો ભલે પ્યારથી તમે;
એ તો બતાવ, કોણ એ રસ્તે ગયું નથી.
સોગંદ તમારા કાંઇ પણ.....

આઘાત છે કે ધૈર્ય છે, એની ખબર નથી;
મારા નયનથી એક પણ અશ્રુ વહ્યું નથી.
સોગંદ તમારા કાંઇ પણ......

ઉપચારકોને છોડો, ‘અમર’ને જઇ મળો;
એવું કયું જે દર્દ છે જે, એણે સહ્યું નથી.
સોગંદ તમારા કાંઇ પણ.....

મંગળવાર, 28 એપ્રિલ, 2009

જીવનની શરૂઆત હતી

સ્વર: મનહર ઉધાસ

બાળપણમાંથી જવાની ને જવાનીથી જરા
જિંદગીના વસ્ત્રને બદલાવતો ચાલ્યો ગયો.

જીવનની શરૂઆત હતી તો ઢીંગલી સાથે પ્યાર કર્યો
હું એની સાથે રમતો’તો એ મારી સાથે રમતી’તી
હું કંઈ ના બોલી શકતો’તો એ પણ ક્યાં બોલી શકતી’તી
એ વચન વગરની પ્રીત હતી, એ ભાષા વિનાનો પ્યાર હતો
એ શબ્દ વિનાના ગીત હતા, એ બાળકનો સંસાર હતો

એ ઢીંગલી પણ છીનવાઈ ગઈ …
બે શબ્દ જરા હું શીખ્યો ને એ દોલત પણ લૂંટાઈ ગઈ

પછી આપની સાથે પ્યાર કર્યો,
મેં પાયલ સાથે પ્રીત કરી, કાળી આંખો સાથે પ્યાર કર્યો,
મીઠા શબ્દો ઉપર મીટ ધરી, ગોરા ગાલો સાથે પ્યાર કર્યો,
એ પ્રકરણ સંકેલાઈ ગયું ….
એ જામ ન આવ્યા હોઠ સુધી ને એ ઝરણું સૂકાઈ ગયું.

હવે બાકી એક જ પ્રીત રહી અને તે છે મૃત્યુ સાથેની ..
એમાં નિષ્ફળતાને સ્થાન નથી,
એક વાર મિલન જો થઈ જાયે પછી વિરહને ત્યાં અવકાશ નથી.

શનિવાર, 25 એપ્રિલ, 2009

મને રૂપાની ઝાંઝરી ઘડાવ

સ્વર : હંસા દવે
સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

મને રૂપાની ઝાંઝરી ઘડાવ, ઓ વ્હાલમ વરણાગી.
એને મીનાકારીથી મઢાવ, ઓ વ્હાલમ વરણાગી....

આભલા ભરેલી મને ઓઢણી અપાવી દે,
ઘાઘરાની કોરમાં મોરલો ચીતરાવી દે;
હે મારા કમખામાં ભાત્યું પડાવ, ઓ વ્હાલમ વરણાગી.
મને રૂપાની ઝાંઝરી ઘડાવ, ઓ વ્હાલમ વરણાગી....

ઝીણી-ઝીણી પાંદડીની નથણી ઘડાવી દે,
ગુંથેલા કેશમાં દામણી સજાવી દે;
હે મારા ડોકની હાંસડી બનાવ, ઓ વ્હાલમ વરણાગી.
મને રૂપાની ઝાંઝરી ઘડાવ, ઓ વ્હાલમ વરણાગી....

સોના ઇંઢોણી તાંબા ગરબો કોરાવી દે,
ગરબામાં મમતાથી દીવડા પ્રગટાવી દે;
હે ઢોલ-ત્રાંસા શરણાઇ મંગાવ, ઓ વ્હાલમ વરણાગી.
મને રૂપાની ઝાંઝરી ઘડાવ, ઓ વ્હાલમ વરણાગી....

શુક્રવાર, 24 એપ્રિલ, 2009

વનમાં વ્હાલમ વસંતના રે વાગે ઢોલ

સંગીત: રિષભ ગૃપ
સ્વર: અચલ મહેતા

વનમાં વ્હાલમ વાગે, વાગે વસંતના રે ઢોલ,
આંગણીયે આંબા મ્હોર્યા, આંબા મ્હોર્યા રે લોલ.

સીમે એવા રંગો છલકાયા,
મોરલાનાં ટહુકા સંભળાયા.
ભીની વસંતનાં લેતા વધામણા,
કેસૂડે હૈયા ખોલિયા રે લોલ, આંબા મ્હોર્યા રે લોલ.
વનમાં વ્હાલમ વાગે…

આવ્યા વસંતરાજ મહેંકી વનરાઈ,
ઉરમાં આશા પાંગરી.
ઘરઆંગણ મારું માંડ્યુ મહેંકવા,
રેલાયા વાયરા સુગંધના રે લોલ, આંબા મ્હોર્યા રે લોલ.
વનમાં વ્હાલમ વાગે…

મંગળવાર, 21 એપ્રિલ, 2009

અમાસ નિશ ઘનઘોરમાં (ડાંડિયો)

શબ્દ : કવિ નર્મદ
સંગીત : શૌનક પંડ્યા
સ્વર : અમન લેખડિયા, સત્યેન જગીવાલા, ઓજસ મહેતા
આલ્બમ : નર્મદધારા

અમાસ નિશ ઘનઘોરમાં, ચોરિ ધાડનો ભોય ,
ઘરમાં વસ્તી દીપની, બ્હાર ડાંડિની હોય .

ડાંડિ વગાડે ડાંડિયે, હોય ડાંડિયો જેહ;
મુકે ડાંડપણ ડાંડિયો, મસ્તી કરતો રેહ.

નહીં ડાંડિયા સ્હાંડિયા, પણ વળી લોક અજાણ ;
ન્હાનાં મ્હોટાં નાર નર, સરવે થાય સુજાણ.

ડાંડિની મ્હેનત થકી, ધજાડાંડિ સોહાય;
દેશતણો ડંકો વળી, બધે ગાજતો થાય.(અહીં રજૂ કરેલ કવિતામાં ઘણી જગ્યાએ જોડણી અલગ રીતે લખાઇ છે. જે ટાઇપીંગની ભૂલ નથી, પરંતુ નર્મદના સમયે લખાતી ગુજરાતી ભાષા મુજબ છે.
સંદર્ભ- “નર્મકવિતા”: ખંડ - 6 પાના નં.- 136 પ્રકાશક: કવિ નર્મદ યુગાવર્ત ટ્રસ્ટ, સૂરત.
સાભાર: ડૉ. વિવેક ટેલર)

શનિવાર, 11 એપ્રિલ, 2009

લ્યો અમે તો આ ચાલ્યાં

આજે અમે અઠવાડિયા માટે વેકેશન પર જઇએ છીએ. આવતા અઠવાડિયે ફરી મળીશું


શબ્દ: તુષાર શુક્લ
સ્વર: આશિત દેસાઇ, આરતી મુન્શી
સંગીત: શ્યામલ-સૌમિલ મુન્શી
આલ્બમ: હસ્તાક્ષર

શબ્દ કેરી પ્યાલીમાં સૂરની સુરા પીને લ્યો, અમે તો આ ચાલ્યાં.
મસ્ત બે-ખયાલીમાં લાગણી આલાપી ને લ્યો, અમે તો આ ચાલ્યાં.

જે ગમ્યું તે ગાયું છે ને જે પીધું તે પાયું છે, મ્હેકતી હવાઓમાં કૈંક તો સમાયું છે;
ચાંદનીને હળવેથી નામ એક આપીને લ્યો, અમે તો આ ચાલ્યાં.

જે કંઇ જીવાયું ને જીવવા જે ધાર્યું’તું સાચવીને રાખ્યું’તું, અશ્રુ એ જે સાર્યું’તું;
ડાયરીના પાનાની એ સફરને કાપીને લ્યો, અમે તો આ ચાલ્યાં.

ફૂલ ઉપર ઝાકળનું બે ઘડી ઝળકવાનું યાદ તોયે રહી જાતું બેઉને આ મળવાનું;
અંતરના અંતરને એમ સ્હેજ માપીને લ્યો, અમે તો આ ચાલ્યાં.

શુક્રવાર, 10 એપ્રિલ, 2009

જિંદગીમાં જેટલા માઠા અનુભવ થાય છે


શબ્દ : બાલુભાઇ પટેલ
સ્વર : આશિત દેસાઇ
સંગીત : તલત અઝીઝ
આલ્બમ : લાગણી

જિંદગીમાં જેટલા માઠા અનુભવ થાય છે,
જીવવા માટે જ એ સાચા અનુભવ થાય છે.

નોંધ રાખો આવતી પેઢીને પણ ખપ લાગશે,
વાટમાં જે કંઈ ખરા ખોટા અનુભવ થાય છે !

સામી છાતીના પ્રહારોમાં નથી સરખાપણું,
પીઠ પાછળનાં બધાં સરખાં અનુભવ થાય છે.

'બાલુ'ની વિઘ્નો વિષેની ધારણા ખોટી પડી,
મિત્ર ઓછા હોય તો ઓછા અનુભવ થાય છે!
જીવવા માટે જ એ સાચા અનુભવ થાય છે.

ગુરુવાર, 9 એપ્રિલ, 2009

પ્રીત બાંધી જરા જોજો

શબ્દ: ‘અમર’ પાલનપુરી
સ્વર: હરીશ સોની
આલ્બમ: ઉઝરડા


પ્રીત બાંધી જરા જોજો,
ઝેર ચાખી જરા જોજો,
પ્રીત બાંધી જરા જોજો.....

વાયુ વેરી બની જાશે,
હાથ આપી જરા જોજો.
પ્રીત બાંધી જરા જોજો....

પ્રશ્ન લાખો ઉઠે ત્યારે,
મૌન રાખી જરા જોજો.
પ્રીત બાંધી જરા જોજો.....

દુનિયા કેવી ભિખારણ છે,
કંઇક માગી જરા જોજો.
પ્રીત બાંધી જરા જોજો.....

કર્ણ તો છે ‘અમર’ દિલમાં,
ટહેલ નાખી જરા જોજો.
પ્રીત બાંધી જરા જોજો....

શ્રી હનુમાન ચાલીસા

આજે હનુમાન જયંતિ નિમિત્તે
ઊદિત નારાયણ

અલકા યાજ્ઞિક

॥ दोहा ॥
॥ દોહા ॥

श्री गुरु चरन सरोज रज, निज मन मुकुरु सुधारि ।
बरनउं रघुबर बिमल जसु, जो दायकु फल चारि ॥
શ્રી ગુરૂ ચરન સરોજ રજ, નિજ મન મુકુરૂ સુધારિ |
બરનઉં રઘુબર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારિ ॥
ભાવાર્થ - શ્રી મહારાજના ચરણ કમળોની ધૂળથી મારા મનરૂપી દર્પણને પવિત્ર કરી મેં શ્રી રઘુવીરના નિર્મલ યશનું વર્ણન કરું છું, જે ચારો ફળ (ધર્મ, અર્થ, કામ, અને મોક્ષ) આપનાર છે.

बुद्धिहीन तनु जानके, सुमिरौं पवन कुमार ।
बल बुद्धि विद्या देहु मोहिं, हरहु कलेश विकार ॥
બુદ્ધિહીન તનુ જાનકે, સુમિરૌં પવન કુમાર |
બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિં, હરહુ કલેશ વિકાર ॥
ભાવાર્થ - હે પવનપુત્ર, મેં આપનું સ્મરણ કરું છું. આપ તો જાણો જ છો કે મારું શરીર અને બુદ્ધિ નિર્બળ છે. મને શારીરિક બળ, સદબુદ્ધિ, તથા જ્ઞાન આપો અને મારા દુઃખો તથા દોષોનું હરણ કરો.

॥ चौपाई ॥
॥ ચૌપાઈ ॥

जय हनुमान ज्ञान गुन सागर । जय कपीस तिहुं लोक उजागर ॥
જય હનુમાન જ્ઞાન ગુન સાગર | જય કપીસ તિહું લોક ઉજાગર ॥
ભાવાર્થ - હે કેસરીનન્દન, આપની જય હો ! આપના જ્ઞાન અને ગુણની કોઈ સીમા નથી. હે કપીશ્વર ! આપની જય હો ! ત્રણેય લોકો (સ્વર્ગ-લોક, ભૂ-લોક, અને પાતાળ-લોક) માં આપની કીર્તિ ઉજાગર છે.

रामदूत अतुलित बल धामा । अंजनि पुत्र पवन सुत नामा ॥
રામદૂત અતુલિત બલ ધામા | અંજનિ પુત્ર પવન સુત નામા ॥
ભાવાર્થ - હે પવનસુત, અંજનીનન્દન ! શ્રી રામદૂત ! આ સંસારમાં આપની સમાન બીજું કોઇ પણ બળવાન નથી.

महावीर विक्रम बजरंगी । कुमति निवार सुमति के संगी ॥
મહાવીર વિક્રમ બજરંગી | કુમતિ નિવાર સુમતિ કે સંગી ॥
ભાવાર્થ - હે બજરંગબલી ! આપ મહાવીર અને વિશિષ્ટ પરાક્રમી છો. આપ દુર્બુદ્ધિને દૂર કરનાર છો અને સુબુદ્ધિના સહાયક છો.

कंचन बरन विराज सुवेसा । कानन कुण्डल कुंचित केसा ॥
કંચન બરન વિરાજ સુવેસા | કાનન કુણ્ડલ કુંચિત કેસા ॥
ભાવાર્થ - આપનો રંગ કંચન જેવો છે. સુન્દર વસ્ત્રોંથી તથા કાનોમાં કુણ્ડળ અને ધુંધરાળા વાળોથી આપ સુશોભિત છો.

हाथ बज्र और ध्वजा बिराजै । कांधे मूंज जनेऊ साजै ॥
હાથ બજ્ર ઔર ધ્વજા બિરાજૈ | કાંધે મૂંજ જનેઊ સાજૈ ॥
ભાવાર્થ - આપના હાથમાં વજ્ર અને ધ્વજા છે તથા આપના કાન્ધા પર મૂંજની જનોઈ શોભાયમાન છે.

शंकर सुवन केसरी नन्दन । तेज प्रताप महा जग बन्दन ॥
શંકર સુવન કેસરી નન્દન | તેજ પ્રતાપ મહા જગ બન્દન ॥
ભાવાર્થ - હે શંકર ભગવાનના અંશ ! કેસરીનન્દન ! આપના પરાક્રમ અને મહાન યશની આખા સંસારમાં વન્દના થાય છે.

विद्यावान गुनी अति चातुर । राम काज करिबे को आतुर ॥
વિદ્યાવાન ગુની અતિ ચાતુર | રામ કાજ કરિબે કો આતુર ॥
ભાવાર્થ - આપ અત્યંત ચતુર, વિદ્યાવાન, અને ગુણવાન છો. આપ સદા ભગવાન શ્રીરામના કાર્યો કરવા માટે આતુર રહો છો.

प्रभु चरित्र सुनिबे को रसिया । राम लखन सीता मन बसिया ॥
પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા | રામ લખન સીતા મન બસિયા ॥
ભાવાર્થ - આપ શ્રીરામના ગુણગાન સાંભળવામાં આનન્દ રસનો અનુભવ કરો છો. માતા સીતા અને લક્ષ્મણ સહિત ભગવાન શ્રીરામ આપના મન અને હ્રદયમાં વસે છે.

सूक्ष्म रूप धरि सियहिं दिखावा । विकट रूप धरि लंक जरावा ॥
સૂક્ષ્મ રૂપ ધરિ સિયહિં દિખાવા | વિકટ રૂપ ધરિ લંક જરાવા ॥
ભાવાર્થ - આપે અતિ સૂક્ષ્મ રૂપ ધારણ કરી માતા સીતાને બતાવ્યું તથા વિરાટ રૂપ ધારણ કરી રાવણની લંકાને સળગાવી નાખી.

भीम रुप धरि असुर संहारे । रामचन्द्र जी के काज संवारे ॥
ભીમ રૂપ ધરિ અસુર સંહારે | રામચન્દ્ર જી કે કાજ સંવારે ॥
ભાવાર્થ - આપે ભીમ (અથવા ભયંકર) રૂપ ધારણ કરી રાક્ષસોંનો સંહાર કર્યો અને ભગવાન શ્રી રામના ઉદ્દેશ્યને સફળ બનાવવામાં સહયોગ આપ્યો.

लाय संजीवन लखन जियाये । श्री रघुबीर हरषि उर लाये ॥
લાય સંજીવન લખન જિયાયે | શ્રી રઘુબીર હરષિ ઉર લાયે ॥
ભાવાર્થ - આપે સંજીવની બુટ્ટી લાવી લક્ષ્મણજી ને પ્રાણ દાન આપ્યું અને શ્રીરામે હર્ષિત થઇને આપને હ્રદયથી લગાવી દીધા.

रघुपति कीन्हीं बहुत बड़ाई । तुम मम प्रिय भरतहि सम भाई ॥
રઘુપતિ કીન્હીં બહુત બડ઼ાઈ | તુમ મમ પ્રિય ભરતહિ સમ ભાઈ ॥
ભાવાર્થ - હે અંજનીનન્દન ! શ્રીરામે આપની ખુબજ પ્રશંસા કરી અને કહ્યું કે હનુમાન મને ભાઇ ભરત સમાન પ્રિય છે.

सहस बदन तुम्हारो यस गावैं । अस कहि श्रीपति कठं लगावैं ॥
સહસ બદન તુમ્કારિ યસ ગાવૈં | અસ કહિ શ્રીપતિ કઠં લગાવૈં ॥
ભાવાર્થ - “હજારો મુખોથી આપનું યશોગાન હો” એવું કહીને શ્રીરામચન્દ્રજીએ આપને તેમના હ્રદયથી લગાવી દીધા.

सनकादिक ब्रह्मादि मुनिसा । नारद सारद सहित अहीसा ॥
સનકાદિક બ્રહ્માદિ મુનિસા | નારદ સારદ સહિત અહીસા ॥
ભાવાર્થ - શ્રીસનતકુમાર, શ્રીસનાતન, શ્રીસનક, શ્રીસનન્દન આદિ મુનિ, બ્રહ્મા આદિ દેવતા, શેષનાગજી બધા આપનું ગુણગાન કરે છે.

जम कुबेर दिक्पाल जहां ते । कवि कोविद कहि सके कहां ते ॥
જમ કુબેર દિક્પાલ જહાં તે | કવિ કોવિદ કહિ સકે કહાં તે ॥
ભાવાર્થ - યમ, કુબેર આદિ તથા બધી દિશાઓના રક્ષક, કવિ, વિદ્વાન કોઇ પણ આપના યશનું સંપૂર્ણ વર્ણન કરવામાં સક્ષમ નથી.

तुम उपकार सुग्रीवहिं कीन्हा । राम मिलाय राज पद दीन्हा ॥
તુમ ઉપકાર સુગ્રીવહિં કીન્હા | રામ મિલાય રાજ પદ દીન્હા ॥
ભાવાર્થ - આપે વાનરરાજ સુગ્રીવની શ્રીરામચન્દ્રજી સાથે મુલાકાત કરાવી તેમના પર ઉપકાર કર્યો. એમને રાજા બનાવી દીધા.

तुम्हरो मंत्र विभीषण माना । लंकेश्वर भये सब जग जाना ॥
તુમ્હરો મંત્ર વિભીષણ માના | લંકેશ્વર ભયે સબ જગ જાના ॥
ભાવાર્થ - આપના પરામર્શનું વિભીષણજીએ અનુકરણ કર્યું, જેના ફલસ્વરૂપે તેઓ લંકાના રાજા બન્યા, આ વાત આખું સંસાર જાણે છે.

जुग सहस्त्र योजन पर भानू । लील्यो ताहि मधुर फल जानू ॥
જુગ સહસ્ત્ર યોજન પર ભાનૂ | લીલ્યો તાહિ મધુર ફલ જાનૂ ॥
ભાવાર્થ - જે સૂર્ય હજારો યોજન દૂર છે, જ્યા સુધી પહોંચવામાં હજારો યુગ લાગે છે, એ સૂર્યને આપ મીઠુ ફળ જાણીને ગળી ગયા.

प्रभु मुद्रिका मेलि मुख माहीं । जलधि लांघि गये अचरज नाहीं ॥
પ્રભુ મુદ્રિયા મેલિ મુખ માહીં | જલધિ લાંઘિ ગયે અચરજ નાહીં ॥
ભાવાર્થ - આપે ભગવાન શ્રીરામ દ્વારા આપેલ વીંટી (અંગૂઠી, મુદ્રિકા) મુખમાં રાખી સમુદ્ર પાર કર્યો. આપના માટે આમ સમુદ્ર ઓળંગવું કોઇ આશ્ચર્યની વાત નથી.

दुर्गम काज जगत के जेते । सुगम अनुग्रह तुम्हरे तेते ॥
દુર્ગમ કાજ જગત કે જેતે | સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે ॥
ભાવાર્થ - સંસારના કઠિન-થી-કઠિન કામ આપની કૃપાથી સહજતાથી પૂરા થઇ જાય છે.

राम दुआरे तुम रखवारे । होत न आज्ञा बिनु पैसारे ॥
રામ દુઆરે તુમ રખવારે | હોત ન આજ્ઞા બિનુ પૈસારે ॥
ભાવાર્થ - આપ શ્રીરામચન્દ્રજીના મહેલના દ્વારપાલ છો, આપની આજ્ઞા વિના જેમા કોઇ પ્રવેશ નથી કરી શકતું.

सब सुख लहै तुम्हारी सरना । तुम रक्षक काहू को डरना ॥
સબ સુખ લહૈ તુમ્હારી સરના | તુમ રક્ષક કાહૂ કો ડરના ॥
ભાવાર્થ - આપની શરણમાં આવનાર વ્યક્તિને બધા સુખ પ્રાપ્ત થઇ જાય છે અને કોઇ પ્રકારનો ભય નથી રહેતો.

आपन तेज सम्हारो आपै । तीनहु लोक हांक ते कांपै ॥
આપન તેજ સમ્હારો આપૈ | તીનહુ લોક હાંક તે કાંપૈ ॥
ભાવાર્થ - આપના વેગને કેવળ આપ જ સહન કરી શકો છો. આપની સિંહ ગર્જનાથી ત્રણેય લોકોના પ્રાણી કાંપી ઊઠે છે.

भूत पिशाच निकट नहिं आवै । महावीर जब नाम सुनावै ॥
ભૂત પિશાચ નિકટ નહીં આવૈ | મહાવીર જબ નામ સુનાવૈ ॥
ભાવાર્થ - હે અંજનિપૂત્ર ! જે આપના “મહાવીર” નામનું જપ કરે છે, ભૂત-પિશાચ જેવી દુષ્ટ આત્માઓ એનાથી દૂર રહે છે.

नासै रोग हरै सब पीरा । जपत निरंतर हनुमत वीरा ॥
નાસૈ રોગ હરૈ સબ પીરા | જપત નિરંતર હનુમત વીરા ॥
ભાવાર્થ - હે વીર હનુમાનજી ! આપના નામનું નિરંતર જપ કરવાથી બધા રોગ નષ્ટ થઇ જાય છે અને બધા કષ્ટ પણ દૂર થઇ જાય છે.

संकट ते हनुमान छुड़ावै । मन-क्रम-बचन ध्यान जो लावै ॥
સંકટ તે હનુમાન છુડ઼ાવૈ | મન-ક્રમ-બચન ધ્યાન જો લાવૈ ॥
ભાવાર્થ - જે મન-પ્રેમ-વચનથી પોતાનું ધ્યાન આપનામાં લગાવે છે, તેમને બધા દુઃખોથી આપ મુક્ત કરી દો છો.

सब पर राम तपस्वी राजा । तिनके काज सकल तुम साजा ॥
સબ પર રામ તપસ્વી રાજા | તિનકે કાજ સકલ તુમ સાજા ॥
ભાવાર્થ - રાજા શ્રીરામચન્દ્રજી સર્વશ્રેષ્ઠ તપસ્વી છે, તેમના બધા કાર્યોને આપે પૂર્ણ કર્યા છે.

और मनोरथ जो कोई लावै । सोइ अमित जीवन फल पावै ॥
ઔર મનોરથ જો કોઈ લાવૈ | સોઇ અમિત જીવન ફલ પાવૈ ॥
ભાવાર્થ - આપની કૃપાના પાત્ર જીવ કોઇપણ અભિલાષા કરે, એને તુરંત ફળ મળે છે. જીવ જે ફળ પ્રાપ્તિની કલ્પના પણ નથી કરી શકતો, એ ફળ એને આપની કૃપાથી મળી જાય છે. અર્થાત્ એની બધી મંગળકામનાઓ પૂર્ણ થઇ જાય છે.

चारों जुग परताप तुम्हारा । है परसिद्ध जगत उजियारा ॥
ચારોં હુગ પરતાપ તુમ્હારા | હૈ પરસિદ્ધ જગત ઉજિયારા ॥
ભાવાર્થ - આપનો યશ ચારો યુગો (સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, તથા કલિયુગ) માં વિદ્યમાન છે. સમ્પૂર્ણ સંસારમાં આપની કીર્તિ પ્રકાશમાન છે. આખું સંસાર આપનું ઉપાસક છે.

साधु संत के तुम रखवारे । असुर निकन्दन राम दुलारे ॥
સાધુ સંત કે તુમ રખવારે | અસુર નિકન્દન રામ દુલારે ॥
ભાવાર્થ - હે રામચન્દ્રજીના દુલારા હનુમાનજી ! આપ સાધુ-સંતો તથા સજ્જનો અર્થાત્ ધર્મની રક્ષા કરો છો તથા દુષ્ટોનો સર્વનાશ કરો છો.

अष्ट सिद्धि नव निधि के दाता । अस वर दीन जानकी माता ॥
સષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા | અસ વર દીન જાનકી માતા ॥
ભાવાર્થ - હે કેસરીનન્દન ! માતા જાનકીએ આપને એવું વરદાન આપ્યું છે, જેના કારણે આપ કોઇપણ ભક્તને “આઠ સિદ્ધિ” અને “નવ નિધિ” પ્રદાન કરી શકો છો.
આઠ સિદ્ધિઆ — અણિમા - સાધક અદ્ર્શ્ય રહે છે અને કઠિન-થી-કઠિન પદાર્થમાં પ્રવેશ કરી શકે છો. મહિમા - યોગી પોતાને વિરાટ બનાવી લે છે. ગરિમા - સાધક પોતાની ઇચ્છા મુજબ વજન વધારી શકે છે. લઘિમા - સાધક પોતાની ઇચ્છા મુજબ વજન ઘટાડી શકે છે. પ્રાપ્તિ - મનવાંછિત પદાર્થની પ્રાપ્તિ થાય છે. પ્રાકામ્ય - ઇચ્છા કરવા પર સાધક પૃથ્વીમાં ભળી શકે છે અથવા આકાશમાં ઊડી શકે છે. ઈશિત્વ - બધા પર શાસન કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે. વશિત્વ - અન્ય કોઈને વશમાં કરી શકાય છે.
નવ નિધિઆ — પદ્મ, મહાપદ્મ, શંખ, મકર, કચ્છપ, મુકુન્દ, કુન્દ, નીલ, બર્ચ્ચ - આ નૌ નિધિઆ કહેવામાં આવી છે.

राम रसायन तुम्हरे पासा । सदा रहो रघुपति के दासा ॥
રામ રસાયન તુમ્હરે પાસા | સદા રહો રઘુપતિ કે દાસા ॥
ભાવાર્થ - આપ સદૈવ શ્રીરઘુનાથજીની શરણમાં રહો છો તેથી આપની પાસે વૃદ્ધાવસ્થા અને અન્ય અસાધ્ય રોગોના નાશ માટે “રામ-નામ” રૂપી રસાયણ (ઔષધિ) છે.

तुम्हरे भजन राम को पावै । जनम जनम के दुख बिसरावै ॥
તુમ્હરે ભજન રામ કો પાવૈ | જમન જનમ કે દુખ બિસરાવૈ ॥
ભાવાર્થ - આપના ભજન કરનાર ભક્તને ભગવાન શ્રીરામજીના દર્શન થાય છે અને એના જન્મ-જન્માંતરના દુખ દૂર થઇ જાય છે.

अंतकाल रधुबर पुर जाई । जहां जन्म हरि भक्त कहाई ॥
સંતકાલ રઘુબર પુર જાઈ | જહાં જન્મ હરિ ભક્ત કહાઈ ॥
ભાવાર્થ - આપના ભજનના પ્રભાવથી પ્રાણી અંત સમય શ્રીરઘુનાથજીના ધામે જાય છે. જો મૃત્યુલોકમાં જન્મ લેશે તો ભક્તિ કરશે અને શ્રીહરિ ભક્ત કહેવાશે.

और देवता चित्त न धरई । हनुमत सेइ सर्व सुख करई ॥
ઔર દેવતા ચિત્ત ન ધરઈ | હનુમત સેઇ સર્વ સુખ કરઈ ॥
ભાવાર્થ - હે હનુમાનજી ! જો ભક્ત સાચા મનથી આપની સેવા કરે છે તો એને બધા પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે. એને અન્ય કોઇ દેવતાની પૂજા કરવાની આવશ્યકતા નથી રહેતી.

संकट कटै मिटै सब पीरा । जो सुमिरै हनुमत बलबीरा ॥
સંકટ કટૈ મિટૈ સબ પીરા | જો સુમિરૈ હનુમત બલબીરા ॥
ભાવાર્થ - હે બળવીર હનુમાનજી ! જે વ્યક્તિ માત્ર આપનું સ્મરણ કરે છે, એના બધા સંકટ મટી જાય છે અને બધી પીડાઓ પણ મટી જાય છે.

जय जय जय हनुमान गोसाइँ । कृपा करहु गुरु देव की नाइँ ॥
જય જય જય હનુમાન ગોસાઇઁ | કૃપા કરહુ ગુરૂ દેવ કી નાઇઁ ॥
ભાવાર્થ - હે વીર હનુમાનજી ! આપની સદા જય હો, જય હો, જય હો. આપ મુજ પર શ્રીગુરૂજીની સમાન કૃપા કરો જેથી મેં સદા આપની ઉપાસના કરતો રહું.

जो शत बार पाठ कर कोई । छूटहिं बन्दि महा सुख होई ॥
જો શત બાર પાઠ કર કોઈ | છૂટહિં બન્દિ મહા સુખ હોઈ ॥
ભાવાર્થ - જે વ્યક્તિ શુદ્ધ હ્રદયથી પ્રતિદિન આ હનુમાન ચાલીસાનો સો વાર પાઠ કરશે તે બધા સાંસારિક બંધનો થી મુક્ત થશે અને તેને પ્રેમાનંદની પ્રાપ્તિ થશે.

जो यह पढ़े हनुमान चालीसा । होय सिद्धि साखी गौरीसा ॥
જો યહ પઢ઼ે હનુમાન ચાલીસા | હોય સિદ્ધિ સાખી ગૌરીસા ॥
ભાવાર્થ - ગૌરી પતિ શંકર ભગવાને આ હનુમાન ચાલીસા લખાવી તેથી તેઓ સાક્ષી છે કે જે આ હનુમાન ચાલીસા વાચસે તેને નિશ્ચય સિદ્ધિ પ્રાપ્ત થશે.

तुलसीदास सदा हरी चेरा । कीजै नाथ ह्रदय मंह डेरा ॥
તુલસીદાસ સદા હરી ચેરા | કીજૈ નાથ હ્રદય મંહ ડેરા ॥
ભાવાર્થ - હે મારા નાથ હનુમાનજી ! ‘તુલસીદાસ’ સદા “શ્રીરામ” ના દાસ છે, તેથી આપ એમના હ્રદયમાં સદા નિવાસ કરો.

पवन तनय संकट हरन, मंगल मूरति रूप ।
राम लखन सीता सहित, ह्रदय बसहु सुर भूप ॥
પવન તનય સંકટ હરન, મંગલ મૂરતિ રૂપ |
રામ લખન સીતા સહિત, હ્રદય બસહુ સુર ભૂપ ॥
ભાવાર્થ -­ હે પવનપુત્ર ! આપ બધા સંકટોના હરણ કરનાર ચો, આપ મંગળ મુરત રૂપ છો. મારી પ્રાર્થના છે કે આપ શ્રીરામ, શ્રીજાનકી તથા લક્ષ્મણજી સહિત સદા મારા હ્રદયમાં નિવાસ કરો.

॥ इति ॥
॥ ઇતિ ॥
સાભાર જયેશ ઉપાધ્યાય

મંગળવાર, 7 એપ્રિલ, 2009

સદીઓથી એવું જ બનતું રહ્યું છે

સ્વર: મનહર ઉધાસ

સદીઓથી એવું જ બનતું રહ્યું છે
કે પ્રેમાળ માણસ નથી ઓળખાતા
સખી જેને જોવા તું ચાહી રહી છે
જે સપનું રહે છે હંમેશા અધુરું
પ્રિતમનો પરિચય તું માંગી રહી છે

વિષય તારો સુંદર કૂતુહલ મધુરું
લે સાંભળ એ સામાન્ય એક આદમી છે
હૃદય એનું ભોળું જીવન એનું સાદું
ન ચહેરો રુપાળો ન વસ્ત્રોમાં ઠસ્સો
ન આંખોમાં ઓજસ ન વાતોમાં જાદુ

કવિતાના પણ એ નથી ખાસ રસિયા
ન સંગીતમાં કંઈ ગતાગમ છે એને
પસંદ એ નથી કરતાં કિસ્સા કહાણી
કલાથી યે ન કોઈ સમાગમ છે એને

એ મૂંગા જ મહેફિલમાં બેસી રહે છે
છે ચૂપકિદી એની સદંતર નિખાલસ
નથી એની પાસે દલીલોની શક્તિ
કદી પણ નથી કરતાં ચર્ચાનું સાહસ

જુવે કોઈ એને તો હરગીઝ ના માને
કે આ માનવીમાં મોહબ્બત ભરી છે
કોઈના બુરામાં ના નિંદા કોઈની
નસેનસમાં એની શરાફત ભરી છે

જગતની ધમાલોથી એ પર રહે છે
છે પોતાને રસ્તે જ સૂરજની માફક
સખી મારા પ્રિતમની છે એ જ ઓળખ
છે સૌ લોક માટે જીવન એનું લાયક

ગરીબોની પાસે કે રાજાની પડખે
જગા કોઈ પણ હો એ શોભી શકે છે
પરંતુ સખી આવી દુનિયાની અંદર
ભલા એવા માણસને કોણ ઓળખે છે?

લો કરું કોશિશ

શબ્દ: રાજેન્દ્ર શુક્લ
સ્વર: જયદીપ સ્વાદિયા


લો કરું કોશિશ ને ફાવે તો કહું,
શબ્દ જો એને સમાવે તો કહું!

આપની નજરો જે ફરમાવી રહી,
એ ગઝલ જો યાદ આવે તો કહું!

શાંત જળમાં એક પણ લહરી નથી,
કોઇ થોડું ખળભળાવે તો કહું!

હું કદી ઊંચા સ્વરે બોલું નહીં,
એકદમ નજદીક આવે તો કહું!

કોઇને કહેવું નથી, એવું નથી,
સહેજ તૈયારી બતાવે તો કહું!

જયદીપ સ્વાદિયા

???

સોમવાર, 6 એપ્રિલ, 2009

લાગણીવશ હૃદય


શબ્દ: ગની દહીંવાલા
સંગીત: ભરત પટેલ
સ્વર: નિગમ ઉપાધ્યાય
આલ્બમ: એક મેકના મન સુધી

તું ન માને કહ્યું, તું ન વર્તે સમય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !
છે મને રાત દી એક તારો જ ભય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !

જોતજોતામાં થઇ જાય તારું દહન, વાતોવાતોમાં થઇ જાય અશ્રુ-વહન,
દવ દીસે છે કદી તો કદી જળપ્રલય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !

કોઇ દુખિયાનું દુઃખ જોઇ ડૂબી જવું, હોય સૌન્દર્ય સામે તો કહેવું જ શું !
અસ્ત તારો ઘડીમાં, ઘડીમાં ઉદય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !

એ ખરું છે, કે દુઃખ મુજથી સે’વાય ના, એ ય સાચું તને કાંઈ કે’વાય ના,
હાર એને ગણું કે ગણું હું વિજય ? લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !

આભ ધરતીને આવી ભલેને અડે, તારે પગલે જ મારે વિહરવું પડે !
તારી હઠ પર છે કુરબાન લાખો વિનય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !

મારે પડખે રહી કોઈનો દમ ન ભર, સાવ બાળક ન બન, ઉદ્ધતાઈ ન કર !
બીક સંજોગની છે, બૂરો છે સમય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !

એક વાતાવરણ સરજીએ હર પળે, આ જગતની સભા કાન દઈ સાંભળે,
હું કવિતા બનું, તું બની જા વિષય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !

એક સોનેરી અપરાધની તું સજા, પાત્રમાં દુઃખના જાણે ભરી છે મઝા,
જખ્મ રંગીન છે, દર્દ આનંદમય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !

પારકી આગમાં જઈને હોમાય છે, તારે કારણ ‘ગની’ પણ વગોવાય છે,
લોકચર્ચાનો એ થઈ પડ્યો છે વિષય, લાગણીવશ હૃદય ! લાગણીવશ હૃદય !

રવિવાર, 5 એપ્રિલ, 2009

કબીરવડઃ ભૂરો ભાસ્યો ઝાંખો

શબ્દ: નર્મદ
સંગીત: મેહુલ સુરતી,
સ્વર : પાર્થિવ ગોહિલ
આલ્બમ: નર્મદધારા

ભુરો ભાસ્યો ઝાંખો, દૂરથિ ધુમસે પ્હાડ સરખો,
નદી વચ્ચે ઊભો, નિરભયપણે એકસરખો;
દિસ્યો હાર્યો જોદ્ધો, હરિતણું હૃદે ધ્યાન ધરતો,
સવારે એકાંતે, કબીરવડ એ શોક હરતો.

કદે દેખાવે એ, અચરતિ જણાએ જગતમાં,
ખરી મ્હોરાંનો, મગરૂબ રહે દેશ નવ કાં?
મનાએ સત્સંગે, પવિતર કબીરાભગતમાં,
પ્રજાની વૃદ્ધિએ, નિત અમર કહેવાય નવ કાં?

જતાં પાસે જોઊં, વડ નહીં વડોનૂં વન ખરે,
મળે આડા ઊભા, અતિ નિકટ નીચે ઉપર જે;
વડો ઝાઝા તોએ, સહુ ભળી ગયે એક દીસતો,
વળી સંધાઓનું, અસલ જિવતૂં એક મુળ તો.

કિયૂં ડાળૂં પ્હેલૂં, કંઇ ન પરખાએ શ્રમ કરે ,
ઘસેડ્યો પાડીને, અસલવડ રેલે જણ કહે;
તણાયા છે ભાગો, ઘણિ વખત જો એ વડ તણા,
તથાપી એ થાએ, ફુટવિસ ગુણ્યા સો પરિઘમાં.

ફૂટી ડાળોમાંથી, પ્રથમ તરુ કેરી નીકળતા,
ખુંચે તેવા તંતૂ, વધિ જઈ નિચે જે લટકતા;
જટાની શોભાથી, અતિશ શરમાઈ શિવ ઊઠ્યા,
જટાને સંકેલી, વડ તજી ગિરિયે જઈ રહ્યા.

જટા લાંબી લાંબી, મુળ થડથિ થોડેક દૂર જે,
નિચે ભૂમીસાથે, અટકિ પછિ પેસે મહિં જતે;
મળી મૂળીયાંમાં, ફરી નિકળિ આવે તરુરુપે,
થડો બાંધી મોટાં, ઘણિક વડવાઈ કરિ રહે.

વળી ડાળો મોટી, ઘણિક વડવાઇથિ નિકળે ,
જટા પાછી જેને, અસલ પરમાણે જ લટકે;
નવાં બાંધી થાળાં, નવિન વટવાઇ ઉગિ બને,
નહીં ન્હાની ન્હાની, પણ મુળ તરૂતુલ્ય જ કદે.

વડો વચ્ચે વચ્ચે, તરુ અવર આસોપાલવનાં,
વડોથી ઊંચાં છે, ખિચખિચ ભર્યાં પત્રથિ ઘણાં;
ઘણા આંબા ભેગા, વળિ ઘણિક સીતાફળિ ઉગે,
બિજાં ઝાડો છોડો, વડનિ વચમાં તે જઈ ઘૂસે.

ઉનાળાનો ભાનૂ, અતિશ મથિ ભેદી નવશકે,
ઘટા ઊંચે એવે, જન શીતળ છાયા સુખ લિયે;
ખુલી બાજૂઓથી, બહુ પવન આવી જમિનને,
કરે ચોખ્ખી રૂડી, પછિ મિત થઈને ખુશિ કરે.

ઘણાં જંતૂ પંખી, અમળ સુખ પામે અહિં રહી,
ઘણાં જાત્રાળુઓ, અહીં ઊતરતાં પુણ્ય સમજી;
ઘણા શીકારીઓ, ગમત કરતા રેહ બહુ અહીં,
હજારો લોકોને, અડચણ સમાતાં અહિં નહીં.

અહીંયાંથી જોવી, ચકચકતિ વ્હેતી નદિ દુરે,
પશૂ કો જોવાં જે, અહિં તહિં ચરે બેટ ઉપરે.
ઘટા ભારે જોવી, શબદ સુણવા કોઈ ખગના,
દિલે વાયૂ લેવો, સુખ નવ હિણા લે કરમના.

ઘટા થાળાં લીધે, ઘણિક ફરવાને ગલિ થઈ,
બખોલો બંધાઈ, રમણિય બહૂ બેઠક બની;
નિરાંતે જેમાં તો, ખુશિથકિ રમે લાલ લલના,
નિરાંતે જેમાં તો, ખુશિથકિ રહે જોગિ જપમાં.

દીપે છાયી જાડાં, હરિત કુમળાં પત્ર ઠુમસાં,
વળી રાતા ટેટા, ચુગિ બહુ જિવો પેટ ભરતા;
પડે બાજૂએથી, બહુ ખુસનુમા રંગકિરણો,
નિચે ચળ્કે તડકે, બરફ સરખાં ઠારથિ પડો.

ઠરી મારી આંખો, કબિરવડ તુને નિરખિને,
ખરી પાપી બુદ્ધી, ખરિજ રૂડિ જાત્રા થઈ મને;
વિશેષે શોભે છે, ગભિર વડ તૂંથી નરમદા,
કૃતાર્થી મોટો હૂં, દરશન વડે છૂં નરમદા.(અહીં રજૂ કરેલ કવિતામાં ઘણી જગ્યાએ જોડણી અલગ રીતે લખાઇ છે. જે ટાઇપીંગની ભૂલ નથી, પરંતુ નર્મદના સમયે લખાતી ગુજરાતી ભાષા મુજબ છે. સંદર્ભ -“નર્મકવિતા”: ખંડ - 3 પાના નં - 36. પ્રકાશક: કવિનર્મદ યુગાવર્ત ટ્રસ્ટ, સૂરત.
સાભાર: ડૉ. વિવેક ટેલર)

શનિવાર, 4 એપ્રિલ, 2009

મન ન માને એ જગાઓ પર જવાનું છોડીએ

શબ્દ : હેમેન શાહ
સ્વર-સંગીત : મનહર ઉધાસ
આલ્બમ : અક્ષર

મન ન માને એ જગાઓ પર જવાનું છોડીએ,
કોઈના દરબારમાં હાજર થવાનું છોડીએ.

પ્રેમના પ્રકરણ વિશે કંઈ બોલવાનું છોડીએ,
ચોપડીમાં એક વચ્ચે કોરું પાનું છોડીએ.

હોય જો તાકાત તો બે-ત્રણ હલેસાં મારીએ,
જળને વ્હેવાની રસમ શિખવાડવાનું છોડીએ.

કંઠને શોભે તો શોભે માત્ર પોતાનો અવાજ,
પારકી રૂપાળી કંઠી બાંધવાનું છોડીએ.

કોઈ દુર્ગમ પથ ઉપર તૂટેલી ભેખડ કાં બનો?
છોડીએ તો એક સીમાચિહ્ન નાનું છોડીએ.

શુક્રવાર, 3 એપ્રિલ, 2009

મારા રામના રખવાળા ઓછા હોય નહિ

આજે રામનવમી નિમિત્તે ભગવાન રામનું ભક્તિગીત

સ્વર :મન્ના ડે
સંગીત :અવિનાશ વ્યાસ
ફિલ્મ :‘ગાડાંનો બેલ’ (૧૯૫૦)

મારા રામનાં રખવાળા ઓછા હોય નહીં,
એનાં ધોયેલા ધાવણમાં ધાબા હોય નહીં.
મારા રામનાં રખવાળા..

એનું ઢોલ અગમથી વાગે,
અગમ-નિગમની વાણી ભાખે,
એનાં આંખ્યુંના અણસારા ધોખા હોય નહીં.
મારા રામનાં રખવાળા..

કાયા જ્યારે કરવટ બદલે,
પડખાયે એ પગલે પગલે,
એની જ્યોતિ ઝબકારા ઓછા હોય નહીં.
મારા રામનાં રખવાળા..

સુખ દુ:ખનાં તડકા છાયાં,
માયામાં મુંઝાતી કાયા,
એનાં પાપણનાં પલકારા ઓછા હોય નહીં.
મારા રામનાં રખવાળા..

ગુરુવાર, 2 એપ્રિલ, 2009

બીજી તો કોઈ રીતે ના ભૂંસાય ચાંદની


શબ્દ: ઓજસ પાલનપુરી
સ્વર: મનહર ઉધાસ
આલ્બમ: આગમન

આગમન એનું સુણીને ઊર્મિઓ હરખાઈ ગઈ;
ચાંદો ઊગ્યો પણ નહીં ને ચાંદની ફેલાઈ ગઈ.

બીજી તો કોઈ રીતે ના ભૂંસાય ચાંદની,
ઝાકળની થોડી બુંદોથી ધોવાય ચાંદની.

પીને શરબ ઉભો’તો સપનાંય ના જુઓ,
તરસ્યા રહીને જાગો તો પીવાય ચાંદની.

તું આંખ સામે હોય તો એવુંય પણ બને,
ખીલ્યો હો ચંદ્રમા ને ના દેખાય ચાંદની.

તારા સ્મરણનું તેજ મને ડંખતું રહે,
ઉપરથી પાછી એમાં ઉમેરાય ચાંદની.

‘ઓજસ’ ધરે છે કોણ આ દર્પણ ગગન ઉપર,
દિવસનું તેજ રાતે બની જાય ચાંદની.

બુધવાર, 1 એપ્રિલ, 2009

આ બ્લોગ પરની તમામ પોસ્ટની ડાઉનલોડ લિંક

આ બ્લોગ પરની તમામ પોસ્ટની ડાઉનલોડ લિંક આજે મૂકું છું. તેમાંથી આપ જે ગીત જોઇએ તે કોઇ પણ પ્રકારની કિંમત ચૂકવ્યા વગર ડાઉનલોડ કરી શકો છો.

પ્રીત ના ગીત ડાઉનલોડ અનુક્રમણિકા