મારા સાયબર વિશ્વમાં આપનું હાર્દિક સ્વાગત છે.........

પ્રિય મિત્રો,
આપ સૌ મારા બ્લોગ પર અવારનવાર પધારો છો તે મારા માટે ખૂબ જ આનંદની વાત છે. પણ ઘણા મિત્રો તેમના અભિપ્રાય આપ્યા વગર જ જતા રહે છે, જે મને થોડું અધુરૂં લાગે છે. આપ સૌના અભિપ્રાય મારા માટે ઘણાં જ અગત્યના છે અને તે મને કંઈક વધુ સારું કરવાની પ્રેરણા અને ઉત્સાહ આપતા રહે છે. તો મિત્રો આપ જ્યારે-જ્યારે મારા બ્લોગની મુલાકાત લો ત્યારે આપના અમૂલ્ય અભિપ્રાય આપતા રહો તેવી અપેક્ષા.

સૌ મિત્રોને નમ્ર વિનંતિ કે અહીં મુકેલી રચનાઓ માત્ર સાંભળવા માટે જ છે, આથી મહેરબાની કરી ડાઉનલોડ માટે પૂછવું નહીં. આભાર.
મારા સંગ્રહમાંથી કેટલાંક આલ્બમના મુખપૃષ્ઠો:ગુરુવાર, 30 જુલાઈ, 2009

મુક્તક

આલ્બમ: સંબંધ તો આકાશ
શબ્દ: કવિ મેઘબિંદુ
સ્વર: પુરુષોત્તમ ઉપાધ્યાય

અતીતનાં સ્વપ્નોની વાત છું એક તૂટેલા દર્પણની વાત છું
મને રોપો નહીં રસાળ જમીનમાં સહરામાં ઊગી શકે એવી જાત છું
મહેકની ઓળખ આપું તો કઇ રીતે રૂપની ઓળખ આપું તો કઇ રીતે
અય દોસ્ત મને તારી સમજ ના પડે ઋણ તારું ચૂકવું તો કઇ રીતે

મંગળવાર, 28 જુલાઈ, 2009

ગુસ્સે થયા જો લોક

શબ્દઃ અમૃત ઘાયલ
સ્વરઃ મનહર ઉધાસ
આલ્બમઃ અભિષેક

ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા;
પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા.
ગુસ્સે થયા જો લોક....

ઝુલ્ફો યે કમ નહોતી જરા યે મહેકમાં;
બુરખા હતા હકીમ કે અત્તર સુધી ગયા.
પણ દોસ્તોના હાથ તો....

એમજ કદાપિ કોઇને લોકો ભજે નહીં;
ખપતું'તું સ્વર્ગ એટલે ઈશ્વર સુધી ગયા.
પણ દોસ્તોના હાથ તો....

'ઘાયલ' નિભાવવી'તી અમારે તો દોસ્તી;
આ એટલે તો દુશ્મનોના ઘર સુધી ગયા.
પણ દોસ્તોના હાથ તો....

સોમવાર, 27 જુલાઈ, 2009

સોના વાટકડી રે - આશા ભોંસલે (Sad Version)

સ્વર: આશા ભોંસલે
સંગીત: ?અવિનાશ વ્યાસ
ફિલ્મ: ?ભાદર તારાં વહેતા પાણી (૧૯૭૬)

સોના વાટકડી રે કેસર ઘોળ્યાં રે વાલમિયા
લીલા તે રંગનો છોડ રંગમાં રોળ્યાં રે વાલમિયા

હે એક નેણે ફાગુન વસે અને બીજે વરસે મેહ
હે એક દલ ને દો લાગણી હે મારો (....) ભીસે દેહ
સોના વાટકડી રે.....

હે હું એકનાર અભાગણી જેનો રૂઠ્યો રે કિરતાર
હે પીવા મારે સારણે તમે છોડ્યા ઘર ને દ્વાર
સોના વાટકડી રે.....

હે વહેલાં વળજો વાલમા તમે સુખની લઇ સવાર રે
હે ઓલ્યાં હરણો તરફડે એને વાગ્યાં વચનનાં બાણ
સોના વાટકડી રે.....

રવિવાર, 26 જુલાઈ, 2009

સોના વાટકડી રે

સ્વર : દિવાળીબેન ભીલ, લખાભાઇ ગઢવી

સોના વાટકડી રે કેસર ઘોળ્યાં, વાલમિયા,
લીલો છે રંગનો છોડ, રંગમાં રોળ્યાં, વાલમિયા.

પગ પરમાણે રે કડલાં સોઇં રે વાલમિયા,
કાંબિયુંની બબ્બે તારે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા.

હાથ પરમાણે રે ચૂડલા સોઇં રે વાલમિયા,
ગૂજરીની બબ્બે તારે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા.

ડોક પરમાણે રે હારડો સોઇ રે વાલમિયા,
પારલા ની બબ્બે તારે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા.

નાક પરમાણ રે નથડી સોઇં રે વાલમિયા,
ટીલડીની બબ્બે તારે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા.

કાન પરમાણ રે ઠોળીયાં સોઇં રે વાલમિયા,
વાળિયુંની બબ્બે તારે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા.

અંગ પરમાણે રે કમખો સોઇં રે વાલમિયા,
ચુંદડીની બબ્બે તારે જોડ્ય, રંગમાં રોળ્યાં, વાલમિયા.

દિવાળીબેન ભીલ, લખાભાઇ ગઢવી


સ્વરઃ હેમુ ગઢવી, દીના ગાંધર્વ
દુહોઃ
હે....... જોને પ્રેમ પ્રેમ તો સહુ કહે પણ પ્રેમ ન જાણે કોઇ
હે....... પણ જાણે તો તો આ જગતમાં પછી જુદા રહે નહીં કોઇ

છંદઃ
બ્રિજ કી સબ બાલા રૂપ રસાલા કરે બેહાલા બનવાલા
જા કિશન કાલા વિપદ વિશાલા દિનદયાલા નંદલાલા
આયે નહીં આલા ક્રિષ્નકૃપાલા બંસીવાલા બનવારી
કાનલ સુખકારી મિત્રમુરારી ગયે બિસારી ગિરધારી

હે… શ્રાવણે સારા, હૃદયે ઝાલા, કૈંક તારા કામની…
પહેરી પટોળા, રંગ ચોળા, ભમે ટોળા ભામિની…
શણગાર સજીયે, રૂપ રજીએ, ભૂલ ત્યજીએ, ભાન ને…
ભરપૂર જોબનમાંયે ભામન કહે રાધા કાનને…
જી કહે રાધા કાન ને… જી કહે રાધા કાનને…

સ્વર: ????

શુક્રવાર, 24 જુલાઈ, 2009

લે બોલ, હવે તું


શબ્દ: રમેશ પારેખ
સ્વર - સંગીત: (1) સાધના સરગમ - શ્યામલ-સૌમિલ મુન્શી (હસ્તાક્ષર)
(2) અમર ભટ્ટ - ક્ષેમુ દિવેટિયા

દરિયામાં હોય એને મોતી કહેવાય છે, તો આંખોમાં હોય તેને શું?
અમે પૂછ્યું : લે બોલ, હવે તું.

પંખીવછોઇ કોઇ એકલી જગાને તમે માળો કહેશો કે બખોલ?
જોવાતી હોય કોઇ આવ્યાની વાટ ત્યારે ભણકારા વાગે કે ઢોલ ?
બોલો સુજાણ, ઊગ્યું મારામાં ઝાડવું કે ઝાડવામાં ઊગી છું હું?
અમે પૂછ્યું : લે બોલ, હવે તું.

ઊંચી ઘોડી ને એનો ઊંચો અસવાર: એના મારગ મોટા કે કોલ મોટા?
દરિયો તરવાની હોડ માંડે તો દરિયાનું પાણી જીતે કે પરપોટા?
સૂરજ ન હોય તેવી રીતે ઝીંકાય છે એ તડકાઓ હોય છે કે લૂ?
અમે પૂછ્યું : લે બોલ, હવે તું.

હસ્તાક્ષર

અમર ભટ્ટ - ક્ષેમુ દિવેટિયા

ગુરુવાર, 23 જુલાઈ, 2009

તમને સમય નથી

શબ્દ: બાપુભાઈ ગઢવી
સ્વર: મનહર ઉધાસ
આલ્બમ: અવસર

દિલનાં દર્દને અશ્રુથી તોલી શક્યા નહીં
હૈયું પરસ્પર આપણે ખોલી શક્યા નહીં
જાલિમ જમાનો બેઉની વચ્ચે હતો એથી
સામે મળ્યા ને કાંઈ પણ બોલી શક્યા નહીં

તમને સમય નથી અને મારો સમય નથી
કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી ?

રોકી રહી છે તમને તમારી શરમ અને
મારા સિવાય મારે બીજો કોઈ ભય નથી

વિસરી જવું એ વાત મારા હાથ બહાર છે
ને યાદ રાખવું એ તમારો વિષય નથી

હું ઈંતજારમાં અને તમે હો વિચારમાં
એ તો છે શરૂઆત કંઈ આખર પ્રલય નથી.

બુધવાર, 22 જુલાઈ, 2009

સમય મારો સાધજે વ્હાલા

શબ્દ: સંત પુનિત
સ્વર: ભાસ્કર શુક્લા

સમય મારો સાધજે વ્હાલા, કરું હું તો કાલાવાલા.

અંત સમય મારો આવશે ત્યારે, નહીં રહે દેહનું ભાન,
એવે સમય મુખે તુલસી દેજે, દેજે જમના પાન…..
સમય મારો.

જીભલડી મારી પરવશ થાશે, ને હારી બેસું હું હામ,
એવે સમય મારી વ્હારે ચડીને રાખજે તારું નામ…
સમય મારો.....

કંઠ રુંધાશે ને નાડીઓ તુટશે, તુટશે જીવનદોર,
એવે સમય મારા અલબેલાજી, કરજે બંસરીશોર.
સમય મારો......

આંખલડી મારી પાવન કરજે, ને દેજે એક લ્હાણ,
શ્યામસુંદર તારી ઝાંખી કરીને, ‘પુનીત’ છોડે પ્રાણ.
સમય મારો......

મંગળવાર, 21 જુલાઈ, 2009

રૂપલે મઢી છે સારી રાત

સ્વર: લતા મંગેશકર, દિપાલી સોમૈયા
ગીતકારઃ હરિન્દ્ર દવે
સંગીતકારઃ દિલીપ ધોળકિયા
ફિલ્મઃ રૂપલે મઢી છે સારી રાત(૧૯૬૮)

રૂપલે મઢી છે સારી રાત રે સજન
એનું ઢુંકડૂં ન હોજો પરભાત..
સૂરજ ને કોઈ ઓલી મેર રોકી રાખો,
હજી આદરી અધૂરી મારી વાત રે..
રૂપલે મઢી છે….

વેળા આવી તો જરા વેણ નાખો વાલમા,
એક જરા મોંઘેરું કહેણ નાખો વાલમા,
ફેણ રે ચઢાવી ડોલે અંધારા દૂર દૂર..દૂર દૂર..
એની મોરલીને સૂરે કરો વાત રે..
રૂપલે મઢી છે….

દિલના દરિયાવનાં ઊંડાણ જરા જોઈ લઉં,
કેવા રે મહોબ્બતનાં તાણ જરા જોઈ લઉં,
મ્હારા કિનાર રહો દૂર નિત દૂર દૂર..દૂર દૂર..
રહો મજધારે મ્હારી મુલાકાત રે..
રૂપલે મઢી છે…

લતા મંગેશકર
દિપાલી સોમૈયા

સોમવાર, 20 જુલાઈ, 2009

પન્નીને પહતાય તો કેટોની

અસ્સલ સુરતી મિજાજ સાથેનું મસ્ત મજાનું હળવું ગીત
શબ્દ: રઇશ મણિયાર
સંગીત: મેહુલ સુરતી

પન્નીને પહતાય તો કે’ટો ની.
વાહણ જો અથડાય તો કે’ટો ની.

અમના તો કે’ટો છે કે પાંપણ પર ઊંચકી લેમ.
પછી માથે ચડી જાય તો કે’ટો ની.

અમના તો પ્યાર જાણે રેહમની ડોરી.
એના પર લૂગડાં હૂકવાય તો કે’ટો ની.

”એની આંખોના આભમાં પંખીના ટોળાં…”
પછી ડોળા દેખાય તો કે’ટો ની.

હમ, ટુમ ઔર ટન્હાઇ, બધું ઠીક મારા ભાઇ
પછી પોયરાં અડ્ડાય તો કે’ટો ની.

રવિવાર, 19 જુલાઈ, 2009

અમે વૃક્ષ ચંદનનું

સ્વર-સંગીત: સોલી કાપડીયા
આલ્બમ: એક કાગળ હરિવરને

અમે વૃક્ષ ચંદનનું, ચીરાઇ ચાલ્યા;
છીએ લાગણીવશ તે લીરાઇ ચાલ્યા.
અમે વૃક્ષ ચંદન....

રહીશું અમે ટેરવાની અડોઅડ;
હથેળીમાં તારી લકીરાઇ ચાલ્યા.
છીએ લાગણીવશ તે....

અમે મહેતા નરસિંહની કરતાલ છઇએ;
અને મંજીરા થઇને મીરાંઇ ચાલ્યા.
છીએ લાગણીવશ તે....

પડી જળનાં ચરણોમાં કાંઠાની બેડી;
છીએ આત્મા પણ શરીરાઇ ચાલ્યા.
છીએ લાગણીવશ તે....

શુક્રવાર, 17 જુલાઈ, 2009

તમે થોડા થોડા થાવ વરણાગી

સંગીત: અવિનાશ વ્યાસ
સ્વર: ગીતા દત્ત, નિશા ઉપાધ્યાય (કાપડિયા)

હવે થોડા થોડા, તમે થોડા થોડા થાવ વરણાગી,
ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી.

નવી ફેશનની ધૂન બધે લાગી,
ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી.

વરણાગી વીરા ની વરણાગી વહુ બનો,
થોડું બંગાળી ને અંગ્રેજી બહુ ભણો,
મારા ભાઇ કેરો ભ્રમ જાય ભાંગી,
ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી.

કરો થોડો થોડો લટકો ને આંખડીનો મટકો,
જુઓ લટકાણી લલનાઓ જાગી,
ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી.

કુમકુમ નો ચાંદલો આવડો તે હોય મોટો,
ઊંચો ઊંચો સાડલો પહેર્યો છે સાવ ખોટો,
હવે જુના બધા વેશ દ્યો ત્યાગી,
ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી.

બંગાળી સાડીના લેહરણીયા લ્રહેરાવો,
ઊંચી ઊંચી એડી ની બૂટજોડી મંગાવો,
હવે નવયુગની વાંસલડી વાગી,
ઓ ભાભી તમે થોડા થોડા થાવ વરણાગી.

ગીતા દત્ત: ફિલ્મ- ગુણસુંદરી (1948)

નિશા ઉપાઘ્યાય(કાપડિયા): આલ્બમ - અમર સદા અવિનાશ

આ ગીતનું 21મી સદીનું વર્ઝન
રમેશ પટેલ(આકાશદીપ)ની કલમે

ઓ ભાભી તમે(૨)
થોડા થોડા થાજો ગામડાના ગોરી
આ ફેશનની દુનિયા દીઠી નઠારી
નિત નવા નખરાથી લોભાવે નારી
એના સંગમાં(૨)
જોજો ના જાઓ લપેટાઇ, ઓ ભાભી તમે(૨)

દૂર દર્શને ચમકીલી ફેશન ગાજશે
ભપકાથી ભોળવી હળવે ખંખેરશે
દેખાદેખીના જમાને(૨)
ભૂલી ઉમ્મર ના જાશો જોતરાઇ, ઓ ભાભી તમે(૨)
થોડાં થોડાં રહેજો ગામાડાનાં ગોરી

જાહેરાતનો જમાનો જગને ભરમાવશે
જલસા બતાવી જીવડાને બાળશે
ભોળા ભાઈને(૨)
આંખે રમાડી દેજો ના ભરમાવી, ઓ ભાભી તમે(૨)

નિત નવા સ્વાદોના ચટકાથી ચેતજો
દવાનાં બિલોના ઢગલા ના ઢાળજો
ઘરની રસોઇની માયા(૨)
જોજો ભૂલી ના જાય મારા ભાઈ, ઓ ભાભી તમે(૨)
થોડાં થોડાં રહેજો ગામડાનાં ગોરી

ભાઈ મારા છે ભોળા ભાભલડી
દેશે પગારની હાથમાં થોકલડી
સંભાળજો સાચવીને(૨)
ઉધારના શોખે દોડે ના ખોટે પાટે ગાડી, ઓ ભાભી તમે(૨)
થોડાં થોડાં થાજો..રહેજો ગામનાં રે ગોરી

બુધવાર, 15 જુલાઈ, 2009

એને જીવવા દ્યોને જરી

સ્વર: ગીતા દત્ત
સંગીત: અવિનાશ વ્યાસ
ફિલ્મ: ગાડાનો બેલ (૧૯૫૦)

એને જીવવા દ્યોને જરી....
જરી જરીને હૈયું ભરીને
વાત કરી ન કરી
એને જીવવા દ્યોને જરી....

તોયે જગ જાણે ન જાણે
મૃત્યુશૈયાને શમિયાણે
ભવ-ભવ મળજે મનના માણી
કહેવું ફરી-ફરી
એને જીવવા દ્યોને જરી....

કોડ હતાં કંઇ-કંઇ કરવાના
ભવસાગર સંગે તરવાના
મનની વાતો મનમાં રહેતી
સ્વપનું જાય સરી
એને જીવવા દ્યોને જરી....

જીવન કેરે કાંટે એણે
મન ખોલી મૃત્યુ તોળ્યાં
જીવતરના અમૃત પી-પીને
વિષ હળાહળ ઘોળ્યાં
આકાશે ઉગ્યો તારલિયો જાતો આજ ખરી
એને જીવવા દ્યોને જરી....

મંગળવાર, 14 જુલાઈ, 2009

વરસોથી સંઘરી રાખેલી દિલની વાત

શબ્દ: 'સૈફ' પાલનપુરી
સ્વર: મનહર ઉધાસ
આલ્બમ: અવસર

વરસોથી સંઘરી રાખેલી દિલની વાત જણાવું છું
મમતા રાખીને સાંભળજો હું તમને બહુ ચાહું છું

વાત કરો છો સખીઓ સાથે જ્યારે ધીમી ધીમી
મનની કળીઓ પણ ખીલે છે ત્યારે ધીમી ધીમી

મારી વાત હશે એમ માની હરખાઉ છું મનમાં
વડીલ જેવું કોઈ મળે તો બહુ શરમાઉ છું મનમાં

પગલાં જેવું લાગે છે ત્યાં ફૂલો રોજ ધરું છું
સાચું કહી દઉં મનમાં તો ફેરા રોજ ફરું છું

ચાલ તમારા જેવી જ્યારે કોઈ લલના ચાલે છે
એવી હાલત થાય છે બસ મિત્રો જ મને સંભાળે છે

પત્ર લખીને આજે તમને દિલની વાત કહી છે મેં
કહેવાનું બસ એજ કે તમથી છાની પ્રીતિ કરી છે મેં

પણ આ છેલ્લી વાત કહ્યા વિના મારાથી રહેવાતું નથી
કોને નામે પત્ર લખ્યો છે એજ મને સમજાતું નથી

એક જ ઈચ્છા છે કે મારો પત્ર બધાને કામ આવે
પોતાની પ્રેમીકાને સૌ આ રીતે સમજાવે

દુનિયાનાં સૌ પ્રેમીઓને ભેટ અનોખી આપું છું
મારા શબ્દો વાપરવાની છૂટ બધાને આપું છું

શબ્દો મારા પ્રેમ તમારો બંને સંયોગ થશે
તો જીવનમાં કવિતાનો સાચો સદઉપયોગ થશે

મળી ન હોય કોઈને એવી જાગીરદારી મળશે
દુનિયાની સૌ પ્રીતમાં મુજને ભાગીદારી મળશે

સોમવાર, 13 જુલાઈ, 2009

મેં તો ચાહતનાં દ્વારને વાસ્યાં હતાં

આલ્બમ: સંબંધ તો આકાશ
શબ્દ : કવિ મેઘબિંદુ
સ્વર હંસા દવે

મેં તો ચાહતનાં દ્વારને વાસ્યાં હતાં
એ તો ચાલ્યા ગયા બંધ જોઇને
પછી જીવતર ઉછેર્યું મેં રોઇને

એના પ્રીતના પગરવનો સાંભળી અવાજ
હું શોધ્યા કરું આસપાસ
કંઇ કેટલાયે જન્મારા વીતી ગયા
હવે જન્મારે અટક્યા છે શ્વાસ
જગના લોકોથી હતી છાની રે પ્રીત
તેથી પૂછી શકી ના હું કોઇને
પછી જીવતર....

ખોવાઇ ગયેલી મારી શ્રધ્ધાને શોધવા
સાત-સાત ઢગલીઓ કીધી
ખાલીખમ ઢગલીઓ જોતા હું ધરાઇ
પછી કેટલીય માનતાઓ લીધી
આજ સુધી અંધારે જાગતી રહી
હવે ગભરાતી પણ તારા જોઇને
પછી જીવતર....

રવિવાર, 12 જુલાઈ, 2009

હું તો ફૂલડાં વીણવા ગઇ’તી…

સ્વર : આશા ભોંસલે

હું તો ફૂલડાં વીણવા ગઇ’તી,
ત્યાં મને વિછુંડો ચટક્યો
એવો ચટક્યો એવો ચટક્યો,
કાળજે આવીને ખટક્યો
હું તો ફૂલડાં…

આવ્યા જેઠ-જેઠાણી,
મારી આખ્યુંમાં આવ્યા પાણી
હું ભોળી ભરમાઇ ગઈ ને
ડંખ મારીને વિછુંડો છટક્યો
હું તો ફૂલડાં…

સાસુ-સસરા ને નણંદ નાની,
કોઈએ મારી પીડાની જાણી
વૈદે ઘુંટ્યા ઓસડીયા
પણ વેરી વિછુંડો ન અટક્યો
હું તો ફૂલડાં…

રંગીલો નણદીનો વીરો,
મને જોઈને થયો અધીરો
એને જોતાં ગઈ વિછુંડો ભૂલી ને
જીવ મારો એનામાં ભટક્યો
હું તો ફૂલડાં…

શનિવાર, 11 જુલાઈ, 2009

આંખોમાં આવી રીતે તું

શબ્દ: રમેશ પારેખ
સ્વર: શ્યામલ મુન્શી
સંગીત: શ્યામલ-સૌમિલ મુન્શી
આલ્બમ: હસ્તાક્ષર

આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ,
ખાલી થયેલ ગામમાં જાસો ન મોકલાવ.

ફૂલો ય પૂરબહારમાં હિંસક છે આજકાલ,
રહેવા દે, રોજ તું મને ગજરો ન મોકલાવ.

તું આવ કે પાડી રહ્યો છું સાદ હું તને,
પહાડોની જેમ ખોખરો પડઘો ન મોકલાવ.

ખાબોચિયું જ આમ તો પર્યાપ્ત હોય છે,
હોડી ડૂબાડવાને તું દરિયો ન મોકલાવ.

થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે કબૂલ,
તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ.

ગુરુવાર, 9 જુલાઈ, 2009

હું નથી પૂછતો ઓ સમય

શબ્દ: 'શૂન્ય' પાલનપુરી
સ્વર: મનહર ઉધાસ
આલ્બમ: અવસર

હું નથી પૂછતો, ઓ સમય! કે હજી તું ગુજારીશ દિલ પર સિતમ કેટલા?
એટલું પ્રેમથી માત્ર કહી દે મને, જોઇએ તારે આખર જખમ કેટલા?

ઓ ખુદા! આ ફરેબોની દુનિયા મહીં, પ્રેમ તારો ખરેખર કસોટી જ છે
સાફ કહી દે કે રાજી તને રાખવા, પૂજવા પડશે મારે સનમ કેટલા?

દર્દની લાગણીના ઘણા રૂપ છે, માત્ર આંસુ જ હોવા જરૂરી નથી,
સ્મિત થઇને ફરકતા હશે હોઠ પર, વ્યક્ત થઇ ના શકે એવા ગમ કેટલા?

પ્રેમ ઇર્ષાથી પર ક્યાંક હોતો નથી, શબ્દથી વાત કેરું વતેસર થશે,
હોઠ સીવીને ચૂપ-ચાપ જોયા કરો, મૌન પેદા કરે છે ભરમ કેટલા?

સ્વાર્થની આ તો છે ભક્તિ-લીલા બધી, આત્મ-પૂજા વિના 'શૂન્ય' આરો નથી,
એક ઇશ્વરને માટે મમત કેટલો, એક શ્રધ્ધાને માટે ધરમ કેટલા?

બુધવાર, 8 જુલાઈ, 2009

ચાલ ફરીથી રમીએ રે

આલ્બમ: સંબંધ તો આકાશ
શબ્દ : કવિ મેઘબિંદુ
સ્વર હંસા દવે, પુરુષોત્તમ ઉપાધ્યાય

તારાં મારાં સપનાંઓની લઇ લખોટી રમીએ રે
વીતેલી વાતોને ભૂલી ચાલ ફરીથી રમીએ રે

હવે પછી આ જીવન-બાજી રમતાં-રમતાં
અંચઇ કદી ના કરશું રે
હવે ફરીથી કોઇ પ્રસંગે
કોઇ વાતના સોગંદ કદી ના લૈશું રે
રમત અધૂરી મૂકેલી જે એને પૂરી કરીએ રે
ચાલ ફરીથી.....

હવે ફરીથી સ્મિત સ્પર્શ ને સંકેતોની
લેવડ-દેવડ કરીએ રે
બંધાયો સંબંધ આપણો
સાથે રહીને પળ-પળ એને ઉજવીએ રે
જુદાઇ કેરો રસ્તો છોડી જલદી પાછા વળીએ રે
ચાલ ફરીથી.....

સોમવાર, 6 જુલાઈ, 2009

ચાહત


સ્વરચિત કૃતિ:

કૈક એવી રીતે એ મનમાં વસે
કે આંખોથીય ઓઝલ રહે

વાસી દઉં ક્માડ પાંપણના
કે નજરનીય નજર ના લાગે

કરે ગુફતગુ ધડકનની સાથે
કે મારાય કાન બેખબર રહે

ખીલી ઊઠે ગુલ વેરાન ચમનમાં
કે બેદર્દ પાનખરેય વસંત લાગે

વરસે "પ્રીત" અનરાધાર મેઘ બની
કે ચાતકનીય કોઈ તરસ ના રહે

નીરખી રહું એમને સ્વપ્નમાં
ભલે પછી કદી પ્રભાત ના દીસે

રવિવાર, 5 જુલાઈ, 2009

ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં

આજથી ગૌરીવ્રતનો પ્રારંભ થાય છે
શબ્દ: રમેશ પારેખ
સંગીત: ક્ષેમુ દિવેટિયા
ફિલ્મ: કાશીનો દીકરો

ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં ને નાગલા ઓછા પડ્યા રે લોલ
કમ્મખે દોથો ભરીને કાંઇ ટાંક્યા ને આભલાં ઓછાં પડ્યા રે લોલ

માંડવે મ્હેક મ્હેક જૂઇની વેલ કે જૂઇના રેલા દડે રે લોલ
સૈ, મારે નેવાંનું હારબંધ ટોળું કે સામટું મોભે ચડે રે લોલ

ત્રાજવે ત્રંફેલા મોરની ભેળી હું છાનકી વાતું કરું રે લોલ
લોલ, મારે મોભરે કાગડો બોલે ને અમથી લાજી મરું રે લોલ

મેંદીએ મેલું હું મનની ભાત્ય ને હાથમાં દાઝ્યું પડે રે લોલ
આડોશપાડોશ ઘમ્મકે વેલ્યું ને લાપસી ચૂલે ચડે રે લોલ

સૈ, મારી ઊંબરાની મરજાદ કે ઓરડા ઠેસે ચડ્યા રે લોલ
લોલ મારે પથ્થરને પાણિયારે કે જીવતાં મોતી જડ્યાં રે લોલ

લોલ, ઊભી આંગણે નાગરવેલ કે પાંદડા તૂટ્યા કરે રે લોલ
ઓરડે વાની મારી કોયલ આવે ને કાંઇ ઊડ્યા કરે રે લોલ


જયા પાર્વતીનું વ્રત અષાઢ સુદ તેરસના દિવસે કરવાનું વિધાન છે. પૂજનવિધિ માટેની સામગ્રીમાં અબીલ, ગુલાલ, કંકુ, નાડાછડી, કમળકાકડી, સાકર, તજ, લવિંગ, એલચી, નાગરવેલનું પાન, કિસમિસ, સોપારી, ઋતુ અનુસારનું ગમે તે એક ફળ, ધૂપ, દીપ, પુષ્પો તથા રૂપાનાણું વગેરેનો સમાવેશ થાય છે.

વ્રતકર્તાએ વહેલા ઊઠી નાહી-ધોઈ શિવ-પાર્વતીનું પૂજન કરવું. મોળું એકટાણું કરવું. મીઠું અને ગળપણ વજર્ય ગણવું. છેલ્લા દિવસે જાગરણ કરવું.

પ્રાચીન સમયની એક કથા છે. કૌડિન નગરમાં એક પુરોહિત દંપતી રહે. પુરુષનું નામ હતું ‘વામન’ અને સ્ત્રીનું નામ હતું ‘સત્યા’. બ્રાહ્મણ અને બ્રાહ્મણી બંને ધર્મપરાયણ અને નીતિમાન હતા. પૈસે ટકે સુખી હતાં, પરંતુ નિઃસંતાનપણાનું દુઃખ હતું. બાળક વિનાનું ઘર સાવ સૂનું લાગતું હતું. અખૂટ ધન-સંપત્તિ હોવા છતાં તેમને જરા પણ અભિમાન હતું નહીં. આંગણે આવનાર આગંતુકની આગતા-સ્વાગતા કરતાં, તેમના આંગણેથી કોઈ ભૂખ્યું પાછું ગયું ન હતું. આ લોકો ‘અન્નદાન’ને શ્રેષ્ઠ દાન માનતા. ‘સત્યા’નો ખોળો સાવ ખાલી હતો એ વાતનું દુઃખ તેમને સાલતું હતું.

એક દિવસ વિચરણ કરતાં કરતાં દેર્વિષ નારદ આ દંપતીને ત્યાં આવી ચડયા. પુરોહિત દંપતીએ નારદજીની પૂજા ‘અતિથિ દેવો ભવ’ માનીને કરી. તેમનો ભાવપૂર્વક આદર-સત્કાર કર્યો અને પ્રેમપૂર્વક ફળફળાદિ અર્પણ કર્યાં.

નારદજીએ કુશળ સમાચાર પૂછયા એટલે વિપ્ર વામને કહ્યું : “હે મહર્ષિ! અમને બીજી કાંઈ આકાંક્ષા નથી, અમારે એક માત્ર સંતાનની ખોટ છે, માટે અમારું વાંઝિયા મેણું મટાડો.”

નારદજી બોલ્યા “અહીંથી દક્ષિણ દિશા તરફ થોડે દૂર એક જંગલ છે. જંગલની વચ્ચે એક પુરાણું શિવાલય છે. આ ખંડેર હાલતમાં જે શિવાલય છે તેમાં શિવ-પાર્વતીની ભાવવાહી ર્મૂતિઓ છે. આ ર્મૂતિઓ ઘણા સમયથી અપૂજ છે. કોઈ મંદિરની સંભાળ લેતું નથી તેમજ પૂજા પણ કરતું નથી, માટે તમે જો પૂજા કરશો તો તમારા મનોરથ જરૃર પરિપૂર્ણ થશે. વળી એક અપૂજ શિવલિંગ પણ છે, એની પણ કોઈ પૂજા કરતું નથી. ત્યાં જઈ તમે શ્રદ્ધાપૂર્વક અને નિષ્ઠાપૂર્વક સેવા કરો. ભોળાનાથ સદાશિવ તમને જરૃર સંતાન આપશે.” આટલું કહીને નારદજી વિદાય થયા.

પુરોહિત દંપતીએ નારદજીના આદેશ અનુસાર યથાસ્થાને આવી શિવ-પાર્વતી અને શિવલિંગની મંદિરમાં પડેલાં પાંદડાં, ઝાંખરાં વગેરે વાળી ઝૂડીને પૂજા કરી. સત્યા પાસેના જળાશયમાંથી પાણી ભરી લાવી શિવ-પાર્વતીને સ્નાન કરાવ્યું. વામને શિવલિંગ પર બીલીપત્રો ચડાવ્યાં. આ દંપતીએ શિવ-પાર્વતીની નિયમિત પૂજા કરવા માંડી.

એક દિવસ પુરોહિત વામન પૂજા માટે પુષ્પો લેવા ગયો. પતિને ફૂલ લઈને આવતા વાર લાગી, તેથી સત્યા મનોમન શંકા-કુશંકા કરવા લાગી. તેનો જીવ આકુળ-વ્યાકુળ થવા લાગ્યો. ઘણી વાર રાહ જોઈ. આખરે સત્યા પતિને શોધવા નીકળી. ભયંકર જંગલમાં એક વૃક્ષ નીચે વામન બેભાન દશામાં પડયો હતો. પગની પિંડી લોહીવાળી હતી. બાજુમાં એક કાળોતરો (સર્પ) ફૂંફાડા મારતો ઝાડીમાં સરકી રહ્યો હતો. પત્ની સમગ્ર પરિસ્થિતિને પામી ગઈ. પુરોહિત સર્પદંશ થતાં મૃત્યુ પામ્યો હતો. સત્યા શુદ્ધબુદ્ધ ખોઈ બેઠી. તે મૂર્છા પામી ધરતી પર ઢળી પડી.

થોડી વાર પછી સત્યાને મૂર્છા વળી તો પોતાની સમક્ષ માતા પાર્વતીજી પ્રગટ થઈને ઊભાં હતાં. પાર્વતીજીએ સત્યાને આશ્વાસન આપ્યું. પુરોહિતના મૃતદેહ પર હાથ ફેરવી તેને સજીવન કર્યો. પતિ-પત્ની માતા પાર્વતીના દર્શન કરી કૃતાર્થ થયાં. માતા પાર્વતીએ પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું.

આ દંપતીએ સંતાનની માગણી કરી. પાર્વતીજીએ કહ્યું કે ‘તમે જયા પાર્વતીનું વ્રત કરો. તમારી આશા જરૃરી પૂરી થશે.’

સત્યાએ પાર્વતજીને વ્રતની વિધિ પૂછી. પાર્વતીજી બોલ્યાં :

“આ વ્રત અષાઢ સુદ તેરસના રોજ લેવું અને વદ ત્રીજના રોજ વ્રત પૂર્ણ કરવું. વ્રતધારીએ આ પાંચ દિવસ મીઠું તથા ગળપણ ખાવું નહીં, અને એકટાણાં કરવાં. છેલ્લા દિવસે વ્રતનું ઉજવણું કરવું. વ્રત ઉજવતી વખતે સૌભાગ્યવતી સ્ત્રીને તેના પતિ સહિત પોતાને ત્યાં જમવા આમંત્રણ આપવું, અને પ્રેમપૂર્વક જમાડવાં. સૌભાગ્યવતી સ્ત્રીને કંકુ, કાજળ, કાંસકી વગેરે સૌંદર્ય પ્રસાધનો દાનમાં આપવાં. આ પ્રકારે વ્રત કરનારને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને તેને પતિનો વિયોગ કદી ભોગવવો પડતો નથી. સંતાનસુખ મળે છે. આટલું કહી પાર્વતીજી અંતર્ધ્યાન થઈ ગયાં!

આ પુરોહિત દંપતીએ જયા પાર્વતીનું વ્રત વિધિ અનુસાર કર્યું. છેલ્લા દિવસે જાગરણ કરી ભજન-કીર્તન કર્યાં, અષાઢ વદ ત્રીજના દિવસે ઉથાપન (વિસર્જન) કર્યું. વ્રત પૂર્ણ થયા પછી પુરોહિત દંપતીની આશા ફળી અને તેમને ત્યાં કાર્તિકેય જેવો રૂપાળો પુત્ર જન્મ્યો! સત્યા અને વામનને જયા-પાર્વતીનું વ્રત ફળ્યું અને નિઃસંતાનપણાનું દુઃખ દૂર થયું.

કહેવાનું તાત્પર્ય એ છે કે, સમગ્ર વિશ્વ નાદ અને બિંદુ સ્વરૃપ છે. નાદ એ શિવ છે અને બિંદુ એ શક્તિ છે, એટલે સમગ્ર વિશ્વ શિવ અને શક્તિનું સ્વરૃપ છે. નાદરૃપ શિવજી જગતના પિતા છે, અને બિંદુરૂપ પાર્વતીજી જગતની માતા છે. આદ્યશક્તિ જગદંબા છે. આ બંનેનું સંયુક્ત રૂપ જ ‘લિંગ’ કહેવાય છે.

‘જયા પાર્વતી’ વ્રતના દિવસે પાર્વતીજીને ‘માતા’ તરીકે ભાવપૂર્વક અને પૂર્ણ શ્રદ્ધાથી જો આરાધવામાં આવે તો મનુષ્ય મુક્તિને પામે છે. ‘માતૃભાવ’થી ઉપાસના દ્વારા ઉપાસકની પાર્વતીજી આધ્યાત્મિક ઉન્નતિ કરે છે. આ રીતે જોતાં જગતજનની જગદંબા પાર્વતીજીના મુખ્ય ગુણો, સર્વશક્તિમાતા, સર્વવ્યાપિતા અને અનંત દયાળુતા છે.

ગૌરીવ્રત નિમિત્તે ગવાતાં લોકગીતો વિશે જોરાવરસિંહ જાદવે વિશેષ માહિતી અહીં આપી છે
ગોર્યમાના વ્રતપ્રસંગે ગવાતાં વિનોદગીતો

શનિવાર, 4 જુલાઈ, 2009

.........જરા હળવે હળવે

આજે સૌ પ્રથમવાર "પ્રીત નાં ગીત" પર મારી સ્વરચિત કૃતિ મુકવાની ગુસ્તાખી કરી રહ્યો છું. મનમાં એક અજબ પ્રકારની ઉત્કંઠા છે કે, કેવા પ્રતિભાવો આવશે. આપ સૌને મારી વિનંતિ છે કે, આપના પ્રતિભાવો મને વધું સારું સર્જન કરવાની પ્રેરણા આપશે. ખાસ કરીને, રચનામાં કંઇ બંધારણીય (માળખાગત) ક્ષતિ હોય તો જરૂરથી ધ્યાન દોરશો.

વસંત કેરો સ્પર્શ પુષ્પને ખીલવે;
મહેકી ઊઠે ચમન, જરા હળવે હળવે.

ઝરમર વરસે મેહ ધરાને ભીંજવે;
નાચે મન મયુર, જરા હળવે હળવે.

દીદાર થાય એમના, નજર ને નજર મળે;
પાંગરે પ્રણય કેરાં બીજ, જરા હળવે હળવે.

થથરતાં હોઠે, ધડકતાં હૈયે, ઉપવન મધ્યે;
ઝાલ્યો'તો એમનો હાથ, જરા હળવે હળવે.

નિષ્ઠુર થયા એ, 'પ્રીત' ભર્યા હૃદયને તોડે;
તો યે કહ્યું અમે, જોજો જરા હળવે હળવે.

શુક્રવાર, 3 જુલાઈ, 2009

ઈશ્ક દુનિયામાં બદનામ છે

શબ્દ : ભરત આચાર્ય "પ્યાસા"
સ્વર : આશિત દેસાઇ
સંગીત : તલત અઝીઝ
આલ્બમ : લાગણી

ઈશ્ક દુનિયામાં બદનામ છે,
હુસ્ન તારું જ આ કામ છે.

શું છે ચાહત નથી જાણતા,
બેવફા તેનું ઉપનામ છે.
હુસ્ન તારું જ......

દિલમાં હસરત દફન થઈ જશે,
ઈશ્કનો એજ અંજામ છે.
હુસ્ન તારું જ......

શાને સરગમ સૂરો છેડવા
આ તો બહેરાઓનું ગામ છે,
હુસ્ન તારું જ.......

ગુરુવાર, 2 જુલાઈ, 2009

એક રજકણ સૂરજ થવાને શમણે

શબ્દ: હરીન્દ્ર દવે
સ્વર: લતા મંગેશકર
સંગીત: દીલિપ ધોળકિયા
આલ્બમ: એક રજકણ સૂરજ

એક રજકણ સૂરજ થવાને શમણે,
ઉગમણે જઈ ઊડે,
પલકમાં ઢળી પડે આથમણે.

જળને તપ્ત નજરથી શોષી
ચહી રહે ઘન રચવા
ઝંખે કોઇ દિન બિંબ બનીને
સાગરને મન વસવા
વમળ મહીં ચકરાઇ રહે
એ કોઈ અકળ મૂંઝવણે.
એક રજકણ…

જ્યોત કને જઈ જાચી દીપ્તિ,
જ્વાળ કને જઈ લ્હાય
ગતિ જાચી ઝંઝાનિલથી
એ રૂપ ગગનથી ચ્હાય
ચકિત થઇ સૌ ઝાંખે એને
ટળવળતી નિજ ચરણે.
એક રજકણ…

બુધવાર, 1 જુલાઈ, 2009

જોતો જ રહ્યો બસ હું તમને

સ્વર: મનહર ઉધાસ
આલ્બમ: અવસર

જોતો જ રહ્યો બસ હું તમને, નિર્દોષ તમન્ના જાગી ગઇ
મન પ્રેમનું ડામાડોળ થયું ને રૂપની ચર્ચા જાગી ગઇ

અરમાનોએ લીધી અંગડાઇ અને ઉંઘતી આશા જાગી ગઇ
સંભળાયો તમારો રણકો ત્યાં સંગીતની દુનિયા જાગી ગઇ

જોઇને તમારા તેવરને સંસાર ઉપર દિવસ ઉગ્યો
વિખરાઇ તમારી ઝુલ્ફો તો રજનીની મહત્તા જાગી ગઇ

ઊર્મીનાં ગુલાબો ખીલી ઉઠ્યાં, આવી ગઇ ખુશ્બુ જીવનમાં
સ્વપ્નું તો નથી જીવન મારું એવી મને શંકા જાગી ગઇ

જ્યાં આંખ અચાનક ઉઘડી ગઇ જોયું આતો સ્વપ્ન હતું
પોઢી ગઇ જાગેલી આશા, જીવંત નિરાશા જાગી ગઇ.