મારા સાયબર વિશ્વમાં આપનું હાર્દિક સ્વાગત છે.........

પ્રિય મિત્રો,
આપ સૌ મારા બ્લોગ પર અવારનવાર પધારો છો તે મારા માટે ખૂબ જ આનંદની વાત છે. પણ ઘણા મિત્રો તેમના અભિપ્રાય આપ્યા વગર જ જતા રહે છે, જે મને થોડું અધુરૂં લાગે છે. આપ સૌના અભિપ્રાય મારા માટે ઘણાં જ અગત્યના છે અને તે મને કંઈક વધુ સારું કરવાની પ્રેરણા અને ઉત્સાહ આપતા રહે છે. તો મિત્રો આપ જ્યારે-જ્યારે મારા બ્લોગની મુલાકાત લો ત્યારે આપના અમૂલ્ય અભિપ્રાય આપતા રહો તેવી અપેક્ષા.

સૌ મિત્રોને નમ્ર વિનંતિ કે અહીં મુકેલી રચનાઓ માત્ર સાંભળવા માટે જ છે, આથી મહેરબાની કરી ડાઉનલોડ માટે પૂછવું નહીં. આભાર.
મારા સંગ્રહમાંથી કેટલાંક આલ્બમના મુખપૃષ્ઠો:રવિવાર, 31 મે, 2009

રહેશે અમને મારી મુસીબતની દશા યાદ

સ્વરઃ મન્ના ડે(૧૯૬૮)
ગીતઃ મરીઝ
સંગીતઃ નીનુ મઝુમદાર

રહેશે અમને મારી મુસીબતની દશા યાદ
બીજા તો બધાં ઠીક છે આવ્યો ન ખુદા યાદ

મુજ હાસ્યને ભલે દુનિયા દિવાનગી સમજે
ક્યાં જઈને રડું એવી નથી કોઈ જગા યાદ

જાહીદ મને સહેવા દે તબાહીભર્યાં સદમા
મસજિદથી વધારે અહીં આવે છે ખુદા યાદ

મન દઈને ‘મરીઝ’ હવે કંઈ પણ નથી કહેતા
સૌ મારા ગુનાહોની મને રહેશે સજા યાદ

શુક્રવાર, 29 મે, 2009

માહતાબ સમ મધુરો

ગીત: દારા એમ. પ્રિન્ટર (૧૯૪૯)
સંગીતઃ વિસ્તષ્પ બલસારા
સ્વર: મુકેશ

માહતાબ સમ મધુરો દિલકશ દીદાર તારો
ઘડવા તને ખુદાએ બેહદ કમાલ કરી છે
માહતાબ સમ મધુરો

ગુલોં મીસાલ કોમલ ખીલતી અને પમરતી
ગુલઝારની ગુલાબી મીઠી તું ગુલ કલી છે
માહતાબ સમ મધુરો દિલકશ દીદાર તારો

લાખો ગુલોંની લાલી રૂખસારમાં સમાવી
અમૃત ને મધની પ્યાલી તુજ હોઠમાં ભરી છે
માહતાબ સમ મધુરો દિલકશ દીદાર તારો

નીકળે નૂરી સિતારા નૈનો ચમકતા તારા
રોશની એ જિસ્મો અંદર જીન્નત ખડી કરી છે
માહતાબ સમ મધુરો દિલકશ દીદાર તારો

જોતાં નઝર ઠરી રે સૌના જીગર હરી ને
સંસારને સ્વર્ગ બનાવતી તું દિલકશી પરી છે
માહતાબ સમ મધુરો દિલકશ દીદાર તારો
ઘડવા તને ખુદાએ બેહદ કમાલ કરી છે

ગુરુવાર, 28 મે, 2009

શાને જુદાઇમાં જાય જન્મારો


સ્વર : મનહર ઉધાસ
આલ્બમ : આલાપ

શાને જુદાઇમાં જાય જન્મારો
ચાલો ભૂલી જઇએ એવું માની લઇએ
થોડો વાંક તારો ને થોડો વાંક મારો
શાને જુદાઇમાં જાય જન્મારો......

સાથે ગાળેલી એક-એક ક્ષણને ભૂલવી છે તો યે ભૂલાય ના
પૂછવા ચાહિએ હાલ દિલના કોઇને તો પૂછું પૂછાય ના
હાથ રે સોંપી પાર રે ઊતરી શાને છોડ્યો તો કિનારો
શાને જુદાઇમાં જાય જન્મારો......

થોડી જીદ ને થોડા અભિમાનમાં આપણે તો કેટલુંયે ખોયું
પણ વીડ લીલું ઝાડ કરમાતું આપણે તો જુદાઇમાં જોયું
પડછાયો છોડી ગહ્યા રણમાં દોડી ખોયો હૈયાનો ઊતારો
શાને જુદાઇમાં જાય જન્મારો......

મંગળવાર, 26 મે, 2009

શિવાજીનું હાલરડું

આ બ્લોગના એક મુલાકાતી માવજીભાઇની હેમુ ગઢવી માટેની ફરમાઇશ
સ્વર: હેમુ ગઢવી, ચેતનભાઇ ગઢવી

આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઇને આવ્યાં બાળ રે (2)

બાળુડાને માત હીંચોળે
ધણણણ ડુંગરા બોલે.
શિવાજીને નીંદરું ના’વે
માતા જીજાબાઇ ઝુલાવે.

પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ - લખમણની વાત
માતાજીને મુખ જે દીથી,
ઊડી એની ઊંઘ તે દીથી….શિવાજીને…

પોઢજો રે, મારાં બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ –
કાલે કાળાં જુદ્ધ ખેલાશે :
સૂવાટાણું ક્યાંય ન રહેશે….શિવાજીને…

ધાવજો રે, મારાં પેટ ! ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ –
રહેશે નહીં, રણઘેલુડા !
ખાવા મૂઠી ધાનની વેળા…..શિવાજીને…

પ્હેરી - ઓઢી લેજો પાતળાં રે ! પીળાં-લાલ-પીરોજી ચીર –
કાયા તારી લોહીમાં ન્હાશે :
ઢાંકણ તે દી ઢાલનું થાશે….શિવાજીને…

ઘૂઘરા, ધાવણી, પોપટ-લાકડી ફેરવી લેજો આજ –
તે દી તારે હાથ રહેવાની
રાતી બંબોળ ભવાની….શિવાજીને…

લાલ કંકુ કેરા ચાંદલા ને ભાલે તાણજો કેસરાઆડ્ય –
તે દી તો સિંદોરિયા થાપા
છાતી માથે ઝીલવા, બાપા !….શિવાજીને…

આજ માતા ચોડે ચૂમીયું રે બાળા ! ઝીલજો બેવડ ગાલ –
તે દી તારાં મોઢડાં માથે
ધૂંવાધાર તોપ મંડાશે…….શિવાજીને…

આજ માતાજીની ગોદમાં રે તુંને હૂંફ આવે આઠ પ્હોર –
તે દી કાળી મેઘલી રાતે
વાયુ ટાઢા મોતના વાશે…..શિવાજીને…

આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડાં કેરી સેજ –
તે દી તારી વીરપથારી
પાથરશે વીશભુજાળી……શિવાજીને…

આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય –
તે દી તારે શિર ઓશીકાં
મેલાશે તીર- બંધૂકા….શિવાજીને…

સૂઈ લેજે, મારા કેસરી રે ! તારી હિંદવાણ્યું જોવે વાટ –
જાગી વ્હેલો આવ, બાલુડા !
માને હાથ ભેટ બંધાવા….શિવાજીને…

જાગી વ્હેલો આવજે, વીરા !
ટીલું માના લોહીનું લેવા !

શિવાજીને નીંદરું ના’વે
માતા જીજાબાઇ ઝુલાવે.
બાળુડાને માત હીંચોળે
ધણણણ ડુંગરા બોલે.

હેમુ ગઢવી


ચેતનભાઇ ગઢવી

ખુદાની મને મહેરબાની ઘણી છે

શબ્દ: કુતુબ આઝાદ
સ્વર: મનહર ઉધાસ
આલ્બમ: આલાપ

ખુદાની મને મહેરબાની ઘણી છે
ઘણાની મહોબ્બત અને લાગણી છે

અમસ્તી નથી નામના થઈ અમારી
અમે વાવણી જે કરી, તે લણી છે

બધે પેશ આવ્યા અમે લાગણીથી
અમે લાગણી લોહી સાથે વણી છે

ધરા ધ્રુજશે તોય પડશે નહીં એ
મહોબ્બતની ઊંચી ઈમારત ચણી છે

મને એવા ‘આઝાદ’ મિત્રો મળ્યા છે
જે મિત્રો નથી કિન્તુ પારસમણી છે

સોમવાર, 25 મે, 2009

કાનુડા તારી મોરલીએ મારું મન મોહ્યુંસ્વર: ગીતા દત્ત

કાનુડા તારી, છોગાળા તારી,
મોરલીએ મારું મન મોહ્યું.

આવી તું જમનાને આરે, મોરલી વગાડે જ્યારે;
મનડું મારું ભાન ભૂલીને, નાચવા લાગે છે ત્યારે;
તને શોધવા માટે મેં તો, દિલડું મારું ખોયું.
કાનુડા તારી મોરલીએ મારું મન મોહ્યું......

ગોકુળની મહિયારણ આવી, મહી વેચવા કાજે;
લટકા-મટકા કરતી ચાલું, પગમાં ઝાંઝર વાગે;
ઝાંઝરને ઝણકારે તારું, ગામ નાચતું જોયું.
કાનુડા તારી મોરલીએ મારું મન મોહ્યું......

સાંભળવાને આજ મોરલી, આવી છાની-માની;
ઘરમાં મારે કજિયો થાશે, જો નણદી સાચું જાણે;
સાસુજી મારી મહેણાં દેશે, તેં કુળનું નામ વગોવ્યું.
કાનુડા તારી મોરલીએ મારું મન મોહ્યું.....

રવિવાર, 24 મે, 2009

હરિ ઠામે ઠામે (ત્રિભંગી વૃત્ત)

શબ્દ : કવિ નર્મદ
સ્વર : નૂતન સુરતી
સંગીત : મેહુલ સુરતી,
આલ્બમ : નર્મદધારા

હરિ ઠામે ઠામે, કામે કામે, આઠે જામે, જોઊં છૂં.

તનમને ભરાતા, વિકાર માતા, કુસંપ થાતા, હરજે તૂં ;
સહુને વરદાતા, કર સુખસાતા, નિરોગિ રાતા, હરજે તૂં ;
ના જાતા પાપે, થઇયે આપે, નરતન આપે, સરતે તૂં.
હરિ ઠામે ઠામે.....

હૂં માગૂં લાડે, વિઘ્ન નસાડે, જુક્તિ સુઝાડે, બાપા રે;
યશ કર્મ ખાડે, સંપ જગાડે, બહુ જ રમાડે, સહુ સારે;
જય જય જગદેવા, અનુપમ એવા, વાણી લેવા, કરું સેવા.
હરિ ઠામે ઠામે....(અહીં રજૂ કરેલ કવિતામાં ઘણી જગ્યાએ જોડણી અલગ રીતે લખાઇ છે. જે ટાઇપીંગની ભૂલ નથી, પરંતુ નર્મદના સમયે લખાતી ગુજરાતી ભાષા મુજબ છે.
સંદર્ભ- “નર્મકવિતા”: ખંડ - 3 પાના નં.- 78 પ્રકાશક: કવિ નર્મદ યુગાવર્ત ટ્રસ્ટ, સૂરત.
સાભાર: ડૉ. વિવેક ટેલર)

શનિવાર, 23 મે, 2009

નૈન ચકચૂર છે

સ્વર: લતા મંગેશકર, મોહમ્મદ રફી
સંગીત: અવિનાશ વ્યાસ
ફિલ્મ: મહેંદી રંગ લાગ્યો (૧૯૬૦)

નૈન ચકચૂર છે, મન આતુર છે,
હવે શું રહી ગયું બાકી કહો મંજૂર છે.

કદી સીધી, કદી વાંકી, નજર રાખી જીગરને ઘર,
તમે જાતે જ આવ્યા છો, અમારા દિલની અંદર,
હવે ક્યાં દૂર છે, મળ્યાં જ્યાં ઉર છે,
હવે શું રહી ગયું બાકી કહો મંજૂર છે.
નૈન ચકચૂર છે..

છલાછલ આંખનું આકાશ મસ્તીખોર છે,
ઘુંઘટમાં વીજળીને કંથ રમતો મોર છે,
મળ્યો તંબુર છે, જથમ નો સૂર છે,
હવે શું રહી ગયું બાકી કહો મંજૂર છે.
નૈન ચકચૂર છે..


રાજેન્દ્રકુમારે આ એક જ ગુજરાતી ફિલ્મમાં કામ કર્યું હતું, પણ એ જમાનાના આ અતિ સફળ અભિનેતાએ “મહેંદી રંગ લાગ્યો”માં કામ કરવાનો એક પણ પૈસો લીધો નહોતો.મુખ્ય ભૂમિકામાં રાજેન્દ્રકુમાર અને ઉષાકિરણનો ઉત્કૃષ્ટ અભિનય અને કર્ણપ્રિય ગીત-સંગીતે લોકોને ઘેલા કરી દીધા હતા. “મહેંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે… મહેંદી રંગ લાગ્યો” જેવા આ ફિલ્મના ટ્રેડમાર્ક જેવા ગીત ઉપરાંત “નૈન ચકચૂર છે… મન આતુર છે… હવે શૂં રહી ગયું બાકી કહો મંજૂર છે”, ”આ મુંબઈ છે…”, “પાંદડું લીલું ને રંગ રાતો…”, “ઘૂંઘટે ઢાંક્યું રે એક કોડિયું… હું તો નીકળી ભરબજારે…”, “હું હરતી ફરતી રસ્તે રઝળતી વાર્તા…” જેવાં ગીતોએ ધૂમ મચાવી હતી.

શુક્રવાર, 22 મે, 2009

ક્ષણોને તોડવા બેસું તો વરસોના વરસ લાગે

શબ્દ : મનોજ ખંડેરિયા,આદિલ મન્સૂરી
સ્વર - સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય , આશિત દેસાઇ

ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે,
બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

કલમને બોળવા બેસું તો વરસોના વરસ લાગે.,
ને ખડિયા ખોળવા બેસું તો વરસોના વરસ લાગે.

કહો તો આ બધાં પ્રતિબિંબ હું હમણાં જ ભૂંસી દઉં,
અરીસો ફોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

કોઇ સૂતું છે કેવું સોડ તાણી મૌનના ઘરમાં,
એને ઢંઢોળવા બેસું તો વરસોના વરસ લાગે.

કમળ-તંતુ સમા આ મૌનને તું તોડ મા નાહક,
ફરીથી જોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

આ સપનું તો બરફનો સ્તંભ છે, હમણાં જ ઓગળશે,
હું એને ખોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

કોઇ સપનું બની આવે અને પળમાં સરી જાતું,
હું આંખો ચોળવા બેસું તો વરસોનાં વરસ લાગે.

મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,
ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

હવે પૂરી થશે ક્યારે આ પરકમ્મા કહો સાંઇ,
ભભૂતિ ચોળવા બેસું તો વરસોના વરસ લાગે.

કલમને બોળવા બેસું તો વરસોના વરસ લાગે.

ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે,
બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

કહો તો આ બધાં પ્રતિબિંબ હું હમણાં જ ભૂંસી દઉં,
અરીસો ફોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

કમળ-તંતુ સમા આ મૌનનેતું તોડ મા નાહક
ફરીથી જોડવા બેસું તો વરસોનાં વરસ લાગે

આ સપનું તો બરફનો સ્તંભ છે,હમણાં જ ઓગળશે
હું એને ખોડવા બેસું તો વરસોનાં વરસ લાગે

મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,
ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.
- મનોજ ખંડેરિયા

કલમને બોળવા બેસું તો વરસોના વરસ લાગે.,
ને ખડિયા ખોળવા બેસું તો વરસોનાં વરસ લાગે.

અરે આ શબ્દની ખાણોના પથ્થરો તો ઉલેચ્યા પણ,
બધા જો તોળવા બેસું તો વરસોનાં વરસ લાગે

હતા આરંભથી સાથે, અને અંતે મળ્યા પાછા
સ્મરણ વાગોળવા બેસું તો વરસોનાં વરસ લાગે

આ લખ ચોરાશી ફેરાઓથી મુક્તિ ક્યારે મળવાની
બધું ફંગોળવા બેસું તો વરસોનાં વરસ લાગે

હવે પૂરી થશે ક્યારે આ પરકમ્મા કહો સાંઇ,
ભભૂતિ ચોળવા બેસું તો વરસોના વરસ લાગે.

કોઇ સૂતું છે કેવું સોડ તાણી મૌનના ઘરમાં,
એને ઢંઢોળવા બેસું તો વરસોના વરસ લાગે.

બધે ચારેતરફ હસ્તાક્ષર અંકિત છે કોઇના
દિવાલો ધોળવા બેસું વરસોનાં વરસ લાગે.

કોઇ સપનું બની આવે અને પળમાં સરી જાતું,
હું આંખો ચોળવા બેસું તો વરસોનાં વરસ લાગે.

હું જાણું છું કે તળિયે જઇ લપાયા છે બધા મોતી

ગઝલના જુનાગઢના ખડિયરોમાં જે ખોવાયા
જઇને ખોળવા બેસું તો વરસોનાં વરસ લાગે.

બધી ગલીઓ હવે તારી ગલી જેવી જ લાગે છે
નગર ભગોળવા બેસું તો વરસોનાં વરસ લાગે.

આ ધીમું ઝેર થઇ ચડતી બધી અંતિમ ક્ષણો ‘આદિલ’
આ વખને ઘોળવા બેસું વરસોનાં વરસ લાગે.
- આદિલ મન્સૂરી

બુધવાર, 20 મે, 2009

રાત જાય છે

શબ્દ: ‘અમર’ પાલનપુરી
સ્વર: હરીશ સોની
આલ્બમ: ઉઝરડા

રાત જાય છે, વાત અધૂરી છે;
કોઇ રોકો, બહુ જરૂરી છે.
રાત જાય છે......

ચાલો આરામ મારા દુશ્મનને,
હોત મિત્રો એની ખૂબી છે.
કોઇ રોકો.....

કેમ લાખોમાં તું ના પરખાય,
ઝુલ્ફ સોનેરી આંખ ભૂરી છે.
કોઇ રોકો....

મોત માથે લઇને ફરવાનું,
જિંદગી પણ ‘અમર’ મજૂરી છે.
કોઇ રોકો.....

મંગળવાર, 19 મે, 2009

ના કિનારો ના મઝધાર છે

શબ્દ: મુકુલ ચોક્સી
સંગીત: મેહુલ સુરતી
સ્વર: નૂતન સુરતી, અમન લેખડિયા
આલ્બમ: સારાંશ

જિંદગીનો આ ટૂંકસાર છે,
ના કિનારો ના મઝધાર છે.
જિંદગીનો....

જેઓ બીજાનો આધાર છે,
તેઓ કોક દિ નિરાધાર છે.
જિંદગીનો....

કોઇ જીવે છે ભૂતકાળમાં,
કોઇ પર ભાવિનો ભાર છે.
જિંદગીનો....

આજ કંઇપણ નવું ના બન્યું,
એ જ મોટા સમાચાર છે.
જિંદગીનો....

સોમવાર, 18 મે, 2009

મારી આંખમાં તું

આલ્બમ: હસ્તાક્ષર
સંગીત: શ્યામલ-સૌમિલ
સ્વર: પાર્થિવ ગોહિલ
રચના: રમેશ પારેખ

મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી,
ને ઘેરાતી રાત મને યાદ છે, ઘેરાતી રાત તને યાદ છે?

સોનેરી પોયણીઓ ઉઘડતી હોઠમાં ને
થાતું પરભાત મને યાદ છે, થાતું પરભાત, તને યાદ છે?
મારી આંખમાં તું…

ખરબચડું લોહી થતું રૂંવાટીદાર, એવું ચોમાસું ચાર ચાર નેણનું;
ધોધમાર પીંછાનો પડતો વરસાદ, ગામ આખું તણાઈ જતું વેણનું.
છાતીની ઘુમરીમાં ઘુમી ઘુમીને ક્યાંક,
ખોવાતી જાત મને યાદ છે, ખોવાતી જાત તને યાદ છે?

સૂરજ વિનાના અને છાંયડા વિનાના ધોમ તડકા સૂસવાટે હવે રાતના;
લોચનની ભાષામાં ઘટના કહેવાય અને જીવતરની ભાષામાં યાતના.
આવેલું શમણું પણ અવસર થઈ જાય એવા,
દિવસોની વાત મને યાદ છે, દિવસોની વાત તને યાદ છે?

મારી આંખમાં તું વહેલી સવાર સમું પડતી ને
ઘેરાતી રાત મને યાદ છે, ઘેરાતી રાત તને યાદ છે?…
ઘેરાતી રાત તને યાદ છે?…
ઘેરાતી રાત તને યાદ છે?…

ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી જાય

ચિત્રપટ: મેરૂ માલણ(૧૯૮૫)
સ્વરઃ અલકા યાજ્ઞિક અને પ્રફુલ્લ દવે
ગીત: કાન્તિ-અશોક
સંગીત: મહેશ-નરેશ
ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી જાય,
ના ના રે રહેવાય, ના ના રે સહેવાય,
ના કોઈ ને કહેવાય..હાય હાય...

ઓઢણી ઊડે તો ભલે ઊડી જાય,
તારું મુખડું મલકાય,
તારું જોબન છલકાય,
મારાં હૈયામાં કઇં કઇં થાય..
ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી જાય..

ઓ રે ઓ રે મેઘ વરસે ને ભીંજે ચીર..
હાય હાય હાય વાગે તીર, વાગે તીર.
ઓ રે ઓ રે તારું ચંદંન સરીખું શરીર,
હાય હાય નીતરે નીર, નીતરે નીર.
રૂપ દૂર થી જોવાય,
ના ના રે અડકાય,
ઇ તો અડતા કરમાય..
ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી જાય..

ઓ.. મારે નેણ લજ્જા લહેરે છે..
તારા રૂપ ની ભીનાશ તને ઘેરે છે.
હું તો સંકોરુ કાય,
અંગ અંગથી ભીંસાય,
મને મરવાનું થાય..
ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી જાય..

હાય રે.. ઓલી વીજળી કરે ચમકાર,
હાય હાય હાય વારંવાર..
ઓ રે.. ઈ તો હૈયાનાં સાંધે તાર,
હોયે હોયે હોયે નમણી નાર..
મારું મનડું મુંઝાય,
એવે લાગી રે લ્હાય
ના ના રે બુજાય..
ઓઢણી ઓઢું ઓઢું ને ઊડી જાય..

ગુરુવાર, 14 મે, 2009

કોણ મારા શ્વાસમાં આવી ગયું?

શબ્દ: દીપક ગણાત્રા 'સાથી'
સ્વર: મનહર ઉધાસ
આલ્બમ: આલાપ

કોણ મારા શ્વાસમાં આવી ગયું?
જિંદગીને આજ મહેકાવી ગયું.

દિલની આજે ધડકનો અટકી ગઇ,
કોણ દિલના દ્વાર ખખડાવી ગયું?

આજ તરવાની નથી ઇચ્છા હવે,
ડૂબવાના અર્થ સમજાવી ગયું.

પ્યાસ ‘સાથી’ ની વધી જ્યારે સતત,
કોણ આવી જામ છલકાવી ગયું?

બુધવાર, 13 મે, 2009

મુને એકલી જાણીને કાને છેડી રે

સંગીત : રિષભ ગૃપ
સ્વર : નિશા ઉપાધ્યાય

મુને એકલી જાણીને કા'ને છેડી રે,
પછી કહી દઉં શોદાના કાનમાં.
મારો મારગડો છોડીને હાલતો થા,
પછી કહી દઉં શોદાના કાનમાં.....
મુને એકલી જાણીને કા'ને છેડી રે.....

મેળામાં મળવા હાલી મારી સખી સૈયરને,
મેળામાં મળી ગયો પેલો રે તોફાની કા'ન.
મારો છેડલો ન ઝાલ તને કહી દઉં છું,
પછી કહી દઉં શોદાનાં કાનમાં.....
મુને એકલી જાણીને કા'ને છેડી રે.....

બેડલું લઈને હું તો સરોવર ગઈ'તી
પાછું વાળીને જોયું બેડલું ચોરાઇ ગયું,
મારા બેડલાનો ચોર કેમ લેવો ખોળી
દઇ દે બેડલું રે ઓ મારા ક્હાનજી.
મુને એકલી જાણીને કા'ને છેડી રે.....

મંગળવાર, 12 મે, 2009

સાત-સાત પગલાંઓ સાથે ચાલીને

આલ્બમ : સંબંધ તો આકાશ
શબ્દ : કવિ મેઘબિંદુ
સ્વર : વિરાજ-બિજલ ઉપાધ્યાય

સાત-સાત પગલાંઓ સાથે ચાલીને તેં માગ્યો તો મારો હાથ,
પણ અધવચ્ચે એવું તે શું રે થયું કે મારો છોડી દીધો રે સંગાથ.
સાત-સાત પગલાંઓ....

હું તો ઈચ્છાઓ તારી ઉછેરતી હતી ને મહેકાવ્યો તારો એ બાગ,
તારા અવાજમાં હું એવી ખોવાઇ ગઇ કે ભૂલી ગઇ મારો રાગ;
તારા એક-એક પગલાની પૂજા કરી તને માનીને મારો રામ,
પણ અધવચ્ચે એવું તે શું રે થયું કે મારો છોડી દીધો રે સંગાથ.
સાત-સાત પગલાંઓ.....

મંઝિલની ટોચ જ્યારે દેખાઇ દુરથી ત્યારે તેં લીધો વળાંક,
ધગધગતા તાપમાં તારી સંગાથે ચાલી તે મારો શું વાંક;
મનના મારગમાં એવું તે કોણ મળ્યું છોડી દીધો મારો સાથ,
પણ અધવચ્ચે એવું તે શું રે થયું કે મારો છોડી દીધો રે સંગાથ.
સાત-સાત પગલાંઓ......

સોમવાર, 11 મે, 2009

ચડ્યા અનમોલ કિશ્તી પર

સ્વર : તલત મહેમૂદ

ચડ્યા અનમોલ કિશ્તી પર પવન તરફેણનો લીધો
છતાં નાવિક મળ્યો એવો સમુંદર પાર ના કીધો

હવે કહે છે કિનારામાં નથી રસકસ નથી મસ્તી
લઇને નાવ ભમરામાં અમોને આશરો દીધો

ઉપર નભ સિંધુઓ નીચે ખરાવા જન્મના ભીષણ
વમળને ઘોર ચકરાવે અમારો પંથ ના કીધો

ભર્યો રસ જે જનમ દરિયે પીવાયો ના તરસ લાગી
નિરંજન મધ્ય પણ ખારો અનોખો આંખનો પીધો

રવિવાર, 10 મે, 2009

આવો તો યે સારું

સ્વર: મુકેશ, સોલી કાપડીયા

પ્રીતિનું પુષ્પ ખીલે છે ઘડીભરની જુદાઇમાં
અજંપો લાગતો મીઠો મીઠો પ્રીતની સગાઇમાં

આવો તોય સારું, ન આવો તોય સારું
તમારું સ્મરણ છે તમારા થી પ્યારું

આવો ને જાઓ તમે, ઘડી અહિં ઘડી તંઇ
યાદ તો તમારી મીઠી અહિં ની અહિં રહી
મોંઘું તમારા થી સપનું તમારું
તમારું સ્મરણ છે તમારા થી પ્યારું

મિલન માં મજા શું, મજા ઝુરવા માં
બળીને શમાના પતંગો થવા માં
માને ન મનાવ્યું મારું હૈયું નઠારું
તમારું સ્મરણ છે તમારા થી પ્યારું

આવો તોય સારું, ન આવો તોય સારું
તમારું સ્મરણ છે તમારા થી પ્યારું

મુકેશ

સોલી કાપડીયા (આલ્બમ - નજરને કહી દો કે)

શુક્રવાર, 8 મે, 2009

પ્રિયે મને ના છેડ

સ્વર : શૌનક પંડ્યા
સંગીત : સુનિલ રેવર
શબ્દ : ભૂપેન્દ્ર વકીલ
આલ્બમઃ ઊરમાં ગુંજારવ

પ્રિયે મને ના છેડ…
નયન ઇશારે ઇજન દઇને
પ્રિયે મને ના તેડ !

અધવચ્ચે આ જનમેળામાં
ઊરવીણા ના છેડ
પ્રિયે મને ના છેડ…

કોયલ ગાતી વનવગડામાં
છાની માની ગીત
પગરવનો સંચાર થતો
બની જતી લજ્જિત
પ્રિયે મને ના છેડ…

પ્રેમ કુમુદ તો રમવા કાજે
રવિ કિરણ ના ચહાય
શશિ પર કરતા કોમળ સ્પર્શે
હસી હસી છલકાય
પ્રિયે મને ના છેડ…

ગુરુવાર, 7 મે, 2009

તરછોડ્યો જ્યારે આપે

શબ્દ: ‘અમર’ પાલનપુરી
સ્વર: હરીશ સોની
આલ્બમ: ઉઝરડા

તરછોડ્યો જ્યારે આપે, હસવાનું મન થયું;
બોલાવ્યો જ્યારે પાછો, રડવાનું મન થયું.
તરછોડ્યો જ્યારે આપે.....

ખોળામાં જ્યારે કોઇના, માથું મૂકી દીધું.
સોગંદ જીવનના, ત્યાં ને ત્યાં મરવાનું મન થયું.
બોલાવ્યો જ્યારે પાછો.....

દિલને મળ્યું જે દર્દ, એ ઓછું પડ્યું હશે;
નહીંતર, ફરી કાં આપને મળવાનું મન થયું.
બોલાવ્યો જ્યારે પાછો.....

ડૂબ્યો નથી, ‘અમર’ને ડૂબાડ્યો છે કોઇએ;
નહીંતર, કાં એની લાશને તરવાનું મન થયું.
બોલાવ્યો જ્યારે પાછો.....

બુધવાર, 6 મે, 2009

હવાની હવેલીમાં મહેકે ચમેલી


શબ્દ: શેખાદમ આબુવાલા
સ્વર: મનહર ઉધાસ
આલ્બમ: અક્ષર

હવાની હવેલીમાં મહેકે ચમેલી,
કવિ મિત્રને વાત આ બહુ ગમેલી.

હતી પ્રીત એ તો અમે જાણી લીધું,
બહુ ઉભરાઈને પાછી શમેલી.

હવે મોત ક્યાંથી વજનદાર લાગે?
અમે જિંદગીને ઘણી છે ખમેલી.

હશે નમ્રતા એતો ગંગાની ‘આદમ’,
હિમાલયની સામે હતી જે નમેલી.

સોમવાર, 4 મે, 2009

યા હોમ કરીને પડો ફતેહ છે આગે

શબ્દ : કવિ નર્મદ
સ્વર: પાર્થિવ ગોહિલ
સંગીત : મેહુલ સુરતી
આલ્બમ : નર્મદધારા

સહુ ચલો જીતવા જંગ, બ્યૂગલો વાગે,
યા હોમ કરીને પડો ફતેહ છે આગે.
કેટલાંક કરમો વિષે, ઢીલ નવ ચાલે,
શંકા ભય તો બહુ રોજ, હામને ખાળે;
હજી સમય નથી આવિયો, કહી દિન ગાળે,
જન બ્હાનું કરે, નવ સરે અર્થ કો કાળે;
ઝંપલાવવાથી સિદ્ધિ જોઇ બળ લાગે….યા હોમ..

સાહસે કર્યો પર્શુએ પૂરો અર્જુનને,
તે પરશુરામ પરસિદ્ધ, રહ્યો નિજ વચને;
સાહસે ઈંદ્રજિત શૂર, હણ્યો લક્ષ્મણે,
સાહસે વીર વિક્રમ, જગ્ત સહુ ભણે;
થઈ ગર્દ જંગમાં મર્દ હક્ક નિજ માગે…યા હોમ..

સાહસે કોલંબસ ગયો, નવી દુનિયામાં,
સાહસે નેપોલ્યન ભિડ્યો, યૂરપ આખામાં;
સાહસે લ્યુથર તે થયો, પોપની સામાં,
સાહસે સ્કાટે દેવું રે, વાળ્યું જોતામાં;
સાહસે શિકંદર નામ અમર સહુ જાગે…યા હોમ..

સાહસે જ્ઞાતિનાં બંધ, કાપિ ઝટ નાખો,
સાહસે જાઓ પરદેશ, બ્હીક નવ રાખો;
સાહસે કરો વેપાર, જમે બહુ લાખો,
સાહસે તજી પાખંડ, બ્રહ્મરસ ચાખો;
સાહસે નર્મદાદેશ, દુ:ખ સહુ ભાગે…યા હોમ..(અહીં રજૂ કરેલ કવિતામાં ઘણી જગ્યાએ જોડણી અલગ રીતે લખાઇ છે. જે ટાઇપીંગની ભૂલ નથી, પરંતુ નર્મદના સમયે લખાતી ગુજરાતી ભાષા મુજબ છે.
સંદર્ભ- “નર્મકવિતા”: ખંડ- 1 પાના નં.- 42 પ્રકાશક: કવિ નર્મદ યુગાવર્ત ટ્રસ્ટ, સૂરત.
સાભાર: ડૉ. વિવેક ટેલર)

શુક્રવાર, 1 મે, 2009

જય જય ગરવી ગુજરાત

આજે 1, મે ગુજરાત રાજ્યનો સ્થાપના દિન
શબ્દ : કવિ નર્મદ
સ્વરાંકન : અજીત શેઠ
સ્વર: અમન લેખડિયા, સત્યેન જગીવાલા, ઓજસ મહેતા, જેસ્મીન કાપડિયા, નૂતન સુરતી, દ્રવિતા ચોક્સી
આલ્બમ : નર્મદધારા

જય જય ગરવી ગુજરાત !
જય જય ગરવી ગુજરાત,

દીપે અરૂણું પરભાત,
ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુમ્બી, પ્રેમશૌર્યઅંકીત,
તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને, પ્રેમ ભક્તિની રીત-
ઊંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત.

ઉત્તરમાં અમ્બા માત,
પૂરવમાં કાળી માત,
છે દક્ષિણ દિશમાં કરન્ત રક્ષા, કુન્તેશ્વર મહાદેવ,
ને સોમનાથ ને દ્વારકેશ એ, પશ્વિમ કેરા દેવ-
છે સહાયમાં સાક્ષાત,
જય જય ગરવી ગુજરાત.

નદી તાપી નર્મદા જોય,
મહી ને બીજી પણ જોય.
વળી જોય સુભટના જુદ્ધરમણને, રત્નાકર સાગર,
પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર-
સમ્પે સોયે સઉ જાત,
જય જય ગરવી ગુજરાત.

તે અન્હિલવાડના રંગ,
તે સિદ્ધ્રરાજ જયસિંગ,
તે રંગથકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત,
શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત-
જન ઘૂમે નર્મદા સાથ,
જય જય ગરવી ગુજરાત.


(અહીં રજૂ કરેલ કવિતામાં ઘણી જગ્યાએ જોડણી અલગ રીતે લખાઇ છે. જે ટાઇપીંગની ભૂલ નથી, પરંતુ નર્મદના સમયે લખાતી ગુજરાતી ભાષા મુજબ છે.
સંદર્ભ- “નર્મકવિતા”: ખંડ- 1 પાના નં.- 99 પ્રકાશક: કવિ નર્મદ યુગાવર્ત ટ્રસ્ટ, સૂરત.
સાભાર: ડૉ. વિવેક ટેલર)