મારા સાયબર વિશ્વમાં આપનું હાર્દિક સ્વાગત છે.........

પ્રિય મિત્રો,
આપ સૌ મારા બ્લોગ પર અવારનવાર પધારો છો તે મારા માટે ખૂબ જ આનંદની વાત છે. પણ ઘણા મિત્રો તેમના અભિપ્રાય આપ્યા વગર જ જતા રહે છે, જે મને થોડું અધુરૂં લાગે છે. આપ સૌના અભિપ્રાય મારા માટે ઘણાં જ અગત્યના છે અને તે મને કંઈક વધુ સારું કરવાની પ્રેરણા અને ઉત્સાહ આપતા રહે છે. તો મિત્રો આપ જ્યારે-જ્યારે મારા બ્લોગની મુલાકાત લો ત્યારે આપના અમૂલ્ય અભિપ્રાય આપતા રહો તેવી અપેક્ષા.

સૌ મિત્રોને નમ્ર વિનંતિ કે અહીં મુકેલી રચનાઓ માત્ર સાંભળવા માટે જ છે, આથી મહેરબાની કરી ડાઉનલોડ માટે પૂછવું નહીં. આભાર.
મારા સંગ્રહમાંથી કેટલાંક આલ્બમના મુખપૃષ્ઠો:રવિવાર, 5 જુલાઈ, 2009

ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં

આજથી ગૌરીવ્રતનો પ્રારંભ થાય છે
શબ્દ: રમેશ પારેખ
સંગીત: ક્ષેમુ દિવેટિયા
ફિલ્મ: કાશીનો દીકરો

ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં ને નાગલા ઓછા પડ્યા રે લોલ
કમ્મખે દોથો ભરીને કાંઇ ટાંક્યા ને આભલાં ઓછાં પડ્યા રે લોલ

માંડવે મ્હેક મ્હેક જૂઇની વેલ કે જૂઇના રેલા દડે રે લોલ
સૈ, મારે નેવાંનું હારબંધ ટોળું કે સામટું મોભે ચડે રે લોલ

ત્રાજવે ત્રંફેલા મોરની ભેળી હું છાનકી વાતું કરું રે લોલ
લોલ, મારે મોભરે કાગડો બોલે ને અમથી લાજી મરું રે લોલ

મેંદીએ મેલું હું મનની ભાત્ય ને હાથમાં દાઝ્યું પડે રે લોલ
આડોશપાડોશ ઘમ્મકે વેલ્યું ને લાપસી ચૂલે ચડે રે લોલ

સૈ, મારી ઊંબરાની મરજાદ કે ઓરડા ઠેસે ચડ્યા રે લોલ
લોલ મારે પથ્થરને પાણિયારે કે જીવતાં મોતી જડ્યાં રે લોલ

લોલ, ઊભી આંગણે નાગરવેલ કે પાંદડા તૂટ્યા કરે રે લોલ
ઓરડે વાની મારી કોયલ આવે ને કાંઇ ઊડ્યા કરે રે લોલ


જયા પાર્વતીનું વ્રત અષાઢ સુદ તેરસના દિવસે કરવાનું વિધાન છે. પૂજનવિધિ માટેની સામગ્રીમાં અબીલ, ગુલાલ, કંકુ, નાડાછડી, કમળકાકડી, સાકર, તજ, લવિંગ, એલચી, નાગરવેલનું પાન, કિસમિસ, સોપારી, ઋતુ અનુસારનું ગમે તે એક ફળ, ધૂપ, દીપ, પુષ્પો તથા રૂપાનાણું વગેરેનો સમાવેશ થાય છે.

વ્રતકર્તાએ વહેલા ઊઠી નાહી-ધોઈ શિવ-પાર્વતીનું પૂજન કરવું. મોળું એકટાણું કરવું. મીઠું અને ગળપણ વજર્ય ગણવું. છેલ્લા દિવસે જાગરણ કરવું.

પ્રાચીન સમયની એક કથા છે. કૌડિન નગરમાં એક પુરોહિત દંપતી રહે. પુરુષનું નામ હતું ‘વામન’ અને સ્ત્રીનું નામ હતું ‘સત્યા’. બ્રાહ્મણ અને બ્રાહ્મણી બંને ધર્મપરાયણ અને નીતિમાન હતા. પૈસે ટકે સુખી હતાં, પરંતુ નિઃસંતાનપણાનું દુઃખ હતું. બાળક વિનાનું ઘર સાવ સૂનું લાગતું હતું. અખૂટ ધન-સંપત્તિ હોવા છતાં તેમને જરા પણ અભિમાન હતું નહીં. આંગણે આવનાર આગંતુકની આગતા-સ્વાગતા કરતાં, તેમના આંગણેથી કોઈ ભૂખ્યું પાછું ગયું ન હતું. આ લોકો ‘અન્નદાન’ને શ્રેષ્ઠ દાન માનતા. ‘સત્યા’નો ખોળો સાવ ખાલી હતો એ વાતનું દુઃખ તેમને સાલતું હતું.

એક દિવસ વિચરણ કરતાં કરતાં દેર્વિષ નારદ આ દંપતીને ત્યાં આવી ચડયા. પુરોહિત દંપતીએ નારદજીની પૂજા ‘અતિથિ દેવો ભવ’ માનીને કરી. તેમનો ભાવપૂર્વક આદર-સત્કાર કર્યો અને પ્રેમપૂર્વક ફળફળાદિ અર્પણ કર્યાં.

નારદજીએ કુશળ સમાચાર પૂછયા એટલે વિપ્ર વામને કહ્યું : “હે મહર્ષિ! અમને બીજી કાંઈ આકાંક્ષા નથી, અમારે એક માત્ર સંતાનની ખોટ છે, માટે અમારું વાંઝિયા મેણું મટાડો.”

નારદજી બોલ્યા “અહીંથી દક્ષિણ દિશા તરફ થોડે દૂર એક જંગલ છે. જંગલની વચ્ચે એક પુરાણું શિવાલય છે. આ ખંડેર હાલતમાં જે શિવાલય છે તેમાં શિવ-પાર્વતીની ભાવવાહી ર્મૂતિઓ છે. આ ર્મૂતિઓ ઘણા સમયથી અપૂજ છે. કોઈ મંદિરની સંભાળ લેતું નથી તેમજ પૂજા પણ કરતું નથી, માટે તમે જો પૂજા કરશો તો તમારા મનોરથ જરૃર પરિપૂર્ણ થશે. વળી એક અપૂજ શિવલિંગ પણ છે, એની પણ કોઈ પૂજા કરતું નથી. ત્યાં જઈ તમે શ્રદ્ધાપૂર્વક અને નિષ્ઠાપૂર્વક સેવા કરો. ભોળાનાથ સદાશિવ તમને જરૃર સંતાન આપશે.” આટલું કહીને નારદજી વિદાય થયા.

પુરોહિત દંપતીએ નારદજીના આદેશ અનુસાર યથાસ્થાને આવી શિવ-પાર્વતી અને શિવલિંગની મંદિરમાં પડેલાં પાંદડાં, ઝાંખરાં વગેરે વાળી ઝૂડીને પૂજા કરી. સત્યા પાસેના જળાશયમાંથી પાણી ભરી લાવી શિવ-પાર્વતીને સ્નાન કરાવ્યું. વામને શિવલિંગ પર બીલીપત્રો ચડાવ્યાં. આ દંપતીએ શિવ-પાર્વતીની નિયમિત પૂજા કરવા માંડી.

એક દિવસ પુરોહિત વામન પૂજા માટે પુષ્પો લેવા ગયો. પતિને ફૂલ લઈને આવતા વાર લાગી, તેથી સત્યા મનોમન શંકા-કુશંકા કરવા લાગી. તેનો જીવ આકુળ-વ્યાકુળ થવા લાગ્યો. ઘણી વાર રાહ જોઈ. આખરે સત્યા પતિને શોધવા નીકળી. ભયંકર જંગલમાં એક વૃક્ષ નીચે વામન બેભાન દશામાં પડયો હતો. પગની પિંડી લોહીવાળી હતી. બાજુમાં એક કાળોતરો (સર્પ) ફૂંફાડા મારતો ઝાડીમાં સરકી રહ્યો હતો. પત્ની સમગ્ર પરિસ્થિતિને પામી ગઈ. પુરોહિત સર્પદંશ થતાં મૃત્યુ પામ્યો હતો. સત્યા શુદ્ધબુદ્ધ ખોઈ બેઠી. તે મૂર્છા પામી ધરતી પર ઢળી પડી.

થોડી વાર પછી સત્યાને મૂર્છા વળી તો પોતાની સમક્ષ માતા પાર્વતીજી પ્રગટ થઈને ઊભાં હતાં. પાર્વતીજીએ સત્યાને આશ્વાસન આપ્યું. પુરોહિતના મૃતદેહ પર હાથ ફેરવી તેને સજીવન કર્યો. પતિ-પત્ની માતા પાર્વતીના દર્શન કરી કૃતાર્થ થયાં. માતા પાર્વતીએ પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું.

આ દંપતીએ સંતાનની માગણી કરી. પાર્વતીજીએ કહ્યું કે ‘તમે જયા પાર્વતીનું વ્રત કરો. તમારી આશા જરૃરી પૂરી થશે.’

સત્યાએ પાર્વતજીને વ્રતની વિધિ પૂછી. પાર્વતીજી બોલ્યાં :

“આ વ્રત અષાઢ સુદ તેરસના રોજ લેવું અને વદ ત્રીજના રોજ વ્રત પૂર્ણ કરવું. વ્રતધારીએ આ પાંચ દિવસ મીઠું તથા ગળપણ ખાવું નહીં, અને એકટાણાં કરવાં. છેલ્લા દિવસે વ્રતનું ઉજવણું કરવું. વ્રત ઉજવતી વખતે સૌભાગ્યવતી સ્ત્રીને તેના પતિ સહિત પોતાને ત્યાં જમવા આમંત્રણ આપવું, અને પ્રેમપૂર્વક જમાડવાં. સૌભાગ્યવતી સ્ત્રીને કંકુ, કાજળ, કાંસકી વગેરે સૌંદર્ય પ્રસાધનો દાનમાં આપવાં. આ પ્રકારે વ્રત કરનારને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને તેને પતિનો વિયોગ કદી ભોગવવો પડતો નથી. સંતાનસુખ મળે છે. આટલું કહી પાર્વતીજી અંતર્ધ્યાન થઈ ગયાં!

આ પુરોહિત દંપતીએ જયા પાર્વતીનું વ્રત વિધિ અનુસાર કર્યું. છેલ્લા દિવસે જાગરણ કરી ભજન-કીર્તન કર્યાં, અષાઢ વદ ત્રીજના દિવસે ઉથાપન (વિસર્જન) કર્યું. વ્રત પૂર્ણ થયા પછી પુરોહિત દંપતીની આશા ફળી અને તેમને ત્યાં કાર્તિકેય જેવો રૂપાળો પુત્ર જન્મ્યો! સત્યા અને વામનને જયા-પાર્વતીનું વ્રત ફળ્યું અને નિઃસંતાનપણાનું દુઃખ દૂર થયું.

કહેવાનું તાત્પર્ય એ છે કે, સમગ્ર વિશ્વ નાદ અને બિંદુ સ્વરૃપ છે. નાદ એ શિવ છે અને બિંદુ એ શક્તિ છે, એટલે સમગ્ર વિશ્વ શિવ અને શક્તિનું સ્વરૃપ છે. નાદરૃપ શિવજી જગતના પિતા છે, અને બિંદુરૂપ પાર્વતીજી જગતની માતા છે. આદ્યશક્તિ જગદંબા છે. આ બંનેનું સંયુક્ત રૂપ જ ‘લિંગ’ કહેવાય છે.

‘જયા પાર્વતી’ વ્રતના દિવસે પાર્વતીજીને ‘માતા’ તરીકે ભાવપૂર્વક અને પૂર્ણ શ્રદ્ધાથી જો આરાધવામાં આવે તો મનુષ્ય મુક્તિને પામે છે. ‘માતૃભાવ’થી ઉપાસના દ્વારા ઉપાસકની પાર્વતીજી આધ્યાત્મિક ઉન્નતિ કરે છે. આ રીતે જોતાં જગતજનની જગદંબા પાર્વતીજીના મુખ્ય ગુણો, સર્વશક્તિમાતા, સર્વવ્યાપિતા અને અનંત દયાળુતા છે.

ગૌરીવ્રત નિમિત્તે ગવાતાં લોકગીતો વિશે જોરાવરસિંહ જાદવે વિશેષ માહિતી અહીં આપી છે
ગોર્યમાના વ્રતપ્રસંગે ગવાતાં વિનોદગીતો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો