મારા સાયબર વિશ્વમાં આપનું હાર્દિક સ્વાગત છે.........

પ્રિય મિત્રો,
આપ સૌ મારા બ્લોગ પર અવારનવાર પધારો છો તે મારા માટે ખૂબ જ આનંદની વાત છે. પણ ઘણા મિત્રો તેમના અભિપ્રાય આપ્યા વગર જ જતા રહે છે, જે મને થોડું અધુરૂં લાગે છે. આપ સૌના અભિપ્રાય મારા માટે ઘણાં જ અગત્યના છે અને તે મને કંઈક વધુ સારું કરવાની પ્રેરણા અને ઉત્સાહ આપતા રહે છે. તો મિત્રો આપ જ્યારે-જ્યારે મારા બ્લોગની મુલાકાત લો ત્યારે આપના અમૂલ્ય અભિપ્રાય આપતા રહો તેવી અપેક્ષા.

સૌ મિત્રોને નમ્ર વિનંતિ કે અહીં મુકેલી રચનાઓ માત્ર સાંભળવા માટે જ છે, આથી મહેરબાની કરી ડાઉનલોડ માટે પૂછવું નહીં. આભાર.
મારા સંગ્રહમાંથી કેટલાંક આલ્બમના મુખપૃષ્ઠો:સોમવાર, 31 ઑગસ્ટ, 2009

હું તો ગઇ'તી મેળે

સ્વરઃ નિશા કાપડિયા
આલ્બમઃ નજરને કહી દો કે

હું તો ગઇ’તી મેળે
મન મળી ગયું એની મેળામાં

હૈયું હણાઇ ને ગયું તણાઇ
જોબન ના રેલામાં, મેળામાં… મેળામાં…

મેળે મેળાવનાર મેળો
રંગ રેલાવનાર મેળો
મૂલે મુલાવનાર મેળો
ભૂલે ભુલાવનાર મેળો

ચિતડું ચકડોળ મારું આમ-તેમ ઘૂમતું
ને આંખ લડી ગઇ અલબેલામાં

મેળામાં આંખના ઉલાળા
મેળામાં પાયલ ઝણકાર
કોઇના જાણે ક્યારે વાગે
કાળજડે આંખ્યું ના માર

..... હતા ...... મેળે ખોવાઇ જાય
રેલાતા રંગે રેલામાં
હૈયું હણાઇ ને ગયું તણાઇ
જોબન ના રેલામાં, મેળામાં… મેળામાં…

રવિવાર, 30 ઑગસ્ટ, 2009

આંખ સામે આંખને જોવું પડ્યું

શબ્દઃ ભૂપેન્દ્ર વકીલ
સ્વરઃ શૌનક પંડ્યા, ?ફોરમ સંઘવી
સંગીતઃ સુનિલ રેવર
આલ્બમઃ ઊરમાં ગુંજારવ

આંખ સામે આંખને જોવું પડ્યું,
દિલ લેતાં દિલને ખોવું પડ્યું.

ખેલ કરતાં ખેલ નિજનો થઇ ગયો,
દુઃખ દેતાં દુઃખને સહેવું પડ્યું!

ભૂલ કરતાં ભૂલ તો મોટી કરી,
ભૂલ સાથે સર્વને ભૂલવું પડ્યું.

રંક હો કે રાખ પણ માનવ બધાં,
રામ નામે સર્વને જીવવું પડ્યું.

બાજ ઊંચે આભમાં ઊડતું ઘણું,
ધરતી પર તો છેવટે પડવું પડ્યું!

શુક્રવાર, 28 ઑગસ્ટ, 2009

દુનિયાથી બગાવત કરવી છે

શબ્દ : કૈલાસ પંડિત
સ્વર : આશિત દેસાઇ
સંગીત : તલત અઝીઝ
આલ્બમ : લાગણી

દુનિયાથી બગાવત કરવી છે, સબ લોકોથી ઝઘડા લેવા છે;
એક જામની ઇજ્જત સાચવવા કઇ જામને ફોડી દેવા છે.
દુનિયાથી બગાવત કરવી છે.....

હું મારી મહોબતની મિલકત પામ્યો છું વફાના બદલામાં;
મોકા દે નયનના મોતીને ગીતોમાં પરોવી લેવા છે.
દુનિયાથી બગાવત કરવી છે......

તોબા નો નથી ઇનકાર મને, ધારું તો બધું હું છોડી દઉં;
મોંઘા છે અનુભવ કિન્તુ, એ લેવાય તો લેવા જેવા છે.
દુનિયાથી બગાવત કરવી છે......

ગુરુવાર, 27 ઑગસ્ટ, 2009

રહે મારું જીવન

શબ્દઃ ગની દહીંવાલા
સંગીત-સ્વર: મનહર ઉધાસ
આલ્બમ: અવસર

રહે મારું જીવન જો એક જ દશામાં, હવેથી ચમનમાં બહારો ન આવે,
વિખૂટી પડે રાત દિવસની જોડે, કદી સાંજ પાછળ સવારો ન આવે.

ઘડીભર પ્રકાશી પડ્યો જે ધરા પર, ગગનમાં ફરી એ સિતારો ન આવે,
બને તો તમે પણ મને જાવ ભૂલી, મને પણ તમારા વિચારો ન આવે.

મળ્યું છે જીવન આજ તોફાન ખોળે, ચહું છું દુ:ખદ અંત મારો ન આવે,
ઓ મોજાંઓ દોડો જરા જઈને રોકો, ધસે કંઈ વમળમાં કિનારો ન આવે.

મોહબ્બત પ્રથમ ધર્મ છે જિન્દગીનો, મોહબ્બત વિના કોઈ આરો ન આવે,
સતત ચાલવું જોઈએ એ દિશામાં, જો થાકી ગયા તો ઊતારો ન આવે.

હતું કોણ સાથે અને ક્યાં હતો હું- ન કહેજે કોઈને ભલી ચાંદની તું !
સિતારા કરે વાત ગઈ રાતની તો કહેજે કે ઉલ્લેખ મારો ન આવે.

મંગળવાર, 25 ઑગસ્ટ, 2009

અમે ગીત ગગનનાં ગાશું

શબ્દઃ ઉમાશંકર જોશી
સ્વરઃ સાધના સરગમ
સંગીતઃ શ્યામલ-સૌમિલ મુ્ન્શી
આલ્બમઃ હસ્તાક્ષર

અમે ગીત ગગનનાં ગાશું રે,
અમે ગીત મગનમાં ગાશું,
કલ-કલ પૂજન સુણી પૂછશો તમે,
અરે છે આ શું?
અમે ગીત ગગનનાં ગાશું રે..

સૂર્ય ચંદ્ર ને દીયો ઓલવી,
ઠારો નવલખ તારા,
હથેળી આડી રાખી રોકો,
વરસંતી જલધારા,
અમે સૂર સરિતમાં ન્હાશું રે..

પંખી માત્રને મુનિવ્રત આપો,
ચૂપ કરી દો ઝરણા,
પૂરો બેડીમાં હૃદય હૃદય પર,
નરતંતા પ્રભુ ચરણા,
પૂર મૂકી મોકળાં ગાશું રે..

બાળક હાલરડા માગે ને,
યૌવન રસભર પ્યાલા,
પ્રૌઢ ભજન ભણકાર ચહે,
આપે કોઈ મતવાલા,
અમે દિલ દિલ ને કંઈ પાશું રે..

રવિવાર, 23 ઑગસ્ટ, 2009

ગણેશ આરતી - મરાઠી

આજે ગણેશ-ચતુર્થી નિમિત્તે બાપ્પાની આરતી મરાઠીમાં
સ્વરઃ લતા મંગેશકર

શુક્રવાર, 21 ઑગસ્ટ, 2009

પ્રેમમાં ચાલને ચકચૂર થઇ

શબ્દઃ હરીન્દ્ર દવે
સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય, હંસા દવે
સંગીતઃ પુરુષોત્તમ ઉપાધ્યાય
આલ્બમઃ ગુલમહોર

પ્રેમમાં ચાલને ચકચૂર થૈ ચાલ્યા કરીએ,
સૂર્યની આંખે અજબ નૂર થૈ ચાલ્યા કરીએ.

એને બદનામી કહે છે આ જગતના લોકો,
ચાલને, આપણે મશહૂર થૈ ચાલ્યા કરીએ.

એના ધસમસતા પ્રવાહે બધું આવી મળશે,
પ્રેમનું કોઈ અજબ પૂર થૈ ચાલ્યા કરીએ.

પ્રેમના ગર્વથી વધતો નથી સંસારનો ગર્વ,
ચાલ, ભગવાનને મંજૂર થૈ ચાલ્યા કરીએ.

ગુરુવાર, 20 ઑગસ્ટ, 2009

શાને ગુમાન કરતો

(તલત મહેમૂદ)

શબ્દઃ રમેશ ગુપ્તા
સ્વરઃ તલત મહેમૂદ
સંગીત: કેરસી મિસ્ત્રી

અરે ઓ બેવફા સાંભળ,તને દિલથી દુવા મારી,
બરબાદ ભલે ને થાતો હું,આબાદ રહે દુનિયા તારી.

શાને ગુમાન કરતો,ફાની છે જિન્દગાની,
આ રૂપ ને જવાની,એક દિન ફના થવાની.
શાને ગુમાન કરતો…

રડતાઓને હસાવે,હસતાઓને રડાવે,
કુદરતની એક ઠોકર,ગર્વિષ્ઠને નમાવે.
દુનિયામા સિકંદરની પણ ના રહી નિશાની,
શાને ગુમાન કરતો…

પછડાયે જલદી નીચે,જે ખાય છે ઉછાળો,
કુદરતે પણ ચંદ્રમાં પર મુક્યો છે ડાઘ કાળો,
સમજું છતા ન સમજે જે વાત મૂર્ખતાની,
શાને ગુમાન કરતો…

આ જીંદગીનો દીવો પળમાં બૂઝાઈ જાશે,
ચંદન સમી આ કાયા ધરણીની ધૂળ થાશે,
માટે વિનય કરું છું બનતો ન તું ગુમાની,
શાને ગુમાન કરતો…

મંગળવાર, 18 ઑગસ્ટ, 2009

આખું જીવન અમે ધીરે ધીરે લખ્યું

શબ્દઃ રઇશ મનીઆર
સ્વરઃ સત્યેન જગીવાલા
સંગીતઃ મેહુલ સુરતી

આખું જીવન અમે ધીરે ધીરે લખ્યું,
રેત પર જેમ પાગલ સમીરે લખ્યું.

કોરા કાગળ ઉપર બસ 'સખી રે!' લખ્યું,
એથી આગળ નથી મેં લગીરે લખ્યું.

મજનૂ ફરહાદ મહિવાલ હીરે લખ્યું,
લીરે-લીરે ને આખા શરીરે લખ્યું.

રોજ માણસ ઘવાતો રહ્યો ચૂપચાપ,
જે લખ્યું તે નીતરતા ઝમીરે લખ્યું.

આપણે ક્યાં કદી કંઈ લખ્યું છે ‘રઈશ’!
એક મીરાંએ લખ્યું એક કબીરે લખ્યું.
(image: urmisaagar.com)

સોમવાર, 17 ઑગસ્ટ, 2009

મિલનનાં દિપક

શબ્દઃ બરકત વિરાણી 'બેફામ'
સ્વરઃ મનહર ઉધાસ
આલ્બમઃ અક્ષર

મિલનનાં દિપક સૌ બુઝાઇ ગયાં છે, વિરહનાં તિમિર પણ ગહન થઇ ગયાં છે;
અભાગી નયન વાટ કોની જુએ છે, હતાં સત્ય જે એ સ્વપન થઇ ગયાં છે.
મિલનનાં દિપક સૌ.....

અમારા સ્વપનનું એ સદભાગ્ય ક્યાંથી, સ્વપનમાં રહેલાં સુખો થાય સાચા;
કે આ વાસ્તવિક જગનાં સાચા સુખો પણ, અમારા નસીબે સ્વપન થઇ ગયાં છે.
મિલનનાં દિપક સૌ.....

ઘણાંયે દુઃખો એ રીતે પણ મળ્યાં છે, કે જેને કદી જોઇ પણ ના શક્યો હું;
ઘણીયે વખત નીંદમાં સૂઇ રહયો છું, અને બંધ આંખે રૂદન થઇ ગયાં છે.
મિલનનાં દિપક સૌ.....

નથી મેળવાતી ખુશી સંપત્તિથી, આ મોજાં રડીને કહે છે જગત ને;
ભીતરમાં જ મોતી ભર્યાં છે છતાંયે, સમુદ્રોનાં ખારાં જીવન થઇ ગયાં છે.
મિલનનાં દિપક સૌ.....

પ્રણયમાં મેં પકડ્યા'તા તમારા જે પાલવ, પ્રણયની પછી પણ મને કામ આવ્યા;
પ્રસંગો ઉપરનાં એ પરદા બન્યાં છે, ઉમંગો ઉપરનાં કફન થઇ ગયાં છે.
મિલનનાં દિપક સૌ.....

કવિ-દિલ વિના પ્રકૃતિના સિતમને, બીજું કોણ 'બેફામ' સુંદર બનાવે;
મળ્યા દર્દ અમને જે એના તરફથી, અમારા તરફથી કવન થઇ ગયાં છે.
મિલનનાં દિપક સૌ.....

શનિવાર, 15 ઑગસ્ટ, 2009

જીવન

સ્વરચિત કાવ્ય

શૂન્ય મનસ્ક થઇ જગત ઊભું છે;
લાગણી-શૂન્ય થઇ ગયેલાં લોકથી.

કેટલાંયે મુખમાંથી "કેમ છો" સુણ્યું;
જાણે પ્રશ્ન છે, એને મારી હયાતીથી!

"આવજો" તો સૌ કહે છૂટાં પડે ત્યારે;
જઇ ચડો જો દ્વારે, મૂંઝાઇ જાય ક્ષોભથી!

વેદના-સંવેદનાથી પર થઇ ગયો તું "પ્રીત";
જીવતર વીતી જાય, રેતી થઇ હાથથી!

શુક્રવાર, 14 ઑગસ્ટ, 2009

તારા તે કાનુડાને તું નહીં જાણે રે

શબ્દઃ ભૂપેન્દ્ર વકીલ
સ્વરઃ ફોરમ સંઘવી
સંગીતઃ સુનિલ રેવર
આલ્બમઃ ઊરમાં ગુંજારવ

તારા તે કાનુડાને તું નહીં જાણે રે, જાણું હું જેટલો જશોદા!
ગોકુળના મારગડે રોકીને રાધિકા, કરતો રે દિલ કેરા સોદા!
તારા તે કાનુડાને....

આકાશે ઊડતાં પંખીને વીંધીને, પાડે છે પળમાં નીચે;
નમણી નાજુક ગોપીને બાથ ભરી, કદંબની ડાળ પર હીંચે.
તારા તે કાનુડાને....

જમનાનાં જળ મહીં મારીને ભૂસકા, ખેલે છે પ્રીતીના ખેલ;
ડૂબકી લગાવતાં લગાવતાં રાધાની, ડૂબાડે મોંઘેરી હેલ
તારા તે કાનુડાને....
(આ ગીત અને તેના લિરિક્સ મોકલવા બદલ સુનિલ રેવરનો હું આભાર માનું છું)
મારો કાનુડો તેની યશોદા સાથે............

ગુરુવાર, 13 ઑગસ્ટ, 2009

આપણા મલકના માયાળુ માનવી (હાલોને આપણા મલકમાં)

સ્વરઃ ?પ્રફુલ્લ દવે, દિવાળીબેન ભીલ

હે..... હેતાળાં ને મમતાળાં જ્યાં માનવ જોને વસતાં,
હે.....મહેમાનોને માન દઇને હેતથી હૈયું ધરતાં;
પંડ તણાં પાથરણાં થઇ જ્યાં હરખાતાં નર-નારી,
હે.......જગમાં જ્યાં મહેમાનગતિની વાત જ સૌથી ન્યારી.

આપણા મલકના માયાળુ માનવી,
માયા રે મેલીને વહ્યાં આવો મારા મે'રબાન;
રિયોને આપણા મલકમાં...

સાંજ પડેને ગામને પાદર, ગાયો પાછી વળતી;
દુર ભલેને વસતા તોયે, યાદ આવે આ ધરતી;
ગામને કૂવે પાણી સીંચન્તી, પનિહારી નખરાળી;
સરખી સૈયર વળતી ટોળે, વાત કરે મલકાતી.

આપણા મલકમાં ઓઢણ ઓરડા
ઉચાળા ભરી ઘોડે ચડજો મારા મે'રબાન
રિયોને આપણા મલકમાં...

વર્ષા માથે ધરતી રૂડી, ઓઢણી લીલી ઓઢે;
પેટિયું રળવા અમ જેવાના, મલક રૂડો છોડે;
વાર-તહેવારે ગામવચાળે, રાસની રંગત જામે;
બાળપણાની ગોઠડી મીઠી, યાદ આવે હૈયાને.

આપણા મલકમાં નવણ કોડિયું,
નાવણિયાં કરી ઘોડે ચડજો મારાં મે'રબાન;
રિયોને આપણા મલકમાં...

રોજ પરભાતે (............)
રાત પડેને માવલડીના, હાલરડાં સંભળાતા;
છાશને રોટલો પ્રેમથી દેતી, રોજ શિરામણ ટાણે;
અમૃત જેવાં લાગે એ તો, માવલડીના હાથે.

આપણા મલકમાં ભોજન લાપસી,
કે ભોજનિયાં કરી ઘોડે ચડજો મારા મે'રબાન;
રિયોને આપણા મલકમાં...

પંખીડાં રે સૌ સાથે રે બેસી, ગીતડાં રૂડાં ગાતાં;
ગીતડાં સુણી માનવીયુંના, હૈયાં રે હરખાતાં;
ભરવસંતે ટહુકે ઓલી, કાળવી કોયલ રાણી;
(....) માથે મોરલો બેસી, બોલતો મીઠીવાણી.

આપણા મલકમાં ઓઢણ ઢોલિયા,
ઓઢણિયાં કરી ઘોડે ચડજો મારા મે'રબાન;
રિયોને આપણા મલકમાં...
(નોંધઃ આ લોકગીત મેં સાંભળીને તેના શબ્દો અહીં લખવાનો પ્રયાસ કર્યો છે. અમુક શબ્દો મને સમજાતા નથી ત્યાં જગ્યા છોડી છે. આપ સૌને વિનંતિ કે આ લોકગીતના શબ્દો મને પહોંચાડશો તો આભારી થઇશ.)

બુધવાર, 12 ઑગસ્ટ, 2009

આમ તો હર-એક ભીતર

શબ્દઃ વિનોદ માણેક 'ચાતક'
સ્વર-સંગીતઃ ઉસ્માન મીર

આમ તો હર એક ભીતર રામ છે,
એજ ઈશ્વર કે ખુદા બસ નામ છે.

નૂર તારું ઝળહળે છે ચૌદિશે,
એજ કાબા એજ કાશી ધામ છે.

ના બને કંઈ તું ફકત માનવ બને,
તો પછી આનંદ ગામ ગામ છે.

તું લખાવે એજ તો ‘ચાતક’ લખે,
આ ગઝલમાં ફક્ત મારું નામ છે.

મંગળવાર, 11 ઑગસ્ટ, 2009

રસ્તે રઝળતી વાર્તા

સ્વર: લતા મંગેશકર
સંગીત: અવિનાશ વ્યાસ
ફિલ્મ: મહેંદી રંગ લાગ્યો (૧૯૬૦)

હું હરતી ફરતી રસ્તે રઝળતી વાર્તા;
નિરાધાર નારી ધારી, મને આંખ્યું ના મચકારતા.
હું રસ્તે રઝળતી વાર્તા......

હું એ સીતા છું રામચંદ્રની, વનમાં વિછુડાયેલી;
હું શકુંતલા છું દુષ્યંતની, પળમાં વિખરાયેલી;
હું સતી અહલ્યા થઇને શલ્યા, વન વેરાન પડેલી;
હું દ્રૌપદી છું, નિજ પતિને હાથે રમતે મૂકાયેલી;
આ ભેદ-ભરમથી ભરપૂર નૈના, જીવતાં આંસુ સારતા.
હું રસ્તે રઝળતી વાર્તા......

જગ સંબોધે 'જગદંબા' કહી, કોઇ નથી પૂજારી;
અરે! પૂજારીના પહેરવેશમાં, જોયા મેં શિકારી;
ટગર-ટગર શું જુઓ છો, હું સર્જનની કરનારી;
આજ મૂર્તિમંત વિસર્જન થઇને, માંગું ભીખ ભિખારી;
હું સવાલ છું, જવાબ છું, જેને કોઇ નથી વિચારતા.
હું રસ્તે રઝળતી વાર્તા......

ફિલ્મ "મહેંદી રંગ લાગ્યો"(૧૯૬૦) વિશે હરસુખ થાનકીએ રસપ્રદ માહિતી આપી છે.

સોમવાર, 10 ઑગસ્ટ, 2009

અસત્યોમાંહેથી પ્રભુ

શબ્દઃ ન્હાનાલાલ

અસત્યો માંહેથી પ્રભુ! પરમ સત્યે તું લઈ જા,
ઊંડા અંધારેથી, પ્રભુ! પરમ તેજે તું લઈ જા;
મહામૃત્યુમાંથી, અમૃત સમીપે નાથ! લઈ જા,
તું-હીણો હું છું તો તુજ દરશનાં દાન દઈ જા.

પ્રભો અંતર્યામી જીવન જીવના દીનશરણા,
પિતા માતા બંધુ, અનુપમ સખા હિતકરણા;
પ્રભા કીર્તિ કાંતિ, ધન વિભવ સર્વસ્વ જનના,
નમું છું, વંદું છું, વિમળમુખ સ્વામી જગતના.

થતું જે કાયાથી, ઘડીક ઘડી વાણીથી ઊચરું,
કૃતિ ઇંદ્રિયોની, મુજ મન વિશે ભાવ જ સ્મરું;
સ્વભાવે બુદ્ધિથી, શુભ અશુભ જે કાંઈક કરું,
ક્ષમાદષ્ટે જોજો, તુજ ચરણમાં નાથજી! ધરું.

આ પ્રાર્થનાના બીજા અંતરા જે અહીં ગવાયા નથીઃ

સૌ અદભુતોમાં તુજ સ્વરૂપ અદભુત નીરખું,
મહા જ્યોતિ જેવું નયન શશી ને સૂર્ય સરખું,
દિશાઓ ગુફાઓ પૃથ્વી ઊંડું આકાશ ભરતો,
પ્રભો એ સૌથીએ પર પરમ હું દૂર ઊડતો.

પ્રભો તું આદિ છે શુચિ પુરુષ પુરાણ તું જ છે,
તું સૃષ્ટિ ધારે છે, સૃજન પલટયે નાથ તું જ છે,
અમારા ધર્મોનો અહર્નિશ ગોપાલ તું જ છે,
અપાપી પાપીનું શિવ સદન કલ્યાણ તું જ છે.

પિતા છે એકાકિ જડ સકળને ચેતન તણો,
ગુરૂ છે મોટો છે જનકુળ તણો પૂજ્ય તું ઘણો,
ત્રણે લોકે દેવા નથી તું જ સમો અન્ય ન થશે,
વિભુરાયા તુંથી અધિક પછી તો કોણ જ હશે.

વસે બ્રહ્માંડોમાં, અમ ઉર વિષે વાસ વસતો,
તું આઘેમાં આઘે, પણ સમીપમાં નિત્ય હસતો,
નમું આત્મા ઢાળી, નમન લળતી દેહ નમજો,
નમું કોટિ વારે, વળી પ્રભુ નમસ્કાર જ હજો.

પિતા! પેલો આઘે, જગત વીંટતો સાગર રહે,
અને વેગે પાણી સકળ નદીનાં તે ગમ વહે;
વહો એવી નિત્યે મુજ જીવનની સર્વ ઝરણી,
દયાના પુણ્યોના, તુજ પ્રભુ! મહાસાગર ભણી.

રવિવાર, 9 ઑગસ્ટ, 2009

હાથને ચીરો તો ગંગા નીકળે

શબ્દઃ રમેશ પારેખ
સ્વર: આશિત દેસાઇ, હેમા દેસાઇ
આલ્બમ: ગઝલ રેશમી

હાથને ચીરો તો ગંગા નીકળે
છેવટે એ વાત અફવા નીકળે.

બોમ્બની માફક પડે કાયમ સવાર
એ જ કચ્ચરઘાણ ઘટના નીકળે.

કોઇ સપનું છીછરું વાગ્યું હતું
ને જનોઇવઢ સબાકા નીકળે.

સ્તબ્ધ આંખોની કરો ખુલ્લી તપાસ,
ભોંયરાઓ એના ક્યાં-ક્યાં નીકળે.

એ શું ક્બ્રસ્તાનનું ષડયંત્ર છે?
મુઠ્ઠીઓ ખૂલે ને મડદાં નીકળે.

દાબડીમાં એક માણસ બંધ હોય
ઢાંકણું ખોલો તો લાવા નીકળે.

વક્ષની ખંડેર ભૂમિ ખોદતાં
કોઇ અશ્મીભૂત શ્રધ્ધા નીકળે.

માર્ગમાં આવે છે મૃત્યુની પરબ
જ્યાં થઇ હર-એક રસ્તા નીકળે.

ર નીરંતર મેશ-માં સબડે અને
સૂર્ય પણ નીકળે તો કાળા નીકળે.

શનિવાર, 8 ઑગસ્ટ, 2009

તને જોયા કરું છું પણ

શબ્દઃ 'મરીઝ'
સ્વરઃ મનહર ઉધાસ
આલ્બમઃ અક્ષર

તને જોયા કરું છું પણ, મિલન મોકા નથી મળતા;
સિતમ છે સામે મંઝિલ છે, અને રસ્તા નથી મળતા.
તને જોયા કરું છું પણ....

નવીનતાને ન ઠુકરાવો, નવીનતા પ્રાણ-પોષક છે;
જુઓ કુદરત તરફથી શ્વાસ પણ જૂના નથી મળતા.
તને જોયા કરું છું પણ.....

ભલા એવા જીવનમાં શું ફળે જીવનની ઇચ્છાઓ;
કે જ્યાં મરજી મુજબનાં નીંદમાં સ્વપનાં નથી મળતાં.
તને જોયા કરું છું પણ......

કરી શકતો નથી હું મારા મિત્રોની કદરદાની;
ફકત એ કારણે કે દુશ્મનો સાચા નથી મળતા.
તને જોયા કરું છું પણ......

'મરીઝ' અલ્લાહના એકત્વમાં શંકા પડે ક્યાંથી;
જગતમાં જ્યારે બે ઇન્સાન પણ સરખા નથી મળતા.
તને જોયા કરું છું પણ......

શુક્રવાર, 7 ઑગસ્ટ, 2009

પ્રેમને વિસ્તારવાનું સહેજ પણ સહેલું નથી

શબ્દઃ પ્રજ્ઞા વશી
સંગીત: મેહુલ સુરતી
સ્વર: પાર્થિવ ગોહિલ
આલ્બમઃ સાતત્ય

પ્રેમને વિસ્તારવાનું સહેજ પણ સહેલું નથી,
નફરતોને નાથવાનું સહેજ પણ સહેલું નથી.

દુશ્મનોની ભીડમાં એક દોસ્તને જોયા પછી,
દોસ્તી નિભાવવાનું સહેજ પણ સહેલું નથી.

ભીતરે ડૂમો છુપાવી ક્યાં સુધી હસવું ભલા !
રોતી આંખે બોલવાનું સહેજ પણ સહેલું નથી.

ક્યાં છે અઘરું ન્યાય કરવું આંખે પાટા બાંધીને,
જુલ્મને સહેતા જવાનું સહેજ પણ સહેલું નથી.

ગુરુવાર, 6 ઑગસ્ટ, 2009

કેવા રે મળેલા મનના મેળ

શબ્દઃ બાલમુકુન્દ દવે
સંગીતઃ ક્ષેમુ દિવેટિયા
સ્વરઃ (૧) હર્ષિદા રાવલ, જનાર્દન રાવલ
(૨) સોલી કાપડીયા, નિશા ઉપાધ્યાય(કાપડીયા)

કેવા રે મળેલા મનના મેળ ?
હો રુદિયાના રાજા ! કેવા રે મળેલા મનના મેળ ?

ચોકમાં ગૂંથાય જેવી ચાંદરણાની જાળી,
જેવી માંડવે વીંટાઇ નાગરવેલ :
હો રુદિયાની રાણી ! એવા રે મળેલા મનના મેળ !

તુંબું ને જંતરની વાણી
કાંઠા ને સરિતાનાં પાણી
ગોધણની ઘંટડીએ જેવી સોહે સંધ્યાવેળ :
હો રુદિયાના રાજા ! એવા રે મળેલા મનના મેળ !

ધરતી ભીંજાય જેવી મેહુલાની ધારે,
જેવાં બીજ રે ફણગાય ખાતરખેડ :
હો રુદિયાની રાણી ! એવા રે મળેલા મનના મેળ !

સંગનો ઉમંગ માણી,
જિંદગીંને જીવી જાણી;
એક રે ક્યારામાં જેવાં ઝૂક્યાં ચંપો-કેળ :
હો રુદિયાના રાજા ! એવા રે મળેલા મનના મેળ !

જળમાં ઝિલાય જેવાં આભનાં ઊંડાણ,
જેવા ક્ષિતિજે ઢોળાય દિશના ઘેર :
હો રુદિયાની રાણી ! એવા રે મળેલા મનના મેળ !

હર્ષિદા રાવલ , જનાર્દન રાવલ

સોલી કાપડીયા, નિશા ઉપાધ્યાય(કાપડીયા) - આલ્બમઃ નજર ને કહી દો કે

મંગળવાર, 4 ઑગસ્ટ, 2009

વરસો જવાને જોઇએ ત્યાં

શબ્દઃ અમૃત 'ઘાયલ'
સ્વરઃ મનહર ઉધાસ
આલ્બમઃ અવસર

વરસો જવાને જોઈએ ત્યાં ક્ષણમાં જઈ ચડ્યો,
આશ્ચર્ય વચ્ચે એમનાં આંગણમાં જઈ ચડ્યો.

પૂછો નહીં કે આજ તો ક્યાં નીકળી ગયો?
કાજળને સ્પર્શવા જતાં કામણમાં જઈ ચડ્યો.

અંધાર મુક્ત થઈ ન શક્યો રોશની મહીં,
આંખોમાં આંખ નાખી તો પાંપણમાં જઈ ચડ્યો.

કંઈ ચાંદની જ એવી હતી ભાન ના રહ્યું,
જાવું હતું સમુદ્ર ભણી, રણમાં જઈ ચડ્યો.

‘ઘાયલ’ ગયો’તો કેમ સુરાલયમાં શું કહું?
ખૂબ જ હતો હું આજ વિમાસણમાં જઈ ચડ્યો.

સોમવાર, 3 ઑગસ્ટ, 2009

આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના

શબ્દઃ મનોજ ખંડેરિયા
સ્વર-સંગીતઃ અમર ભટ્ટ

આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના,
ફૂલોએ બીજું કૈં નથી, પગલાં વસંતના.

મલયાનિલોની પીંછી ને રંગો ફૂલો ના લૈ,
દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના !

આ એક તારા અંગે ને બીજો ચમન મહીં,
જાણે કે બે પડી ગયા ફાંટા વસંતના !

મહેંકી રહી છે મંજરી એક એક આંસુમાં,
મ્હોર્યા છે આજ આંખમાં આંબા વસંતના !

ઊઠી રહ્યા છે યાદના અબીલ ને ગુલાલ,
હૈયે થયા છે આજ તો છાંટા વસંતના !

ફાંટુ ભરીને સોનું સૂરજનું ભરો હવે,
પાછા ફરી ન આવશે તડકા વસંતના !

રવિવાર, 2 ઑગસ્ટ, 2009

ભૂલે ચૂકે મળે તો મુલાકાત માંગશું

૩૧મી જુલાઇએ મહાન રફી સાહેબની પુણ્યતિથિ નિમિત્તે મારી ભાવાંજલિ

શબ્દઃ બદરી કાચવાલા
સ્વરઃ મોહમ્મદ રફી

ભૂલે-ચૂકે મળે તો મુલાકાત માંગશું
શણગારવા હ્રદયને એક આધાર માગશું

દિલના વિચાર દિલમાં ઉઠ્યાને શમી ગયા
અજવાળી રાત ગુજરી ગઇ કાળી રાતમાં
પ્રિતમની સાથે પહેલી મુલાકાતના સમય
જેની સવાર ના પડે એ રાત માંગશું

માન્યું કે જેને મળવું છે તેઓ નથી મળે
હું થઇ ગયો નિરાશ કે આશા નહીં ફળે
પણ એની સાધનામાં ભલે જિંદગી ઢળે
મૃત્યુ પછીની લાખ મુલાકાત માંગશું