મારા સાયબર વિશ્વમાં આપનું હાર્દિક સ્વાગત છે.........

પ્રિય મિત્રો,
આપ સૌ મારા બ્લોગ પર અવારનવાર પધારો છો તે મારા માટે ખૂબ જ આનંદની વાત છે. પણ ઘણા મિત્રો તેમના અભિપ્રાય આપ્યા વગર જ જતા રહે છે, જે મને થોડું અધુરૂં લાગે છે. આપ સૌના અભિપ્રાય મારા માટે ઘણાં જ અગત્યના છે અને તે મને કંઈક વધુ સારું કરવાની પ્રેરણા અને ઉત્સાહ આપતા રહે છે. તો મિત્રો આપ જ્યારે-જ્યારે મારા બ્લોગની મુલાકાત લો ત્યારે આપના અમૂલ્ય અભિપ્રાય આપતા રહો તેવી અપેક્ષા.

સૌ મિત્રોને નમ્ર વિનંતિ કે અહીં મુકેલી રચનાઓ માત્ર સાંભળવા માટે જ છે, આથી મહેરબાની કરી ડાઉનલોડ માટે પૂછવું નહીં. આભાર.
મારા સંગ્રહમાંથી કેટલાંક આલ્બમના મુખપૃષ્ઠો:શુક્રવાર, 1 મે, 2009

જય જય ગરવી ગુજરાત

આજે 1, મે ગુજરાત રાજ્યનો સ્થાપના દિન
શબ્દ : કવિ નર્મદ
સ્વરાંકન : અજીત શેઠ
સ્વર: અમન લેખડિયા, સત્યેન જગીવાલા, ઓજસ મહેતા, જેસ્મીન કાપડિયા, નૂતન સુરતી, દ્રવિતા ચોક્સી
આલ્બમ : નર્મદધારા

જય જય ગરવી ગુજરાત !
જય જય ગરવી ગુજરાત,

દીપે અરૂણું પરભાત,
ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુમ્બી, પ્રેમશૌર્યઅંકીત,
તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને, પ્રેમ ભક્તિની રીત-
ઊંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત.

ઉત્તરમાં અમ્બા માત,
પૂરવમાં કાળી માત,
છે દક્ષિણ દિશમાં કરન્ત રક્ષા, કુન્તેશ્વર મહાદેવ,
ને સોમનાથ ને દ્વારકેશ એ, પશ્વિમ કેરા દેવ-
છે સહાયમાં સાક્ષાત,
જય જય ગરવી ગુજરાત.

નદી તાપી નર્મદા જોય,
મહી ને બીજી પણ જોય.
વળી જોય સુભટના જુદ્ધરમણને, રત્નાકર સાગર,
પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર-
સમ્પે સોયે સઉ જાત,
જય જય ગરવી ગુજરાત.

તે અન્હિલવાડના રંગ,
તે સિદ્ધ્રરાજ જયસિંગ,
તે રંગથકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત,
શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત-
જન ઘૂમે નર્મદા સાથ,
જય જય ગરવી ગુજરાત.


(અહીં રજૂ કરેલ કવિતામાં ઘણી જગ્યાએ જોડણી અલગ રીતે લખાઇ છે. જે ટાઇપીંગની ભૂલ નથી, પરંતુ નર્મદના સમયે લખાતી ગુજરાતી ભાષા મુજબ છે.
સંદર્ભ- “નર્મકવિતા”: ખંડ- 1 પાના નં.- 99 પ્રકાશક: કવિ નર્મદ યુગાવર્ત ટ્રસ્ટ, સૂરત.
સાભાર: ડૉ. વિવેક ટેલર)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો